________________
૧૨૦
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૪ તોપણ તેની ક્ષુધા શાંત થાય તેવી નથી તેવી ઉત્કટ ક્ષુધા નારકીના જીવોને સતત વર્તે છે. તેથી ક્ષુધાથી તેઓ સદા દુઃખી છે.
આ જ રીતે તેઓને પિપાસા પણ ઉત્કટ હોય છે તેથી સતત તેઓનો કંઠ સુકાય છે, હોઠ સુકાય છે, તાલુ સુકાય છે, જિહ્વા સુકાય છે. તે તૃષા પણ તે પ્રકારની ઉત્કટ છે કે સર્વ સમુદ્રના પાણીને કોઈ નારકીનો જીવ પી જાય તોપણ તે તૃષા શાંત થાય નહીં તેવી ઉત્કટ છે. આનાથી એ પ્રાપ્ત થાય કે નારકીના ક્ષેત્રને કારણે તેના શરીરના પુદ્ગલો તેવા પ્રકારના છે જેથી તે પ્રકારની ઉત્કટ ક્ષુધા-તૃષા ના૨કીના જીવોને સતત વર્તે છે જેને સમાવવાની કોઈ સામગ્રી પ્રાપ્ત ન થવાથી તેઓ ક્ષુધા-તૃષાનાં દુઃખોથી સતત પીડાય છે.
હવે ભાષ્યકારશ્રી પ્રથમ ક્ષેત્રસ્વભાવ જનિત પુદ્ગલના પરિણામથી થનારાં દુઃખોનું વર્ણન કર્યા પછી પરસ્પર ઉદીરિત દુઃખોનું વર્ણન કરે છે
નારકીના જીવોને ભવપ્રત્યય જ અવધિજ્ઞાન હોય છે. નારકીઓનું અવધિજ્ઞાન દેવોની જેમ શુભભવહેતુક નથી પરંતુ અશુભભવહેતુક છે, તેમાં મિથ્યાદર્શનનો યોગ હોવાથી તે વિભંગજ્ઞાનરૂપ થાય છે. વળી નારકીના જીવોમાં મિથ્યાત્વદોષરૂપ ભાવદોષથી પ્રાપ્ત ઉપઘાતને કારણે તેઓને પ્રાપ્ત થયેલું વિભંગજ્ઞાન પણ દુઃખનું કારણ જ થાય છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે ઘણા જીવોને ભવપ્રત્યય અવધિજ્ઞાન હોય છે તોપણ તે શુભભવ હેતુક હોય છે તેથી કેટલાક જીવોને મિથ્યાદર્શનનો યોગ હોય તો વિભંગજ્ઞાન બને, છતાં તેઓનું અવધિજ્ઞાન કે વિભંગજ્ઞાન દુઃખનું જ કારણ બને તેવો નિયમ નથી. આથી કેટલાક દેવો અવધિજ્ઞાનના બળથી ઘણા પ્રકારના સુખનું વેદન કરે છે અને કેટલાક દેવોને મિથ્યાદર્શનના યોગને કારણે વિભંગજ્ઞાન હોય તોપણ ઉચિત સામગ્રી પામીને તે વિભંગજ્ઞાનના બળથી સમ્યક્ત્વ પામે છે; જ્યારે નારકીના જીવોને મિથ્યાત્વને કા૨ણે જે વિભંગજ્ઞાન છે તે પણ દુ:ખનું જ કારણ બને છે અને ક્વચિત્ કોઈ સમ્યક્ત્વને પામેલા હોય તોપણ પ્રાયઃ કરીને તેનાથી ના૨કીના ભવને કારણે અશુભલેશ્યા હોવાથી તેઓનું અવધિજ્ઞાન પણ પ્રાયઃ દુઃખનું કારણ બને છે. જેથી તે વિભંગજ્ઞાનના કે અવધિજ્ઞાનના બળથી ચારે બાજુથી આવતાં દુઃખોને સતત જોઈને દુઃખી જ થાય છે. જેમ સંસારી જીવોને પણ વર્તમાનમાં કોઈ દુ:ખ ન હોય પરંતુ નજીકમાં કોઈ દુ:ખની પ્રાપ્તિ થવાના સંયોગ દેખાતા હોય તો તે દુ:ખની પ્રાપ્તિના નામથી પણ તેઓ દુઃખી થાય છે તેમ નારકીના જીવોને વિભંગજ્ઞાનના કે અવધિજ્ઞાનના બળથી પ્રાપ્ત થનારાં દુઃખો જોઈને વિશેષ દુ:ખ થાય છે.
વળી જે પ્રમાણે કાગડા અને ઘુવડને પરસ્પર બદ્ધવૈર હોય છે અથવા સાપ અને નોળિયાને પરસ્પર બદ્ધવૈર હોય છે તે પ્રમાણે નારકીના જીવોને પરસ્પર બદ્ધવૈરભાવ હોય છે. તેથી તે નારકીના જીવો પોતે અનેક પ્રકારના દુઃખથી પીડાતા હોવા છતાં બીજા નારકીઓને વિભંગજ્ઞાનથી જોઈને તેઓના પ્રત્યે અત્યંત ક્રોધિત થાય છે અને નિર્દય થઈને અત્યંત પ્રહાર કરે છે. વળી તે નારકીના જીવો અવધિનો વિષય હોવાથી દૂરથી જ અન્યોન્યને જોઈને ક્રોધવાળા થાય છે અને તીવ્ર દ્વેષવાળા થાય છે. તેથી તેઓનું અવધિજ્ઞાન દુરંત એવા સંસારનો હેતુ છે.