Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
પરમાત્મા હૃદયસ્થ બન્યા પછી આત્માને સમરસાપત્તિ પ્રાપ્ત થાય છે. સમરસાપત્તિનો અર્થ સમતાપત્તિ છે. પરમાત્માની સાથે જીવાત્માની સમાન અવસ્થાને સમતાપત્તિ કહેવાય છે. ધ્યાનના પરમ ફળ તરીકે આ સમરસાપત્તિને વર્ણવી છે. “મોક્ષના બીજભૂત સમ્યગ્દર્શનાદિ સ્વરૂપ યોગના સ્વામીઓની આ સમતાપત્તિ માતા છે.' - આ પ્રમાણે શ્રી ષોડશક પ્રકરણમાં સર્વેદ યોનિમાતા આ ગ્રંથથી જણાવ્યું છે. એ વાત ખૂબ જ સરળતાથી સમજી શકાય એવી છે. કારણ કે શ્રી વીતરાગપરમાત્માએ ઉપદેશેલાં પરમતારક વચનોનું પ્રાધાન્ય ન સમજાય તો આત્માને યોગની પ્રાપ્તિ જ થાય એમ નથી. યોગીજનોનો જન્મ જ ઉપર જણાવ્યા મુજબ વચનમય સમાપત્તિથી થતો હોય છે. આથી સમજી શકાશે કે સમાપત્તિસ્વરૂપ અસંગાનુષ્ઠાન જેનું ફળ છે તે વચનાનુષ્ઠાન આજ્ઞાના આદર દ્વારા જ ઉપપન્ન થાય છે, તેથી આજ્ઞાનો આદર જ શ્રેષ્ઠ છે.
કહેવાનો આશય એ છે કે સદનુષ્ઠાન ચાર પ્રકારનું છે. સામાન્ય રીતે પ્રીતિના કારણે થતું અનુષ્ઠાન પ્રીત્યનુષ્ઠાન છે. પવિત્રતાના કારણે થતું અનુષ્ઠાન ભજ્યનુષ્ઠાન છે. માત્ર શ્રી તીર્થંકરદેવોએ ઉપદેશેલું અનુષ્ઠાન છે માટે જે અનુષ્ઠાન કરાય છે તે વચનાનુષ્ઠાન છે. અને વચનાનુષ્ઠાનના અભ્યાસાતિશયથી સ્વાભાવિક રીતે થતા અનુષ્ઠાનને અસંગાનુષ્ઠાન કહેવાય છે. અસંગાનુષ્ઠાનની પ્રાપ્તિથી આત્મા શ્રી તીર્થંકર પરમાત્માના વચનમય બને છે. મુખ્યપણે સામર્થ્યયોગમાં પ્રાપ્ત થનારું અસંગાનુષ્ઠાન; સમરસાપત્તિ(સમાપત્તિ-સમતાપત્તિ)સ્વરૂપ છે. અને તે વચનાનુષ્ઠાનનું એકમાત્ર ફળ છે. વચનની પવિત્ર આરાધનાનો એ એકમાત્ર ઉદ્દેશ્ય હોય છે. ભગવાનની આજ્ઞા પ્રત્યે બહુમાન ન હોય તો વચનાનુષ્ઠાનની પ્રાપ્તિની જ સંભાવના નથી, તેથી તેના ફળસ્વરૂપે પ્રાપ્ત થનારા સમાપત્તિસ્વરૂપ અસંગાનુષ્ઠાનની સંભાવના પણ રહેતી નથી. આ રીતે શ્રી તીર્થંકર પરમાત્માની પરમતારક આજ્ઞા પ્રત્યેનો આદર શ્રેષ્ઠ છે. મુમુક્ષુઓએ આજ્ઞા પ્રત્યે આદર કેળવી લેવો જોઇએ. આજ્ઞાનું પ્રાધાન્ય નહિ સમજનારા પંડિત નથી; એ યાદ રાખવાનું આવશ્યક છે. - ભગવાન શ્રી જિનેશ્વરદેવોના વચનપૂર્વકના અનુષ્ઠાનથી જેમ અસંગાનુષ્ઠાનની પ્રાપ્તિ થાય છે, તેમ વચનનિરપેક્ષ કે વચનના ઉપયોગથી શૂન્ય એવા અનુષ્ઠાનથી અસંગાનુષ્ઠાનની પ્રાપ્તિ થતી નથી. તેથી વચન પ્રત્યેનો આદર જ શ્રેષ્ઠ છે. “ઉપયોગશૂન્ય કે વચનનિરપેક્ષ એવી ક્રિયા પછી ભગવાનનું અનુધ્યાન થવાથી અસંગાનુષ્ઠાનની પ્રાપ્તિ થઈ શકે છે. તેથી વચનપૂર્વકની જ ક્રિયાથી સમાપત્તિ થાય છે અને તશિરપેક્ષ એવી ક્રિયાંતરોમાં તેની ઉપપત્તિ થતી નથી.” - આ પ્રમાણે કહેવાનું અયુક્ત છે.” આ મુજબ નહીં કહેવું જોઈએ. કારણ કે વચનનિરપેક્ષાદિ ક્રિયાઓ પ્રસંગે ચોક્કસપણે ભગવાનનું અનુધ્યાન થાય જ એવો નિયમ નથી. ક્વચિત્ એવી ક્રિયાઓ પછી જ્યાં પણ અસંગની પ્રાપ્તિ થાય છે, ત્યાં પણ ભગવાનના અનુધ્યાનથી જ થાય છે. તેથી અસંગાનુષ્ઠાનની પ્રાપ્તિમાં પ્રાધાન્ય તો ભગવાનની આજ્ઞાના આદરનું જ રહે છે. એ
દેશના બત્રીશી