________________ 3.1 સામાન્ય પ્રશ્નો 1. અભ્યાસ પદ્ધતિ: આ ગ્રંથના પહેલા વિભાગમાં આપણે કેટલાક સામાન્ય પ્રશ્નોની રજૂઆત કરી. બીજા વિભાગમાં જગતના પ્રવર્તમાન ધર્મોની તુલનાત્મક રૂપરેખા આપવાનો પ્રયાસ કર્યો. આ બંને વિભાગોની રજૂઆતને પરિણામે તુલનાત્મક અધ્યયનના ઉપયોગમાં લેવાતી પદ્ધતિઓ તેમ જ તે માટે અપનાવાતું અભ્યાસનું વલણ અને જે વિવિધ દૃષ્ટિબિંદુઓથી ધર્મ તરફ જોઈ શકાય છે તેને ખ્યાલ પહેલા વિભાગના પ્રશ્નોમાંથી આપણે મેળવ્યું. પ્રત્યેક ધર્મની વિશિષ્ટતા અંગે, તેમ જ દરેક ધર્મમાં પ્રબોધાયેલ જુદા જુદા વિચારોને ખ્યાલ આપણે બીજા વિભાગમાંથી મેળવ્યું. આમ ધર્મના સામાન્ય સ્વરૂપનું, તે અંગેના વિવિધ પ્રશ્નોનું, તેમ જ ધર્મમાં સમાવિષ્ટ વિવિધ ઉપદેશનું ભાથું આપણે તૈયાર કર્યું. હવે ગ્રંથના આ ત્રીજા વિભાગમાં સૌ પ્રથમ તે આપણે કેટલાક સામાન્ય પ્રશ્નોની રજૂઆત કરીશું. તે પછી કોઈપણ બે કે તેથી વધારે ધર્મોની સમગ્રતયા તુલના કરીશું. ત્યાર પછી ધર્મઉપદેશને કઈ એક વિષય લઈને તે વિષય ઉપર વિવિધ ધર્મોનાં મંતવ્યો તપાસીશું, અને છેવટે ધર્મના ભાવિ તરફ નિર્દેશ કરે એવા કેટલાક પ્રશ્નોની વિચારણું હાથ ધરીશું.