Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
નિર્ગુણતાનું જ્ઞાન વૈરાગ્ય દ્વારા સંસારથી મુક્ત કરાવનારું બને છે. મોક્ષના ઉપાયભૂત રત્નત્રયીના પ્રકૃષ્ટ આચરણથી યુક્ત જ્ઞાનગર્ભિત વૈરાગ્ય હોય છે. જ્ઞાન અને આચરણ - એ બંનેનો સંવાદ જ આ જ્ઞાનગર્ભિત વૈરાગ્યમાં શરૂ થાય છે. અત્યાર સુધી જ્ઞાન અને આચરણનો કોઈ મેળ જ બેસતો ન હતો. એ મેળ બેસાડવાનું કાર્ય જ્ઞાનગર્ભિત વૈરાગ્ય દ્વારા થાય છે. I૬-૨૪
ઉપર જણાવેલા ત્રણ વૈરાગ્યમાંથી જે વૈરાગ્યના કારણે સાધુની સમગ્રતા થાય છે - તે જણાવાય છે–
सामण्यं स्यादनेनैव द्वयोस्तु स्वोपमर्दतः ।
अत्राङ्गत्वं कदाचित्स्याद् गुणवत्पारतन्त्र्यतः ॥६-२५॥ सामग्र्यमिति-अनेनैव ज्ञानान्वितवैराग्येणैव । सामग्र्यं सर्वथा दुःखोच्छेदलक्षणं स्यात्, ज्ञानसहितवैराग्यस्यापायशक्तिप्रतिबन्धकत्वात् । द्वयोस्तु दुःखमोहान्वितवैराग्ययोः स्वोपमर्दतः स्वविनाशद्वारा । अत्र ज्ञानान्वितवैराग्येऽङ्गत्वमुपकारकत्वं । कदाचिच्छुभोदयदशायां स्यात् । गुणवतः पारतन्त्र्यमाज्ञावशवृत्तित्वं ततः । ज्ञानवत्पारतन्त्र्यस्यापि फलतो ज्ञानत्वात् ।।६-२५॥
“આ જ્ઞાનાન્વિત વૈરાગ્યથી જ પૂ. સાધુભગવંતોની સમગ્રતા પૂર્ણ થાય છે. દુઃખાન્વિત અને મોહાન્વિત વૈરાગ્ય તો કોઈ વાર પોતાના વિનાશ દ્વારા ગુણવાન પુરુષોની આજ્ઞાનું પારતંત્ર્ય કેળવવાથી જ્ઞાનાન્વિત વૈરાગ્યના અંગ બને છે.” આ પ્રમાણે પચીસમા શ્લોકનો સામાન્ય અર્થ છે. કહેવાનો આશય એ છે કે પૂ. સાધુમહાત્માઓનું સામગ્ય દુઃખના ઉચ્છદ સ્વરૂપ છે, જે કર્મમાત્રના ઉચ્છેદથી થઈ શકે છે. સકલ કર્મના ક્ષય સ્વરૂપ મોક્ષની પ્રાપ્તિ વિના સાધુભગવંતોની સમગ્રતા સિદ્ધ નહીં થાય. જ્ઞાનાન્વિત વૈરાગ્યના જ કારણે સર્વથા દુઃખોનો ઉચ્છેદ થાય છે. કારણ કે જ્ઞાનસહિત વૈરાગ્ય અપાયશક્તિનો પ્રતિબંધ કરે છે. તેથી ભવિષ્યમાં કોઈ અપાય થતો ન હોવાથી દુઃખોનો સર્વથા ઉચ્છેદ થઈ જાય છે. ક્રમિક દુઃખોનો ઉચ્છેદ થતો હોય તોપણ ભવિષ્યમાં જો અપાયની પ્રાપ્તિ થયા જ કરે તો સર્વથા એ દુઃખોચ્છેદ ન જ થાય - એ સમજી શકાય છે. જ્ઞાનસહિત વૈરાગ્ય સ્થળે એવું બનતું નથી. જ્ઞાનના કારણે અપાયની શક્તિ જ પ્રતિબદ્ધ થાય છે અને તેથી વૈરાગ્ય વિના પ્રતિબંધે દુઃખોનો ઉચ્છેદ કરી શકે છે. જ્ઞાનથી રહિત એવા બંન્ને વૈરાગ્યમાં એ શક્ય થતું નથી. ત્યાં અપાયની શક્તિનો પ્રતિબંધ થતો નથી.
કોઈ વાર શુભનો ઉદય થાય તો એ દશામાં ગુણવાન પુરુષોની આજ્ઞાને આધીન બની મોક્ષના ઉપાયમાં પ્રવૃત્તિ કરાય તો દુઃખગર્ભિત કે મોહગર્ભિત વૈરાગ્ય; પોતાના નાશ દ્વારા જ્ઞાનગર્ભિત વૈરાગ્યમાં પરિણમે છે. આ રીતે એ બંને, જ્ઞાનાન્વેિતવૈરાગ્યમાં ઉપકારક અંગ બને છે. જોકે એ બંન્ને વૈરાગ્ય જ્ઞાનસહિત નથી પરંતુ ગુણવાનજ્ઞાનીનું પાતંત્ર્ય, એના ફળને આશ્રયીને જ્ઞાનસહિત બને છે. જ્ઞાનની જેમ જ જ્ઞાનીભગવંતનું પાતંત્ર્ય પણ અપાયશક્તિનો
૨૩૪
સાધુસામગ્રય બત્રીશી