________________
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૩ / સૂગ-૫
૧૨૫ કેમ તેઓને તેમાં અત્યંત પ્રીતિ થાય છે ? તેથી કહે છે –
પરમાધામી દેવો દુષ્ટ કાંદપિંક ક્રીડાની પ્રવૃત્તિવાળા હોય છે તેથી નારકીઓને તે પ્રકારની પીડાવાળા જોઈને અટ્ટહાસ્ય મૂકે છે અને વસ્ત્રો ઉછાળવા આદિ અનેક પ્રકારે હર્ષની અભિવ્યક્તિની ચેષ્ટા કરે છે અને મોટા સિંહનાદો કરે છે. આ પ્રકારે પરમાધામી દેવોની પ્રકૃતિ હોવાથી તેઓ નારકીના જીવોને વેદના કરે છે.
અહીં પ્રશ્ન થાય કે તેઓને આ પ્રકારની પાપ કરવાની વૃત્તિ કેમ પ્રગટ થઈ ? એથી ભાષ્યકારશ્રી કહે છે
| દેવભવમાં તેઓને ઘણી ભોગની સામગ્રી હોવા છતાં પૂર્વભવમાં માયાશલ્યને, નિદાનશલ્યને અને મિથ્યાત્વશલ્યને સેવન કરેલ છે, તેથી તીવ્ર કષાયથી ઉપહત બુદ્ધિવાળા છે તેનું આ ફળ છે, જેથી તેઓને નારકીઓને પીડા કરીને આનંદ થાય છે. કેટલાક જીવોએ પૂર્વભવમાં ધર્મ કરતી વખતે જે દોષોનું સેવન કર્યું હોય તેની આલોચના ન કરવાના કારણે તેવા પ્રકારના ભાવદોષોની પ્રાપ્તિ થાય જેથી પરમાધામી થઈને નારકીઓને પીડા આપીને તેઓને આનંદની પ્રાપ્તિ થાય છે. વળી કેટલાક અનિવર્તનીય એવા અકુશલઅનુબંધી પુણ્યકર્મવાળા બાળતપસ્વીઓને તે પ્રકારના ભાવદોષની પ્રાપ્તિ થવાથી પરમાધામી બને છે તેના કારણે નારકીઓને પીડા આપીને તેઓને આનંદ આવે છે. આથી જ પ્રીતિના હેતુ એવા અન્ય ભાવો વિદ્યમાન હોવા છતાં તે પરમાધામી દેવોને અશુભભાવો જ પ્રીતિના હેતુ થાય છે.
આ રીતે પરમાધામી દેવો ત્રણ નરકમાં કેમ દુઃખોની ઉદીરણા કરે છે તેની સ્પષ્ટતા કરી. નરકના જીવો પરસ્પર ઉદીરિત દુઃખવાળા, ક્ષેત્ર સ્વભાવ જનિત અશુભ પુદ્ગલના પરિણામથી ઉદીરિત દુઃખવાળા અને પરમાધામીથી ઉદારિત દુઃખવાળા છે. તેથી તેઓ અપ્રીતિને કરનાર નિરંતર સુતીવ્ર દુઃખને અનુભવે છે ફલતઃ સતત મરણની ઇચ્છા કરે છે. આમ છતાં તેઓને આયુષ્યની પૂર્ણાહુતિ પૂર્વે મૃત્યુ પ્રાપ્ત થતું નથી; કેમ કે તેઓને કર્મથી નિર્ધારિત આયુષ્યનો અવશ્ય ભોગ કરવો પડે છે. કેમ તેમને મૃત્યુની પ્રાપ્તિ થઈ શકતી નથી ? તેમાં સાક્ષી આપતાં કહે છે –
અધ્યાય-૨, સૂત્ર-પ૩માં કહેવાયું છે કે ઔપપાતિક દેહવાળા વગેરે જીવોનું અનપવર્ય આયુષ્ય છે. નારકી ઔપપાતિક દેહવાળા છે, તેથી તેઓના આયુષ્યનું અપવર્તન થઈ શકે તેમ નથી. માટે મૃત્યુની ઇચ્છા હોવા છતાં તેઓનું મૃત્યુ થતું નથી.
જેમ નારકીના જીવોને મૃત્યુ ઇચ્છવા છતાં મૃત્યુની પ્રાપ્તિ થતી નથી તેમ તેઓના દુઃખને દૂર કરવા માટે કોઈ શરણ પણ નથી. મનુષ્યપણામાં કોઈને દુઃખની પ્રાપ્તિ હોય તે વખતે તે દુઃખને દૂર કરવામાં અન્ય લોકો સહાયક થઈ શકે છે તેટલા અંશથી મનુષ્યગતિમાં શરણની પ્રાપ્તિ છે. વળી, પશુને પણ કોઈ મારતું હોય તો તેનું રક્ષણ કરનાર અહીં કોઈક હોઈ શકે છે, તેટલા અંશમાં તિર્યંચગતિમાં પણ શરણની પ્રાપ્તિ છે. આથી જ પોતાના બચ્ચાના રક્ષણ માટે તેની મા તેને શરણરૂપ બને છે, પરંતુ નરકમાં તેવા કોઈ પ્રકારના શરણની પ્રાપ્તિ નથી.