Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
જણાય તો તે દુર્નયામાં દૃઢતાપૂર્વક દૂષણ બતાવવાં. કારણ કે દુષ્ટાંશના ઉચ્છેદથી જેમ ઝેરી કાંટો પગને વિષની બાધાથી દૂષિત કરતો નથી તેમ અહીં પણ તે દુર્નયના દુષ્ટ અંશનો છેદ કરવાથી બંને નયો સુસ્થિત થાય છે. ધર્મોપદેશક જે વાત જણાવે છે તે એક નય અને શ્રોતા જે સમજે છે તેમાંના દુષ્ટ અંશથી રહિત જે વાત છે તે બીજો નય : આ બંન્ને નયો સુસ્થિત બને છે.
જોકે આ રીતે દુર્નયના દુષ્ટ અંશનો ઉચ્છેદ કરવાથી ઇતરાંશનો પ્રતિક્ષેપ કરવાના કારણે પોતાના નયમાં દુર્નયત્વનો પ્રસંગ આવશે. કારણ કે નય, બીજા નયનો પ્રતિક્ષેપ કરનારા નથી હોતા. બીજા નયનો પ્રતિક્ષેપ કરનારા નયને દુર્નય કહેવાય છે. પરંતુ પ્રકૃતિસ્થળે દુર્નયને દૂષિત કરવાનું તાત્પર્ય ન હોવાથી કોઈ દોષ નથી. આશય એ છે કે દુર્નયનાં દૂષણ બતાવતી વખતે એ નયમાંના દુષ્ટ અંશનો જ ઉચ્છેદ કરવાનું તાત્પર્ય છે. એમ કરવાથી દુર્નયના દુષ્ટ અંશનો નાશ થવાથી તે સુનય બને છે અને નયાંતરની વાતનું વ્યવસ્થાપન થાય છે. અન્યદર્શનકારોની એકાંતવાદની કુદેશનાથી જેને એકાંતે નિત્યત્વ કે એકાંતે અનિત્યત્વનો અભિનિવેશ છે, એવા શ્રોતાને એકાંતવાદની માન્યતામાં દઢતાપૂર્વક દૂષણ બતાવવાથી શ્રોતાને, અભિનિવેશનો નાશ થવાથી અન્યદર્શનકારની વાત કેટલા અંશમાં સાચી છે - એનો સ્પષ્ટ ખ્યાલ આવે છે. અને સાથે સાથે ધર્મોપદેશક - પૂ. ગુરુભગવંતે જણાવેલી સ્વદર્શનની (જૈન દર્શનની) વાતની પારમાર્થિકતાનો પણ ખ્યાલ આવી જાય છે. આ રીતે દુર્નયના દુષ્ટ અંશનો ઉચ્છેદ કરવાથી નયાંતરનું પ્રાધાન્ય ગ્રહણ કરાવી શકાય છે, તેથી દુર્નયત્વનો પ્રસંગ આવતો નથી. ન્યાયદર્શનાદિમાં તર્ક અયથાર્થજ્ઞાનરૂપ હોવા છતાં અનુમાનમાં વ્યભિચારશંકાની નિવૃત્તિ કરાવવા દ્વારા અનુમાન-પ્રામાણ્યનો અનુગ્રાહક હોવાથી તર્કની પ્રામાણ્યોપયોગિતાદિ જેમ મનાય છે તેમ અહીં પણ દુર્નયના દુષ્ટાંશનો પ્રતિક્ષેપ હોવા છતાં પ્રકૃતનમાં દુર્નયત્વનો પ્રસંગ આવતો નથી. એક નય બીજા નયનો પ્રતિક્ષેપ કરે ત્યારે નયાંતરને દૂષિત બનાવવાનું તાત્પર્ય હોય અને નયાંતરના પ્રાધાન્યનું ગ્રાહકત્વ ન હોય તો પ્રતિક્ષેપ કરનાર નયમાં દુર્નયત્વનો પ્રસંગ આવે છે. તર્કની અનુગ્રાહકતાદિનું સ્વરૂપ ન્યાયની પરિભાષાને સમજનારા સારી રીતે સમજી શકે છે. ન્યાયની પરિભાષાના જેઓ સાવ જ અજાણ છે; તેમને ઉપર જણાવેલી વિગત સમજવાનું અઘરું છે. સ્થૂલ દષ્ટિએ ઉપર જણાવેલી વિગત સમજવી હોય તો એ રીતે સમજવી જોઇએ કે બહારથી જોતાં એમ લાગે કે પ્રવૃત્તિ દુષ્ટ છે, પરંતુ તેની પાછળનો ઉદ્દેશ ઉપર જણાવ્યા મુજબ નયાંતરના પ્રાધાન્યના વ્યવસ્થાપનનો હોય. આવા સ્થળે કોઈ જ દોષ નથી. ઉદ્દેશ નિર્દોષ હોય તો પ્રવૃત્તિની દુષ્ટતાનો વિચાર કરવાની આવશ્યકતા નથી. સત્યનો અસ્વીકાર : એ નયાંતરની દુર્નયતાનું બીજ છે. અસત્યાંશને દૂર કરવાથી દુર્નયતાનો પ્રસંગ આવતો નથી. નયરહસ્યમાં ગ્રંથકારશ્રીએ આ વિષયનો નિર્ણય કર્યો છે. વિશેષ જિજ્ઞાસુઓએ તે ગ્રંથનું અધ્યયન કરવું જોઈએ. //ર-૩ના
એક પરિશીલન