________________
૨૧૨
તત્વાર્થાવગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૪| સૂત્ર-૨૨ નીચેના ત્રણ ગ્રેવેયકમાં એકસો અગિયાર વિમાનો છે. મધ્ય ત્રણ રૈવેયકમાં એકસો સાત વિમાનો છે. ઉપરના ત્રણ રૈવેયકમાં સો વિમાનો છે. અનુત્તરમાં પાંચ જ વિમાન છે.
આ રીતે=પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, ઊર્ધ્વલોકમાં સર્વ વિમાનોની સંખ્યા ૮૪,૯૭,૦૨૩ થાય. સ્થાનમાં, પરિવારમાં, શક્તિના વિષયમાં, સંપત્તિમાં, અને સ્થિતિમાં અલ્પ અભિમાનવાળા પરમ સુખને ભોગવનારા ઉપર ઉપરના દેવો છે.
ત્તિ' શબ્દ ભાષ્યની સમાપ્તિ અર્થે છે. ભાવાર્થ :
ગતિના વિષયથી ઉપર ઉપરના દેવો પરિહીન છે તેમ કહ્યા પછી ભાષ્યકારશ્રીએ કહ્યું કે બે સાગરોપમ જઘન્ય આયુષ્યવાળા એવા સનકુમારદેવોની સાતમી નરક સુધી ગતિ કરવાની શક્તિ છે. તેનાથી ઓછી જઘન્ય સ્થિતિવાળા દેવો બીજા દેવલોકમાં છે, તેઓ છઠ્ઠી નરક સુધી જવા સમર્થ છે. તેનાથી ઓછી જઘન્ય સ્થિતિવાળા દેવો પહેલા દેવલોકમાં છે, તેઓ પાંચમી નરક સુધી જવાના સામર્થ્યવાળા છે. તેનાથી ઓછી જઘન્ય સ્થિતિવાળા દેવો જ્યોતિષ્ક છે, તેઓ ચોથી નરક સુધી જવાની શક્તિવાળા છે. તેનાથી ઓછી સ્થિતિવાળા ભવનપતિ-વ્યંતર છે, તેઓ ત્રીજી નરક સુધી જવાની શક્તિવાળા છે. આથી જ પરમાધામી પણ ત્રીજી નરક સુધી જવાની શક્તિવાળા હોવાથી ત્રણ નરકમાં જઈને ઉપદ્રવ કરે છે.
વળી કોઈ દેવો ભૂતકાળમાં નરકમાં ગયા હોય તો ત્રીજી સુધી ગયા છે અને ભવિષ્યમાં પણ ત્રીજી નરક સુધી જ જવાના, પરંતુ ઉપરના દેવોમાં ત્રીજી નરકથી આગળની ચોથી આદિ નરકમાં જવાની શક્તિ હોવા છતાં ભૂતકાળમાં ક્યારેય ત્રીજી નરકથી નીચે ગયા નથી અને ક્યારેય જવાના નથી.
તેથી એ ફલિત થાય કે ગતિના વિષયમાં ઉપર ઉપરના દેવતાઓ હીન છે તે કથન ગમનશક્તિને આશ્રયીને નથી. ગમનશક્તિને આશ્રયીને બીજા દેવલોકથી ઉપરના સર્વ દેવો સાતમી નારક સુધી જવાની શક્તિવાળા છે, જ્યારે નીચે નીચેના દેવતાઓ અલ્પ અલ્પ નરક સુધી જવાની શક્તિવાળા છે..
એથી પ્રશ્ન થાય કે ગતિને આશ્રયીને ઉપર ઉપરના દેવતાઓ હીન છે તે કેવી રીતે છે ? તેનું તાત્પર્ય સ્પષ્ટ કરતાં ભાષ્યકારશ્રી કહે છે –
ઉપર ઉપરના દેવો મહાન અનુભાવવાળી ક્રિયાવાળા હોવાને કારણે અને ઔદાસીન્ય હોવાના કારણે ગતિ કરવામાં રતિવાળા નથી.
તેથી એ પ્રાપ્ત થાય કે ઉપર ઉપરના દેવલોકમાં પ્રકૃતિ શાંત હોય છે અને જેમાં ક્લેશ ઓછો હોય તેવી ક્રિયા કરનારા હોય છે. તેઓ પોતાની શક્તિ અનુસાર ગમન કરીને પોતાની શક્તિનું માપદંડ કાઢવા કે શક્તિનું પ્રદર્શન કરવા ગતિની પ્રવૃત્તિ કરતા નથી. જે જે ઉપર ઉપરના દેવો છે તે તે ઓછી પ્રવૃત્તિ કરીને સ્વસ્થતાના આનંદને લેનારા છે તે અપેક્ષાએ ઉપર ઉપરના દેવોની ગતિ વિષયથી હીન છે.
વળી શરીરના મહત્ત્વથી શરીરના મહાનપણાથી, ઉપર ઉપરના દેવો હીન છે, તેને સ્પષ્ટ કરતાં ભાષ્યકારશ્રી કહે છે –