________________
લા
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨) અધ્યાય-૨| સૂગ-પર
કેમ કૃતનાશદોષની પ્રાપ્તિ છે ? તેથી કહે છે – જે કારણથી વેદન થતું નથી.
આશય એ છે કે તે જીવને આયુષ્ય જે પ્રકારે બાંધ્યું છે તે પ્રકારે વેદન થતું નથી; કેમ કે આયુષ્યનું અપવર્તન સ્વીકારવાથી આયુષ્યના બંધ અનુસાર ફળની પ્રાપ્તિ થતી નથી. માટે આયુષ્યનું અપવર્તન સ્વીકારવાથી કૃતનાશ નામના દોષની પ્રાપ્તિ થાય છે. આ કૃતનાશદોષના નિવારણ માટે કોઈક કહે છે –
આયુષ્યકર્મ નાશ થયું નથી અને તે જીવ મરે છે, તેથી બંધાયેલા આયુષ્યનો નાશ પ્રાપ્ત થતો નથી. વસ્તુતઃ તેમ સ્વીકારવાથી અકૃતઅભ્યાગમ નામનો દોષ પ્રાપ્ત થાય છે; કેમ કે આયુષ્ય વિદ્યમાન હોવા છતાં તે મરે છે, તેથી જે પ્રમાણે આયુષ્યકર્મ બાંધ્યું છે તે પ્રમાણે મૃત્યુની પ્રાપ્તિરૂપ ફળ ન થાય અને પહેલાં મૃત્યુ પ્રાપ્ત થાય તો નહીં કરાયેલા કર્મના ફળની પ્રાપ્તિ હોવાથી અકૃતઅભ્યાગમનો દોષ થાય છે. વળી જે ત્રીજો દોષ પ્રાપ્ત થાય છે, તે બતાવે છે –
જો આયુષ્ય વિદ્યમાન હોય અને તે મરે છે તેમ સ્વીકારીએ તો આયુષ્યકર્મનું અફલપણું પ્રાપ્ત થાય; કેમ કે આયુષ્યનું ફલ જીવનની પ્રાપ્તિ છે જે મૃત્યુના અભાવસ્વરૂપ છે. આયુષ્ય વિદ્યમાન હોવા છતાં તે મરે છે તેમ સ્વીકારવામાં આયુષ્યને નિષ્ફલ સ્વીકારવાનો પ્રસંગ આવે.
આનાથી એ પ્રાપ્ત થાય કે (૧) અપવર્તનનો અર્થ આયુષ્યકર્મ શીધ્ર ભોગવાય છે એમ કરવામાં આવે તો કૃતનાશદોષ આવે અને (૨) અપવર્તનનો અર્થ આયુષ્ય શીધ્ર ભોગવાતું નથી પરંતુ આયુષ્ય વિદ્યમાન હોવા છતાં જીવ મરે છે તેમ કરવામાં આવે તો અકૃતઅભ્યાગમદોષ અને વિદ્યમાન આયુષ્યકર્મનું અફલાણું એમ બે દોષ પ્રાપ્ત થાય. કૃતનાશ, અકૃતઅભ્યાગમ અને આયુષ્યકર્મનું વિફલપણું અનિષ્ટ છે. વળી અન્ય જે દોષોની પ્રાપ્તિ થાય છે તે બતાવે છે –
જો આયુષ્યકર્મનો નાશ થતો નથી અને મરે છે તેમ સ્વીકારીએ તો તે આયુષ્યકર્મ અન્ય ભવમાં સાથે આવે છે તેમ માનવું પડે. એક ભવની સ્થિતિવાળું આયુષ્યકર્મ જાત્યંતરનું અનુબંધી નથી તેથી તે આયુષ્યકર્મ બીજા ભવના આયુષ્યકર્મ સાથે રહી શકે નહીં. જો કે વર્તમાન ભવમાં કોઈ બીજા ભવનું આયુષ્ય બાંધે છે ત્યારે પૂર્વમાં બંધાયેલું આયુષ્ય ભોગવાય છે અને નવા ભવનું આયુષ્યકર્મ સત્તામાં રહે છે, તે રીતે એક જીવમાં બે ભવના આયુષ્યની સત્તા સાથે પ્રાપ્ત થાય છે, પરંતુ એક ભવમાં ઉદયમાં આવે તેવી સ્થિતિવાળું આયુષ્યકર્મ તે ભવને છોડીને અન્ય ભવમાં જતું નથી, પણ તે ભવમાં અન્ય ભવનું બંધાયેલું કર્મ અન્ય ભવમાં સાથે જાય છે. આયુષ્યકર્મ હોતે છતે તે જીવ મરે છે તેમ સ્વીકારવામાં આવે તો એક ભવમાં વેદન કરવા યોગ્ય એવું આયુષ્યકર્મ અન્ય ભવમાં સાથે જાય છે, તેમ માનવાનો પ્રસંગ પ્રાપ્ત થાય. આ સર્વ દોષોને કારણે આયુષ્યનું અપવર્તન નથી એ પ્રકારે શંકાકાર કહે છે.