________________
તત્કાર્યાદિગમસૂત્ર ભાગ-૨/ અધ્યાય-૨/ સૂચ-૩ ભાવાર્થ
સૂત્રમાં સર્વ જીવોને તૈજસશરીર અને કાર્યણશરીર હોય છે, આ પ્રકારે ગ્રંથકારશ્રીએ પોતાનો અભિપ્રાય બતાવ્યો. હવે ભાષ્યમાં પ્રસ્તુત સૂત્રમાં અમુક આચાર્યો નયવાદની અપેક્ષાએ તૈજસશરીર વિષયક શું કહે છે ? તે બતાવે છે. તેઓના મતે એકમાત્ર કાર્યણશરીર જ જીવ સાથે અનાદિસંબંધવાળું છે, તૈજસશરીર આદિ અન્ય કોઈ શરીર સાથે જીવને અનાદિસંબંધ નથી.
પાંચ શરીર અંતર્ગત તૈજસશરીર બધા જીવોને હોવા છતાં વિશેષ પ્રકારના કાર્યને કરે, તેવા તૈજસને જ તૈજસશરીરરૂપે સ્વીકારનાર નયની અપેક્ષાએ અમુક આચાર્ય તૈજસશરીર સર્વ જીવોને સ્વીકારતા નથી. ઉત્પત્તિસ્થાનને વિષે ઉત્પન્ન થયા પછી જીવ દ્વારા ગ્રહણ કરાયેલા આહારનું પચન કરવામાં કારણભૂત એવા તૈજસને ગ્રંથકારશ્રી તૈજસશરીરરૂપે ગ્રહણ કરે છે, જ્યારે અન્ય આચાર્ય વિશિષ્ટ પ્રકારનું તૈજસ, કે જે તેજસલબ્ધિવાળાને હોય છે, તેઓને જ તૈજસશરીર છે, તેમ કહે છે.
તૈજસશરીરની પ્રાપ્તિના કારણભૂત તૈજસલબ્ધિ બધા જીવોને હોતી નથી, પરંતુ કેટલાક જીવોને જ હોય છે.
કયા જીવોને તૈજસલબ્ધિ હોય છે ? તે સ્પષ્ટ કરવાર્થે અન્ય આચાર્ય કહે છે – કોઈ જીવ પ્રત્યે કોઈને કોપ થયો હોય, ત્યારે તેને શાપ આપવા માટે તૈજસ પુદ્ગલોનો જે નિસર્ગ છે તે તૈજસલબ્ધિ છે. જેમ ગોશાળા ઉપર વૈશિકાયનતાપસે તેજોલેશ્યા મૂકી તે તાપસ પાસે તૈજસલબ્ધિ હતી. વળી કોઈના પ્રસાદના નિમિત્તે અનુગ્રહ કરવા અર્થે જે શીતરશ્મિનો નિસર્ગ કરાય છે તે પણ તૈજસલબ્ધિનો જ એક પ્રકાર છે. જેમ તેજોલેશ્યાથી બળતા ગોશાળાને ભગવાને શીતલેશ્યાનો નિસર્ગ કરીને તેનું રક્ષણ કર્યું તે તૈજસલબ્ધિ છે.
વળી દેદીપ્યમાન પ્રભાનો સમુદાય તેની છાયાનું નિષ્પાદક એવું તૈજસશરીર ઔદારિક આદિ શરીરમાં છે. તેથી એ પ્રાપ્ત થાય છે કે જે લોકોના શરીરમાં દેદીપ્યમાન એવી પ્રભાનો સમુદાય છે તે તૈજસશરીર છે. અને તેની છાયા જે બહાર પડે છે તે તૈજસશરીરનું કાર્ય છે.
ઔદારિક આદિ શરીરમાં તેવું તૈજસશરીર કેટલાક જીવોને જ હોય છે, બધાને હોતું નથી તેમાં દૃષ્ટાંત બતાવે છે –
જેમ મણિમાં દેદીપ્યમાન પ્રભાના સમુદાયની છાયા બહાર નીકળતી દેખાય છે અથવા જ્યોતિષ્ક વિમાનમાં દેદીપ્યમાન પ્રભાની છાયા બહાર નીકળતી દેખાય છે તે સર્વ તૈજસશરીરનાં કાર્યો છે.
આનાથી એ ફલિત થાય કે તેજોલેશ્યા અને શીતલેશ્યાનું કારણ તૈજસશરીર છે અને જેઓના શરીરમાં દેદીપ્યમાન પ્રભાનો સમુદાય છે તે તૈજસશરીર છે. આવી લબ્ધિ સર્વજીવોને નથી માટે અન્ય આચાર્યો નયવાદની અપેક્ષાએ સર્વજીવોને તૈજસશરીર સ્વીકારતા નથી તોપણ જન્માંતરમાં જનાર જીવને આહાર પાચનને અનુકૂળ એવું તૈજસશરીર તો સર્વને સંમત છે. I૪૩