Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
શ્રી અષ્ટકપ્રકરણમાં એ અર્થને વર્ણવતાં ફરમાવ્યું છે કે - અજ્ઞાનથી પણ જે સાધુમહાત્મા વગેરે શાસનની મલિનતા સ્વરૂપ પ્રવચનનો ઉપઘાત થાય એવું કાર્ય કરે છે; તે સાધુમહાત્મા વગેરે બીજાને ચોક્કસ જ મિથ્યાત્વમોહનીયકર્મના બંધનું કારણ બને છે; તેથી તે પોતે પણ એ મિથ્યાત્વમોહનીયકર્મનો જ સારી રીતે બંધ કરે છે. જે સર્વ અનર્થને કરનારું, ભયંકર દારુણવિપાકવાળું અને લાંબા કાળ સુધીના સંસારનું કારણ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે, છકાય જીવોની પ્રત્યે દયાના પરિણામવાળા પૂ. સાધુભગવંતો વગેરે અજ્ઞાનથી પણ લોકવિરુદ્ધ આચરણથી આહાર-નીતારાદિના વિષયમાં પ્રવચનનો ઉપઘાત કરે તો તે પોતાને અને બીજાને દુર્લભબોધિ બનાવે છે. ગુણવદ્ ગુરુજનોની નિંદાદિ સ્વરૂપ દુષ્ટ આચરણથી તેઓ પ્રવચનની હીલના કરાવે છે. જેથી બીજા જીવોને મિથ્યાત્વના બંધનું તે કારણ બને છે. તેમ જ બીજા જીવોને પ્રવચનમાં મિથ્યાત્વની બુદ્ધિ થાય છે. એટલે કે પ્રવચનના ઉપઘાતક કૃત્યથી બીજા જીવોને પ્રવચન જ મિથ્યા ભાસે છે - આ રીતે બન્ને પ્રકારે પ્રવચનનો ઉપઘાત બીજા જીવોના મિથ્યાત્વનું કારણ બને છે. તેને લઈને પ્રવચનનો ઉપઘાત કરનારને મહાન અનર્થના કારણભૂત એવા મિથ્યાત્વનો જ નિકાચિત બંધ થાય છે. કોઈ શુભકર્મનો બંધ થતો નથી, તેમ જ મિથ્યાત્વનો સામાન્ય બંધ પણ થતો નથી.
શાસનમાલિ નિષેધાષ્ટકના બીજા શ્લોકમાં મિથ્યાત્વનું સ્વરૂપ વર્ણવતાં ફરમાવ્યું છે કે તે સંસારનું પરમકારણ છે. વિપાકને આશ્રયીને દારુણ છે, ભયંકર છે અને સઘળાંય વિપ્નોનું કારણ છે. આવું મિથ્યાત્વ; ઉપર જણાવ્યા મુજબ પ્રવચનની હીલના થાય એવા કૃત્યથી બંધાય છે. પૂ. સાધુભગવંતાદિએ આથી સતત ઉપયોગ રાખવો જોઈએ કે જેથી અજ્ઞાનપણે પ્રવચનની હિલનામાં નિમિત્ત બની ના જવાય. જેટલો ભય અશાતા, અંતરાય અને અપયશાદિ કર્મનો છે, એટલો ભય મિથ્યાત્વનો લાગે તો શાસનની મલિનતા કરવાથી આત્માને દૂર કરી શકાય. કેટલીક વાર અજ્ઞાન અને કદાગ્રહના કારણે શાસનની મલિનતા આપણાથી થઈ જતી હોય છે. ત્યારે પણ આપણને તો એમ જ લાગતું હોય છે કે આપણે વિશિષ્ટ કોટિની આરાધના કરીએ છીએ. એમાં આપણું અજ્ઞાન અને આપણો કદાગ્રહ કામ કરતો હોય છે. આવી સ્થિતિમાં ગુણવદ્ ગુરુજનોનું પાતંત્ર્ય ખૂબ જ ઉપયોગી બને છે. ભાવશુદ્ધિ માટે એના વિના બીજો કોઈ જ ઉપાય નથી... ઇત્યાદિ શાંત અને સ્થિર ચિત્તે વિચારવું. //૬-૩ની મહાન અનર્થના મૂળમાં જે શાસનનું માલિન્ય છે તેનું કારણ જણાવાય છે–
स्वेच्छाचारे च बालानां मालिन्यं मार्गबाधया । गुणानां तेन सामण्यं गुणवत्पारतन्त्र्यतः ॥६-३१॥
એક પરિશીલન
૨૪૧