Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
“તાત્પર્યને આશ્રયીને દરેક સ્થાને ભગવાન શ્રી જિનેશ્વરદેવોની આજ્ઞા જ પ્રધાન છે - એ પ્રમાણેનું, અશુદ્ધ જાત્યરત્નની કાન્તિ જેવું જે જ્ઞાન છે; તેને ભાવનામયજ્ઞાન કહેવાય છે.” - આ પ્રમાણે તેરમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે મહાવાક્ય(વાક્યોનો સમુદાય)થી દ્રવ્યક્ષેત્ર-કાલાદિની અપેક્ષાએ તેમ જ ઉત્સગદિની અપેક્ષાએ જે અર્થનો નિર્ણય થાય છે તે બધાં સ્થાને અંતે એક જ તાત્પર્ય છે કે ભગવાન શ્રી વીતરાગપરમાત્માની આજ્ઞા જે પ્રમાણે છે તેમ કરવું. ભગવાનની આજ્ઞા હોય તો કરવું, ભગવાન નિષેધ કરતા હોય તો ન કરવું. કારણ કે ભગવાનની આજ્ઞામાં જ ધર્મ છે, અન્યથા અધર્મ છે. આવી રીતે દરેક પ્રવૃત્તિ-નિવૃત્તિપ્રસંગે આજ્ઞાને આગળ કરનારું અર્થાત્ આશાની પ્રધાનતાને જણાવનારું જે જ્ઞાન થાય છે; તેને ભાવનામય જ્ઞાન તરીકે વર્ણવ્યું છે. આ જ્ઞાનથી વિપક્ષની શંકાનું નિરાકરણ થવાથી પ્રવૃત્તિનિવૃત્તિમાં દઢતા આવે છે.
કહેવાનો આશય એ છે કે કોઇની પણ હિંસા કરવી નહિ એ સમજયા પછી શ્રી જિનમંદિરાદિના નિર્માણકાર્યથી અને નદી ઊતરવાદિની પ્રવૃત્તિથી જે હિંસા થાય છે તેના કારણે પૂર્વે જાણેલી વાતનો વિરોધ આવે છે. તેને દૂર કરવા માટે વિચારવાથી એ સમજાય છે કે શ્રી જિનાલયાદિના નિર્માણ આદિમાં સ્વરૂપહિંસા છે, અનુબંધહિંસા નથી. શ્રી વીતરાગપરમાત્માએ અનુબંધહિંસાનો નિષેધ કર્યો છે, સ્વરૂપહિંસાનો નહિ. તેથી કોઇ વિરોધ નથી. આવું સમજાયા પછી પણ અનુબંધહિંસાસ્થળે અને સ્વરૂપહિંસાસ્થળે હિંસા તો થાય છે જ, તો એક સ્થળે દોષ અને બીજા સ્થળે દોષનો અભાવ કઈ રીતે મનાય? આવા પ્રકારની વિપક્ષ(વિરોધ)ની શંકા થતી હોવાથી હિંસાની નિવૃત્તિમાં અને શ્રી જિનાલયાદિના નિર્માણાદિમાં દઢતા રહેતી નથી. આવા સમયે ભાવનામયજ્ઞાનથી ભગવાનની આજ્ઞાનું પ્રાધાન્ય બરાબર જણાય છે. તેથી તે સમજે છે કે ભગવાન જેની ના પાડે તે નહીં કરવાનું અને ભગવાન જેની આજ્ઞા(વિધાન) આપે તે કરવાનું. આ સમજણથી મુમુક્ષુઓને પ્રવૃત્તિ-નિવૃત્તિ પ્રત્યે ખૂબ જ દઢતા પ્રાપ્ત થાય છે, જે; માર્ગમાં સ્થિરતા અને ધીરતા પ્રત્યે અનિવાર્ય છે.
આવી રીતે સર્વત્ર મહાવાક્યથી નિર્ણય કરેલા અર્થમાં વિધિ કે નિષેધનું તાત્પર્ય ભગવાનની આજ્ઞા જ છે. દરેક અર્થના તાત્પર્યને જણાવનારું ભાવનામય જ્ઞાન છે. આ જ્ઞાન જેને પ્રાપ્ત થયું હોય તે જીવનું સ્વરૂપ અન્ય જીવો કરતાં અધિક દેદીપ્યમાન હોય છે. ખાણમાં પડેલા જાત્યરત્નની પ્રભા; તે અશુદ્ધ (અસંસ્કૃત) હોવા છતાં બીજાં રત્નોની કાન્તિની અપેક્ષાએ જેમ અધિક હોય છે તેમ ભાવનામયજ્ઞાનવાળા ભવ્ય આત્માની પ્રભા; અન્ય જીવરત્નની પ્રભા કરતાં અધિક હોય છે. તેથી આ ભાવનામય જ્ઞાનને અશુદ્ધ જાત્યરત્નની આભા સમાન વર્ણવ્યું છે. ભાવનાજ્ઞાનવાળા કેવલજ્ઞાની નથી; તેથી શુદ્ધ નથી. પરંતુ અન્યજીવોની અપેક્ષાએ તે ભવ્યાત્માઓના જ્ઞાનની આભા અધિક હોય છે.
એક પરિશીલન