Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
બુદ્ધિમત્તાને લઇને છે. બીજા દેવાદિ જીવોની અપેક્ષાએ મનુષ્યોને બુદ્ધિ વિશેષ રીતે પ્રાપ્ત થતી હોય છે. શ્રદ્ધા અને જ્ઞાનને કાર્યરત કરી શકે એવી બુદ્ધિ માત્ર મનુષ્યમાં છે. ગુણને ગુણ તરીકે જાણ્યા પછી અને માન્યા પછી પણ તેને પામવા માટેની બુદ્ધિ મનુષ્યમાં છે, દેવાદિમાં નથી. તેથી મનુષ્યને આશ્રયીને અહીં જે બુદ્ધિનો વિચાર કરાયો છે તે સમજી લેવો જોઇએ. સામાન્ય રીતે મનુષ્યો ઉપર જણાવ્યા મુજબ ત્રણ પ્રકારના છે. ઉત્કૃષ્ટ, મધ્યમ અને અધમ બુદ્ધિના કારણે એવો વિભાગ કર્યો છે. અને બુદ્ધિના એ પ્રકાર ગુણ, ગુણરાગ અને ગુણદ્વેષના કારણે છે. કુળદેવી ૨ સાધુપુ શ્લોકમાંનું આ પદ કાયમ માટે યાદ રાખવું જોઇએ. પૂ. સાધુભગવંતોને છોડીને બીજે ક્યાંય ગુણ નથી - એનો ખ્યાલ જેને છે તે; તે પદનો પરમાર્થ બરાબર સમજી શકશે. સર્વસાવદ્યયોગથી વિરામ પામેલા અને સર્વકર્મથી રહિત બનવા માટે નિરંતર પ્રયત્નશીલ બનેલા પૂ. સાધુભગવંતો જ ગુણસંપન્ન છે. બીજા કોઇને પણ આવી ગુણસંપન્નતા પ્રાપ્ત થઈ નથી... વગેરે સમજીને જેઓ શ્રી વીતરાગપરમાત્માની પરમતારક આજ્ઞાનુસાર સર્વવિરતિધર્મના આરાધક બન્યા છે તેમને ખરેખર જ ઉત્કૃષ્ટબુદ્ધિ પ્રાપ્ત થઈ છે. પોતાની બુદ્ધિનો એ જ એક ઉત્કૃષ્ટ ઉપયોગ છે. ચારિત્રધર્મ પ્રત્યેની શ્રદ્ધા, જ્ઞાન અને પ્રવૃત્તિ આ ત્રણે ય જ્યારે ભેગા થાય છે ત્યારે જ વાસ્તવિક રીતે મોક્ષની સાધનાનો પ્રારંભ થાય છે. આવી સાધનાના સાધકોને ઉત્કૃષ્ટ બુદ્ધિ હોય છે. જેમને આ રીતે જ્ઞાન, દર્શન અને ચારિત્રની એકતાની બુદ્ધિ (આત્મપરિણામ). પ્રાપ્ત થઈ છે તેમને બધું જ પ્રાપ્ત થયું છે. આ સંસારમાં એ સિવાય કોઈ શ્રેષ્ઠ નથી. સાધુપણા સિવાય આ સંસારમાં કોઈ પણ વસ્તુ શ્રેષ્ઠ લાગે તો સાધુપણાની પ્રાપ્તિ કે પાલન શક્ય નહીં બને. આથી સમજી શકાશે કે ગુણો સાધુપણામાં જ છે અને પૂ. સાધુમહાત્મા જ ગુણી-ગુણસંપન્ન છે, એ મહાત્માઓની જ ઉત્કૃષ્ટ બુદ્ધિ છે.
જેમને સર્વવિરતિધર્મસ્વરૂપ ગુણની પ્રત્યે રાગ છે; તે આત્માઓ ગુણરાગી છે. તેમને મધ્યમબુદ્ધિ હોય છે. ચારિત્રધર્મ વિના બીજો ગુણ નથી. વહેલામાં વહેલા એ મળે – એ માટેનો શક્ય પ્રયત્ન ચાલુ હોવા છતાં ભૂતકાળના તથાવિધ કર્મયોગે જેમને એ ગુણની પ્રાપ્તિ થતી નથી; એવા સમ્યગ્દર્શનવંત આત્માઓ ગુણરાગી હોય છે. અને તેમને જ મધ્યમબુદ્ધિ પ્રાપ્ત થઈ હોય છે. ગુણને ગુણરૂપે જાણ્યા પછી અને માન્યા પછી જ્યાં સુધી એ મળે નહિ ત્યાં સુધી ગુણનો રાગ વધતો જ હોય છે. સમ્યગ્દર્શનની આ અવસ્થા મધ્યમ બુદ્ધિમાનોની હોય છે. જ્ઞાન અને શ્રદ્ધાની તીવ્રતા હોવા છતાં અહીં આચરણના પરિણામ ન હોવાથી મધ્યમબુદ્ધિ હોય છે. જ્ઞાન અને શ્રદ્ધાને કાર્યરત બનાવનારી એ ઉત્કૃષ્ટબુદ્ધિ અહીં હોતી નથી. ચારિત્રમોહનીયનો તીવ્ર ઉદય; તેના ક્ષયોપશમને રોકે - એ સમજી શકાય છે.
ઉપર જણાવ્યા મુજબ ગુણસંપન્ન એવા પૂ. સાધુભગવંતોને વિશે જેઓ ગુણશ્લેષી છે; તેઓ અધમબુદ્ધિવાળા છે. ખરી રીતે જોઈએ તો ગુણસંપન્ન આત્માઓને વિશે દ્વેષ થવો ના જોઇએ
એક પરિશીલન