________________
૨૦૮
તવાર્થાધિગમસૂત્ર ભાગ-૨ / અધ્યાય-૪| સૂત્ર-૨૧ અવધિ દર્શન છે. તેઓને પણ ઉપર ઉપરમાં=સૌધર્મ કરતાં ઈશાન આદિરૂપ ઉપર ઉપરમાં, વિશુદ્ધિથી અધિક હોય છે.
તિ' શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે. ૪/૨૧ ભાવાર્થ :
સૌધર્માદિ દેવોમાં સ્થિતિ આદિ સાતને લઈને અથવા સ્થિતિ આદિ આઠને લઈને ઉપર ઉપરના દેવો અધિક હોય છે.
કઈ રીતે અધિક અધિક છે ? તે ભાષ્યકારશ્રી ભાવન કહે છે – વળી સ્થિતિ ઉત્કૃષ્ટ અને જઘન્ય આગળમાં ગ્રંથકારશ્રી કહેવાના છે. તેનાથી કોને કેટલી અધિકની પ્રાપ્તિ છે? તેનો બોધ થાય તેમ છે, છતાં અહીં તેનું કહેવાનું પ્રયોજન શું છે? તે ભાષ્યકારશ્રી સ્પષ્ટ કરે છે –
પ્રથમ આદિ દેવલોકમાં જેઓની સમાન સ્થિતિ છે તેઓને પણ ઉપર-ઉપરમાં ગુણથી અધિક સ્થિતિ છે, તે પ્રસ્તુત સૂત્રાર્થથી બતાવાયું છે.
આશય એ છે કે સૌધર્મ દેવલોકની ઉત્કૃષ્ટ સ્થિતિ બે સાગરોપમની છે અને ઈશાનની બે સાગરોપમથી કાંઈક અધિક છે. સૌધર્મની જઘન્ય સ્થિતિ પલ્યોપમની છે અને ઈશાનની પલ્યોપમથી કાંઈક અધિક છે. તે પ્રમાણે કોઈ સૌધર્મદેવને અને ઈશાનદેવને સમાન બે, ચાર પલ્યોપમાદિની સ્થિતિ હોય તોપણ સૌધર્મના દેવ કરતાં ઈશાનના દેવની તે સ્થિતિ ગુણથી અધિક હોય છે અર્થાત્ સમાન આયુષ્યની સ્થિતિમાં પણ સુખરૂપ ગુણથી સૌધર્મ કરતાં ઈશાનદેવો અધિક હોય છે; કેમ કે તેઓ સૌધર્મદેવ કરતાં પ્રકૃષ્ટ પુણ્યવાળા છે.
વળી સૌધર્માદિ દેવો પણ પૂર્વ પૂર્વ કરતાં ઉત્તર ઉત્તરના પ્રભાવથી અધિક હોય છે. કઈ રીતે પ્રભાવથી અધિક છે ? તે ભાષ્યકારશ્રી સ્પષ્ટ કરતાં કહે છે –
બીજાનો નિગ્રહ કરવો કે બીજા ઉપર અનુગ્રહ કરવો એ પ્રકારનો પ્રભાવ, વિક્રિયા કરવાનો પ્રભાવ= વૈક્રિયશરીરના નાના મોટા આદિ શરીર કરવાની શક્તિ, અને પરને અભિયોગ કરવાની શક્તિ બીજા પાસેથી બળાત્કારે કામ લેવાની શક્તિ, આ વિષયમાં જે સૌધર્મ દેવોનો પ્રભાવ છે તેના કરતાં ઉપર ઉપરના દેવોમાં અનંતગુણ અધિક પ્રભાવ છે.
વળી નીચેના દેવલોક કરતાં ઉપર ઉપરના દેવલોકમાં અભિમાનનો પરિણામ અત્યંત મંદ હોય છે. તેથી બીજાનો નિગ્રહ કરવો, બીજાને અનુગ્રહ કરીને પોતાનો પ્રભાવ બતાવવો ઇત્યાદિમાં તેઓ પ્રવર્તતા નથી; કેમ કે અલ્પતર સંક્લેશપણું છે. તેથી એ પ્રાપ્ત થાય કે જેમ જેમ અભિમાનનો અંશ વધારે તેમ સંક્લેશ વધારે અને તેના કારણે પોતાનો પ્રભાવ દેખાડવાનો પ્રયાસ અધિક અધિક થાય છે. ઉપર ઉપરના દેવલોકમાં પ્રભાવ અધિક હોવા છતાં પ્રભાવ દેખાડવાનો પ્રયાસ પ્રાયઃ થતો નથી.