Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
મધ્યમબુદ્ધિવાળા જીવો વૃત્ત(આચાર)ને પ્રાધાન્ય આપે છે. તેથી તેમને તે વૃત્ત સમજાવવું. બાહ્યદૃષ્ટિએ પ્રસિદ્ધ એવા આચારો બાલજીવોને સમજાવવાના છે. અને મધ્યમબુદ્ધિવાળા જીવોને આંતરિક દૃષ્ટિએ (લોકમાં અપ્રસિદ્ધ) પ્રસિદ્ધ એવા આચારો સમજાવવાના છે. તે જાણવાથી શ્રોતાને એમ સમજાય છે કે લોકો તો જાણતા જ નથી એવા આચારો આ સાધુભગવંતો પાળે છે. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ સ્વરૂપ અષ્ટ પ્રવચનમાતાનું પાલન કરવા સ્વરૂપ પૂ. સાધુભગવંતોનું સવૃત્ત મધ્યમબુદ્ધિવાળાને જણાવતી વખતે સમિતિ-ગુપ્તિનું વિસ્તારથી વર્ણન કરવું. સાથે સાથે તેનું પાલન કરીને પણ બતાવવું. ત્યાર બાદ બીજા આચાર તરીકે ત્રિકોટીપરિશુદ્ધ ભોજન જણાવવું. રાગથી, દ્વેષથી કે અજ્ઞાનથી ગ્રહણ કરેલું કે વાપરેલું જે ન હોય તે ત્રિકોટીપરિશુદ્ધ ભોજન કહેવાય છે. પોતાના માટે કરેલું, કરાવેલું કે અનુમોદેલું જે ન હોય તે ત્રિકોટિપરિશુદ્ધ ભોજન કહેવાય છે. તેમ જ પોતાના માટે કાપેલું, રાંધેલું કે ખરીદેલું જે ન હોય તેને ત્રિકોટિપરિશુદ્ધ ભોજન કહેવાય છે. આવા ભોજનને જ પૂ. સાધુભગવંતો ગ્રહણ કરતા હોય છે અને વાપરતા હોય છે. જે આવું પરિશુદ્ધ ભોજન ન હોય તેને તેઓ ગ્રહણ કરતા નથી... આ બધું મધ્યમબુદ્ધિવાળા જીવોને સમજાવવું. અન્યદર્શનમાં આ આચારનું દર્શન નહિ થાય. તેની વાત પણ સાંભળવા નહિ મળે. ।।૨-૨૨
મધ્યમબુદ્ધિવાળાને જ સમજાવવાના કેટલાક આચારો જણાવાય છે—
वयःक्रमेणाध्ययनश्रवणध्यानसङ्गतिः ।
सदाशयेनानुगतं पारतन्त्र्यं गुरोरपि ॥ २-२३ ॥
वय इति-क्रमोऽत्र प्रथमे वयस्यध्ययनं द्वितीयेऽर्थश्रवणं तृतीये च ध्यानेन भावनमित्येवंरूपः । सदाशयः संसारक्षयहेतुर्गुरुरयमिति कुशलपरिणामः || २ - २३ ।।
-
“વયના ક્રમે અધ્યયન, શ્રવણ અને ધ્યાન કરવું તેમ જ સદાશયથી યુક્ત ગુરુનું પારતન્ત્ય રાખવું... આ પણ મધ્યમબુદ્ધિવાળા જીવોને સમજાવવું.” – આ પ્રમાણે ત્રેવીશમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે પૂ. સાધુભગવંતોએ પ્રથમ વયમાં સૂત્રનું અધ્યયન કરવું જોઇએ. મધ્યમ વયમાં અર્થનું શ્રવણ કરવું જોઇએ અને છેલ્લી વયમાં ધ્યાનથી આત્માને ભાવિત બનાવવો જોઇએ : આ પૂ. સાધુભગવંતોનો આચાર છે. - આ પ્રમાણે મધ્યમબુદ્ધિવાળાને સમજાવવું. નિરંતર સ્વાધ્યાયમાં લીન રહેનારા પૂ. સાધુભગવંતોની જ્ઞાનસંપાદનની પદ્ધતિ સમજી લેવાની આવશ્યકતા છે. શાસ્ત્રીય રીતે સામાન્યથી બાર વર્ષ સુધી સૂત્ર ભણવાનું છે અને ત્યાર બાદ તેના અર્થનું શ્રવણ ક૨વાનું છે. આ રીતે સૂત્ર અને અર્થ : ઉભયના જ્ઞાતા બન્યા પછી ધ્યાનથી આત્માને ભાવિત બનાવવો જોઇએ. પૂ. સાધુભગવંતોને ઉદ્દેશીને અહીં અધ્યયનાદિનો વિચાર કર્યો હોવાથી સામાન્ય રીતે દીક્ષા ગ્રહણ કરેલા દિવસથી વયની ગણતરી કરવાની છે.
એક પરિશીલન
૭૩