________________
૨૮
સમિતિ-ગુપ્તિ ઈર્ષા સમિતિ વગેરે પાંચ સમિતિ છે. મનોગુપ્તિ વગેરે ત્રણ ગુપ્તિ છે. સમિતિઓ કેવળ પ્રવૃત્તિરૂપ છે. ગુપ્તિઓ પ્રવૃત્તિ અને નિવૃત્તિ ઉભયસ્વરૂપ છે. પ્રવૃત્તિ એટલે કાયા અને વચનની વિશિષ્ટવૃત્તિ. સમિતિ શબ્દના અર્થથી જ સમજી શકાય છે કે સમિતિ કેવળ પ્રવૃત્તિરૂપ છે. સમિતિ શબ્દમાં સન્ અને રૂતિ એમ બે શબ્દો છે. તેમાં સમ્ એટલે ઉચિત અધ્યવસાયથી. તિ એટલે પ્રવૃત્તિ. ઉચિત અધ્યવસાય (=ઉપયોગ) પૂર્વક પ્રવૃત્તિ કરવી તે સમિતિ. આમ સમિતિ શબ્દના અર્થથી જ પ્રવૃત્તિ સમજી શકાય છે. આમ સમિતિ કાયા અને વચનની પ્રવૃત્તિરૂપ છે.
રાગ-દ્વેષ વગેરે દોષોથી ક્ષુબ્ધ બનતા આત્માનું રક્ષણ કરે તે ગુપ્તિ. ગુપ્તિ પ્રવૃત્તિનિવૃત્તિ ઉભયસ્વરૂપ હોવાથી સમિતિમુનિ નિયમા ગુપ્ત છે. ગુપ્તમુનિ સમિત હોય કે ન પણ હોય. જેમકે- કુશળ વચનને બોલતો સાધુ ગુપ્ત પણ છે અને સમિત પણ છે. ગુપ્ત સાધુ માનસ ધ્યાન વગેરે અવસ્થામાં કાયિક કે વાચિક પ્રવૃત્તિ ન હોવાથી ગુપ્ત જ હોય, સમિત ન હોય. ઉપયોગપૂર્વક મૌન સાધુ વચનથી ગુપ્ત છે, પણ સમિત નથી. કારણ કે વાચિક પ્રવૃત્તિ નથી.
સાધુને પૂર્વે ગુપ્તિ-સમિતિના સ્વરૂપનો બોધ હોય, કાર્ય ઉપસ્થિત થાય ત્યારે પ્રયોગકાળે ઉપયુક્ત સાધુની સમિતિ-ગુપ્તિઓ વ્યાઘાતથી (=ધર્મકથા વગેરે અન્ય વ્યાપારથી) રહિત હોય, અને અનંતરયોગમાં ઉપયુક્ત હોય, એટલે કે વિવક્ષિત કાર્ય કર્યા પછી જે કાર્ય કરવાનું હોય તે કાર્ય પણ સમિતિ-ગુપ્તિના પાલનપૂર્વક હોય, તેવા સાધુની સમિતિગુપ્તિઓ શુદ્ધ છે. કેમકે તેમાં હેતુ, સ્વરૂપ અને અનુબંધ એ ત્રણેની શુદ્ધિ રહેલી છે. અહીં સ્વરૂપનું જ્ઞાન એ હેતુ છે. કાર્યમાં વ્યાઘાતથી રહિત પ્રવૃત્તિ સ્વરૂપ છે. અનંતર યોગ અનુબંધ છે. (૬૦૪ થી ૬૦૬).
પ્રતિકૂળ સંયોગોમાં પણ ભાવ અખંડ રહે ચારિત્ર (ના પરિણામ) વિદ્યમાન હોય ત્યારે શરીરનું સામર્થ્ય ન હોય તો પણ ભાવ મંદ કે મલિન ન બને. ચારિત્રીને પ્રતિકૂળ પણ દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવ અંતરના શુભભાવમાં પ્રાયઃ વિદ્ધ કરનારા બનતા નથી. બાહ્ય ક્રિયાઓ દ્રવ્યાદિ પ્રમાણે થાય. કોઈક સાધુને મોહનીય કર્મનો ક્ષયોપશમ મંદ હોય એથી શુભભાવમાં વિઘ્નનો સંભવ હોવાથી અહીં “પ્રાય કહ્યું છે. સ્વામીની આજ્ઞાથી લડવા માટે ગયેલા સુભટને યુદ્ધમાં બાણો વાગવા છતાં લડવાના ભાવમાં ઓટ આવતી નથી, તેવી રીતે જિનાજ્ઞાથી કર્મની સામે યુદ્ધ કરવા માટે સજ્જ થયેલા મુનિના અંતરના ભાવમાં પ્રતિકૂળ દ્રવ્યાદિમાં પણ જરાય ખામી આવતી નથી.