Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
સર્વથા ભાવસ્તવાધિરૂઢ હોવાથી આવી પૂજા (દ્રવ્યપૂજા)થી તેઓશ્રીને કોઈ પણ પ્રયોજનની સિદ્ધિ થતી નથી.” - આ પ્રમાણે અઠ્ઠાવીસમા શ્લોકનો અર્થ છે.
એનો આશય એ છે કે - “ઉપર જણાવ્યા મુજબ પૂજા કરવા માટે સ્નાનાદિ કરવામાં દોષ ન હોય અને વિશિષ્ટ લાભ હોય તો પૂ. સાધુભગવંતોને પણ પૂજા કરવાનો અધિકાર માનવો જોઈએ. “પૂ. સાધુભગવંતોને સ્નાનાદિનો નિષેધ હોવાથી તેમને પૂજાનો અધિકાર મનાતો નથી' - આ પ્રમાણે કહેવાનું ઉચિત નથી. કારણ કે શરીરની વિભૂષાદિ માટે સ્નાનાદિનો નિષેધ હોવા છતાં પૂજા માટે સ્નાનાદિ કરવાનો તેમને નિષેધ કરવાનું શક્ય નથી. અન્યથા ગૃહસ્થોને પણ તેવો નિષેધ કરવાનો પ્રસંગ આવશે.
પોતાના કુટુંબાદિ માટે ગૃહસ્થો આરંભ કરતા હોવાથી પૂજાનો અધિકાર ગૃહસ્થોને મનાય છે. પરંતુ પૂ. સાધુમહાત્માને તેવો અધિકાર અપાતો નથી.' - આ પ્રમાણે કહેવાનું ઉચિત નથી. કારણ કે પોતાના કુટુંબાદિ માટે આરંભાદિ સ્વરૂપ એક પાપ કરે છે તેથી તેણે પૂજા માટે સ્નાનાદિ કરવા સ્વરૂપ બીજું પણ પાપ આચરવું જોઈએ : એવો નિયમ નથી. પૂજા કરવાથી સમ્યગ્દર્શનાદિગુણોનો લાભ તો ગૃહસ્થ અને પૂજ્ય સાધુભગવંતો ઉભય માટે સમાન છે. તેથી પૂજ્ય સાધુમહાત્માને પણ પૂજાનો અધિકાર માનવો જોઈએ” – આ પ્રમાણે શંકાકારનું કથન છે.
તેનું નિરાકરણ કરતાં ન વં... ઇત્યાદિ ગ્રંથથી જણાવ્યું છે કે પૂ. સાધુભગવંતો સર્વ રીતે ભાવસ્તવને પામેલા છે. તેથી તેમને આવી દ્રવ્યપૂજાથી કોઈ જ પ્રયોજન સિદ્ધ થવાનું નથી. દ્રવ્યસ્તવનું ફળ ભાવસ્તવ છે. તેને તો પૂ. સાધુભગવંતોએ પ્રાપ્ત કરી લીધું છે. તેથી તેઓશ્રીને દ્રવ્યપૂજાનું કોઇ જ પ્રયોજન નથી. જે શરૂઆતની ભૂમિકામાં ગુણને કરનારું હોય તે ત્યાર પછીની ઉત્તરભૂમિકામાં પણ ગુણને કરનારું હોય એવું નથી હોતું. રોગને દૂર કરતી વખતે જે ઔષધ ગુણને કરનારું હોય તે ઔષધ નીરોગી અવસ્થામાં પણ ગુણને કરનારું હોય એવું કઈ રીતે બને? રોગની ચિકિત્સાની જેમ ધર્મ પણ તે તે અધિકારીઓ માટે શાસ્ત્રમાં નિયત કરેલો છે. અષ્ટક પ્રકરણમાં આ વિષયમાં જણાવ્યું છે કે “શાસ્ત્રમાં અધિકારીની અપેક્ષાએ ધર્મસાધનની વ્યવસ્થા જણાવી છે. ગુણ કે દોષના વિષયમાં એ વ્યવસ્થા રોગચિકિત્સાની જેમ જાણવી.' પ-૨૮
ઉપર જણાવ્યા મુજબ પૂ. સાધુભગવંતો સર્વથા આરંભથી નિવૃત્ત હોવાથી તેઓશ્રીને તો પૂજાનો (દ્રવ્યપૂજાનો) અધિકાર નથી જ. પરંતુ કેટલાક ગૃહસ્થોને પણ તે નથી, તે જણાવવાપૂર્વક અધિકારીની અપેક્ષાએ ધર્મસાધનની વ્યવસ્થાનું સમર્થન કરાય છે–
प्रकृत्यारम्भभीरुर्वा यो वा सामायिकादिमान् । गृही तस्याऽपि नात्रार्थेऽधिकारित्वमतः स्मृतम् ॥५-२९॥
એક પરિશીલન
૨૦૧