Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
કહેવાનું તાત્પર્ય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ વિધિપૂર્વક નિર્માણ પામેલા શ્રી જિનાલયમાં બિરાજમાન કરવા માટે શ્રી જિનબિંબ ભરાવવું જોઇએ. જે શિલ્પીને આ કાર્ય સોંપવાનું છે; તે કાર્ય અંગે પોતાની સંપત્તિ પ્રમાણે ઉચિત મૂલ્ય આપવું જોઇએ. કોઇ પણ જાતની કૃણતા કર્યા વિના ઉદારતાપૂર્વક આ કાર્ય કરવું જોઇએ. આ કાર્ય કરનાર શિલ્પીને કાર્ય સોંપતાં પૂર્વે; ભોજન કરાવવું, પાનનું બીડું આપવું, પુષ્પ અર્પણ કરવાં અને શ્રીફળાદિ આપવાં... વગેરે રીતે તેની પૂજા કરવી. પ્રતિમાજી ભરાવવા માટે શિલ્પી એવો પસંદ કરવો કે જે સ્ત્રી-મદિરા અને જુગાર વગેરેનો વ્યસની ન હોય. અન્યથા વ્યસનવાળા શિલ્પીને પ્રતિમાજી ઘડવાનું કાર્ય સોંપવામાં આવે તો કાલાંતરે પ્રતિમાજી ભરાવનારને પશ્ચાત્તાપ (આને ક્યાં કામ આપ્યું, ન આપ્યું હોત તો સારું થાત... ઇત્યાદિ રીતે પશ્ચાત્તાપ) થશે અને શિલ્પી-વૈજ્ઞાનિકને ઠપકો સાંભળવાનો પ્રસંગ આવશે. તેથી વ્યસનથી રહિત જ શિલ્પીને; કરનાર વૈજ્ઞાનિક અને કરાવનાર ગૃહસ્થ બંનેના ચિત્તનો અનુક્રમે ઉપાલંભ (ઠપકો) અને અનુશય (પશ્ચાત્તાપ) દ્વારા વિનાશ ન થાય એ રીતે પ્રતિમાજી ભરાવવાનું કામ આપવું જોઇએ. તત્ત્વના જાણકારોએ ધર્મકાર્ય પ્રારંભે અમંગલસ્વરૂપ એવા આ ચિત્તવિનાશનો નિષેધ કર્યો છે. તેથી પ્રતિમાજી ભરાવવા સ્વરૂપ પરમમંગલકાર્યમાં ચિત્તનો વિનાશ ન થાય – એનું ચોક્કસ ધ્યાન રાખવું જોઇએ. શિલ્પી, મહેતાજી, કાર્યકર્તા વગેરે પૈસા લઇ ગયા... વગેરે પ્રકારની અનેક ફરિયાદો આજે સાંભળવા મળે છે. માટે આ વિષયમાં ચોક્કસ ખાતરી કરીને જ કાર્ય સોંપવું જોઇએ. અન્યથા સંક્લિષ્ટ ચિત્ત બન્યા વિના નહિ રહે. સંક્લિષ્ટ કાર્યો સ્વ-૫૨ના હિતને કરનારાં નહીં થાય : એ યાદ રાખવું જોઇએ. ॥૫-૧૧॥
ઉપર જણાવ્યા મુજબ બિંબ ભરાવનાર અને શિલ્પી : એ બંનેના ચિત્તનો નાશ ન થાય એ માટે નિર્વ્યસનીને જ તે કાર્ય કરવા માટે આપવું જોઇએ. તેથી બંનેના સંબંધમાં કોઇ પણ જાતની વિકલતા પ્રાપ્ત થતી નથી. થોડો પણ ચિત્તનો ભેદ ફળની હાનિને કરે છે. તેથી બંનેના સંબંધમાં કોઇ પણ પ્રકારની વિકલતા ન જ આવવી જોઇએ. આથી સમજી શકાશે કે શ્રી જિનબિંબના નિર્માણકાર્યમાં ભાવનું જ પ્રાધાન્ય છે. એ ભાવનું પ્રાધાન્ય જણાવાય છે—
यावन्तश्चित्तसन्तोषास्तदा बिम्बसमुद्भवाः ।
तत्कारणानि तावन्तीत्युत्साह उचितो महान् ॥५- १२॥
यावन्त इति—तदा बिंबकारणे । तावन्ति तावद्विबकारणसाध्यफलोदयात् ।।५-१२।। “શ્રી જિનબિંબ કરાવતી વખતે; બિંબના કારણે ઉત્પન્ન થયેલા જેટલા ચિત્તના સંતુષ્ટ પરિણામો છે તે બધા જ બિંબના નિર્માણકાર્યનાં કારણ છે. તેથી ઉચિત ઉત્સાહ મહાન છે.” – આ પ્રમાણે બારમા શ્લોકનો અર્થ છે. કહેવાનો ભાવ એ છે કે ઉપર જણાવ્યા મુજબ વિધિપૂર્વક શ્રી જિનબિંબ ભરાવવાથી બંન્નેના ચિત્તનો નાશ થતો નથી. જેમ જેમ બિંબ ભરાવવાનું કાર્ય આગળ
એક પરિશીલન
૧૭૫