Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
આદરના સંબંધથી જ અન્યત્ર ક્રિયાંતરમાં સમાપત્તિની પ્રયોજકતા હોવાથી ક્રિયાંતરનું પ્રાધાન્ય નથી. (ગૌણત્વ છે) - એ સ્પષ્ટ છે – આ બધું જ પંડિતજનોને સમજાવવું.
ચોવીશમાં અને પચીશમા શ્લોકમાં જણાવેલી વાતનો કોઈ પણ જાતના કદાગ્રહ વિના વિચાર કરવાથી ભાવનાજ્ઞાન; વચન પ્રત્યેનો આદર; સમાપત્તિ; અસંગાનુષ્ઠાન અને પંડિતજનોને આપવા યોગ્ય દેશના વગેરેનો સ્પષ્ટ ખ્યાલ આવ્યા વિના નહિ રહે. છેલ્લા બે શ્લોકમાં સામર્થ્યયોગની નજીકમાં પહોંચવા માટેની પરમતારક ભૂમિકાનું, સંક્ષેપથી પણ ખૂબ જ સ્પષ્ટ નિરૂપણ છે. સમગ્ર પ્રકરણનો સાર ભગવાન શ્રી વીતરાગપરમાત્માના પરમતારક વચનના આદરમાં સમાવિષ્ટ છે. મુમુક્ષુજનોએ એ આદરની પ્રકર્ષ અવસ્થાને પ્રાપ્ત કરવા શ્રી વિતરાગપરમાત્માની આજ્ઞાને આત્મસાત્ કરી લેવી જોઇએ.. આ જણાવવાનું કારણ એ છે કે “કત્રિશાશિવરા’ મા.” (પ્રકાશક: દિવ્યદર્શન ટ્રસ્ટ-ધોળકા) આ પુસ્તકના પે.નં.૫૫ માં અનુવાદકશ્રીએ જે જણાવ્યું છે, તેની વિચિત્રતાનો વાંચકોને ખ્યાલ આવે.
અનુવાદકશ્રીની દૃષ્ટિએ જે સાચું છે તે ક્ષણવાર માની લઈએ કે શાસ્ત્રના નામે દંભ કરનારાને આશ્રયીને સાચું છે. પરંતુ એમાં શાસ્ત્ર કે શાસ્ત્રવિદોનો કયો અપરાધ છે કે અનુવાદકશ્રીને આ રીતે વિકૃત લખવાની આવશ્યકતા ઊભી થાય. અનુવાદકશ્રીએ પોતાનું લખાણ નિષ્પક્ષભાવે શાંતિથી વારંવાર વાંચી લેવું જોઈએ, જેથી તેઓ સમજી શકશે કે પોતે કરેલી ટીકાના ભોગ પોતે જ બન્યા છે. પોતાના અનુયાયીવર્ગને એ બધું વારંવાર વંચાવવાની જરૂર છે. દ્વાત્રિશદ્વત્રિશિકા જેવા આત્મલક્ષી આકર ગ્રંથના અનુવાદ વખતે અનુવાદકશ્રીએ પોતાની જાત છુપાવી નથી – એ આપણું ખરેખર જ સદ્ભાગ્ય છે. અન્યથા આપણને તેઓશ્રીનો પરિચય કરવાની તક મળી નહિ. શાસ્ત્રના નામે પોતાની કદાગ્રહપૂર્ણ માન્યતાઓનું સમર્થન કરવાની વૃત્તિ જેમ ભાવનામય જ્ઞાનનું લક્ષણ નથી તેમ વર્ષોથી જેનું લખી-બોલીને સમર્થન કરતા આવેલા; તેનો માત્ર એક વ્યક્તિ પ્રત્યેનાં દ્વેષ, ઇર્ષ્યા અને માત્સર્ય વગેરેના કારણે ત્યાગ કરવાની પ્રવૃત્તિ પણ ભાવનામય જ્ઞાનનું લક્ષણ નથી. પોતાને ઈષ્ટ એવા અર્થને સિદ્ધ કરવા શાસ્ત્ર જોવાં નથી, શાસ્ત્રકારોને અપ્રામાણિક ગણાવવા છે અને શાસ્ત્રના જાણકારોની મશ્કરી કરવી છેઃ - આ બધી પ્રવૃત્તિ ભાવનામય જ્ઞાન માટે અહિતકારિણી છે. વ્યવહાર-નિશ્ચય; ઉત્સર્ગઅપવાદ અને સાપેક્ષ-નિરપેક્ષ... વગેરે વિકલ્પગર્ભિત વાતો કરી અનુવાદકારે વિચિત્ર રજૂઆત કરી છે. એની પાછળની એમની ભાવના ગમે તે હોય પરંતુ એ પ્રવૃત્તિ ભાવનાશાનથી આત્માને દૂર કરનારી છે. //ર-૨પ
આ રીતે બાલ, મધ્યમ અને પંડિત જીવોને આપવાયોગ્ય દેશનાનું વર્ણન પૂર્ણ થયું. બાલાદિ જીવોને ઉપર જણાવ્યા મુજબ તે તે નયની દેશના કઈ રીતે અપાય? કારણ કે દેશના તો સર્વનયોની - પ્રમાણભૂત આપવી જોઈએ. આવી શંકા કરીને તેનું સમાધાન કરાય છે– એક પરિશીલન