Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
“પોતાને સુપાત્રથી (અર્થાત્ સુપાત્રને દાન આપવા વગેરેથી) ભવથી પાર પામવાની જે ઇચ્છા છે તેને ભક્તિ કહેવાય છે. એ ભક્તિપૂર્વક સુપાત્રમાં આપેલું દાન; ઘણાં કર્મોનો ક્ષય કરવા સમર્થ બને છે.” - આ પ્રમાણે વીસમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે સુપાત્ર પૂ. સાધુભગવંતાદિને દાન આપીને પોતાને સંસારથી નિસ્તાર પામવાની ઇચ્છાને ભક્તિ કહેવાય છે. ‘આ ગ્રહણ કરો અને મને સંસારથી પાર ઉતારો' - આવી ભાવનાપૂર્વક દાન આપવાથી ભક્તિપૂર્વક સુપાત્રદાન થાય છે.
આરાધ્યસ્વરૂપે સુપાત્રાદિના જ્ઞાનને પણ ભક્તિ કહેવાય છે. ‘આ મારા આરાધ્યઆરાધનીય છે' આવા પ્રકારના જ્ઞાનને ભક્તિ કહેવાય છે. કહેવાનો આશય એ છે કે સુપાત્રને આરાધ્ય માનવાનો પરિણામ જ ભક્તિ છે. આરાધનાના વિષયને આરાધ્ય કહેવાય છે. ગૌરવાન્વિત સુપાત્ર એવા પૂ. સાધુમહાત્માદિની પ્રીતિની કારણભૂત એવી દાનાદિ ક્રિયાને આરાધના કહેવાય છે. દાનાદિ ક્રિયાથી જોકે પૂ. સાધુભગવંતાદિને તેઓ રાગાધીન ન હોવાથી કોઇ પણ રીતે પ્રીતિનો સંભવ નથી. પરંતુ અહીં ગૌરવિત પૂ. સાધુભગવંતાદિની, દાનાદિ ક્રિયા સ્વરૂપ જે સેવા છે તેને આરાધના કહેવાય છે, તેથી કોઇ દોષ નથી.
મૂળ શ્લોકમાં ભવનિસ્તારની ઇચ્છાને ભક્તિ કહી છે અને ટીકામાં જ્ઞાનવિશેષને ભક્તિ તરીકે વર્ણવ્યું છે. આમ જોઇએ તો બંનેમાં ફરક છે. પરંતુ તાદશ ઇચ્છા કે તાદશજ્ઞાન સ્વરૂપ ભક્તિથી ભવનિસ્તારસ્વરૂપ ફળ પ્રાપ્ત થતું હોવાથી ફળને આશ્રયીને ભક્તિના સ્વરૂપમાં કોઇ જ ફરક નથી. જેનું ફળ એક - તુલ્ય - છે; તે કારણમાં ફળને આશ્રયીને ભેદ માનવાનું કોઇ કારણ નથી... તે સમજી શકાય છે. આવી ભક્તિથી સુપાત્રમાં આપેલું દાન; ઘણાં કર્મોનો ક્ષય ક૨વા માટે સમર્થ બને છે. ગૃહસ્થજીવનમાં સમ્યગ્દર્શનાદિની પ્રાપ્તિ માટે સુપાત્રદાન જેવું કોઇ ઉત્તમ સાધન નથી. ખૂબ જ સરળતાથી સેવી શકાય એવું એ અદ્ભુત સાધન છે. સુપાત્રદાનમાં કઇ વસ્તુ અપાય છે એનું મહત્ત્વ નથી પરંતુ કેવી ભક્તિથી અપાય છે એનું મહત્ત્વ છે. વસ્તુ ઉત્તમમાં ઉત્તમ હોય પરંતુ ભવનિસ્તારની ભાવના ન હોય તો તેવા સુપાત્રદાનથી કોઇ વિશેષ લાભ નહિ થાય. ‘આપીને છૂટા નથી થવું પણ આપીને મુક્ત થવું છે' - આવી ભાવના કેળવ્યા વિના સુપાત્રદાન સારી રીતે કરી શકાશે નહિ. ।।૧-૨૦ના
તથાદિ
સુપાત્રદાનનું પરિશુદ્ધ સ્વરૂપ સમજાવાય છે—
૨૪
पात्रदानचतुर्भङ्ग्यामाद्यः संशुद्ध इष्यते । द्वितीये भजना शेषावनिष्टफलदौ मतौ ॥१-२१॥
દાન બત્રીશી