________________
૨૬
ફળતું નથી. (૪૫૮) જો સારી રીતે (=તીવ્ર પશ્ચાત્તાપપૂર્વક) કરેલી નિંદા-ગર્તાથી દોષને અનુબંધથી રહિત કરી દેવામાં આવે તો દોષ અનિષ્ટ ફળવાળો ન થાય. (૧૦૧૨)
સંક્લેશનો ત્યાગ અનિવાર્ય છે મતિમાન જીવે વિરાધનારહિત શુદ્ધ ધર્મસ્થાનમાં આદર કરવો જોઈએ, સંક્ષિણ ધર્માનુષ્ઠાનમાં આદર ન જ કરવો જોઈએ. સંક્લેશવાળા જીવને તપ, શાસ્ત્ર, વિનય અને પૂજા વગેરે ધર્માનુષ્ઠાનો આલંબન થતા નથી. આ વિષે ક્ષેપક વગેરેનાં દૃષ્ટાંતો છે. (૪૮૪-૪૮૫) " સંક્લેશ દુઃખરૂપ અને દુ:ખફલક છે. આથી આજ્ઞાના સમ્યક્ પાલનથી સંક્લેશનો સદાય ત્યાગ કરવો જોઈએ. (૪૯૮)
ઉપદેશ કોને સફળ બને ? ઉપદેશ બે પ્રકારના ભવ્યજીવોને સફળ છે. તે આ પ્રમાણે-(૧) જે જીવો વિવક્ષિત (ચોથું વગેરે) ગુણસ્થાનને પામવાની પૂર્ણ લાયકાતથી યુક્ત હોય તેવા જીવોને એ ગુણસ્થાનને પામવા માટે આ ઉપદેશ સફળ બને છે. (૨) જે જીવો તેવા પ્રકારના ક્લિષ્ટ કર્મોદયથી વિવક્ષિત(=ચોથું વગેરે) ગુણસ્થાન રૂપ મહેલના શિખર ઉપરથી પડવાની તૈયારીવાળા હોય તેવા જીવોને પતનથી બચવા માટે આ ઉપદેશ પ્રાયઃ સફલ છે.
પ્રશ્ન- પતનથી બચવા માટે આ ઉપદેશ પ્રાયઃ સફલ છે એમ પ્રાયઃ કેમ કહ્યું ?
ઉત્તર- પતનનું કારણ જે ક્લિષ્ટ કર્મોદય તે નિકાચિત અને અનિકાચિત એમ બે પ્રકારે છે. તેમાં જે જીવો નિકાચિત ક્લિષ્ટ કર્મોદયથી પડી રહ્યા હોય તેમને આ ઉપદેશ સફળ ન બને=પતનથી બચાવી ન શકે. જે જીવો અનિકાચિત ક્લિષ્ટ કર્મોદયથી એટલે કે સોપક્રમ કર્મના ઉદયથી પતન પામવાની તૈયારીવાળા હોય તેમને આ ઉપદેશ સફળ બને=પતનથી બચાવી શકે, માટે અહીં “પ્રાયઃ' એમ કહ્યું છે. (૪૯૯) - ચક્રબ્રમણમાં દંડની જેમ ઉપદેશ સહકારી કારણ છે. ચક્રભ્રમણ ચાલુ કરવું હોય કે મંદ પડેલા ચક્રભ્રમણને વેગવાળું બનાવવું હોય ત્યારે દંડ ઉપયોગી બને છે. પણ ચક્રભ્રમણ ચાલુ હોય તો દંડ જેમ નિરર્થક છે તેમ સ્વગુણસ્થાનમાં સ્થિર જીવોને ઉપદેશના સહાયની જરૂર નથી. (૫૦૦)
દરરોજ સૂત્રાર્થ પોરિસી શા માટે ? પ્રશ્ન- જો સ્વગુણસ્થાનમાં સ્થિર જીવોને ઉપદેશના સહાયની જરૂર નથી તો પછી સાધુઓને સૂત્રપોરિસી-અર્થ પોરિસી નિત્ય કરવાનું કેમ કહ્યું ?