________________
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨/ આધ્યાય-૨| સૂત્ર-પર ગોઠવાયેલા છે તે રીતે જ ઉદયમાં આવે તો તે આયુષ્યકર્મનું ચિરકાળ સુધી વેદના થાય છે. તેથી તે આયુષ્યના ચિરકાળ વેદન અનુસાર તે જીવ ચિરકાળ સુધી જીવવા સ્વરૂપ આયુષ્યના ફળને અનુભવે છે.
જેમ ધોવાયેલું ભીનું વસ્ત્ર જ વિસ્તૃત કરવામાં આવે અને સૂર્યનાં કિરણો અને વાયુથી હલ્યા કરે તો જલદી સુકાય છે તેમ જે જીવોએ અપવર્તનીય આયુષ્યકર્મ બાંધ્યું છે તે જીવોને જ્યારે ઉપક્રમની સામગ્રી પ્રાપ્ત થાય છે ત્યારે તે ઉપક્રમની સામગ્રીના કારણે દેહનો નાશ થાય છે, જેના કારણે દેહમાં તે જીવી શકે તેવી સ્થિતિ નહીં રહેવાથી મારણાંતિક સમુદ્ધાત દ્વારા તે જીવ આયુષ્યકર્મ ઉપરના સ્થાનમાં રહેલા દલિકોનો ઉદય આવલિકામાં પ્રક્ષેપ કરે છે. તેથી શીઘ્ર સુકાયેલા વસ્ત્રની જેમ તેનું આયુષ્યકર્મ પણ શીધ્ર ઉદયમાં આવે છે જેથી તે જીવ શીર્ઘ આયુષ્યનો ભોગ કરે છે.
વળી આ કથનને સ્પષ્ટ કરવા અર્થે ભાષ્યકારશ્રી કહે છે –
ધોયેલું વસ્ત્ર સંહતવાળેલું, હોય છે ત્યારે તેમાં નવા જળનું આગમન નથી તેથી તે વિદ્યમાન જળ ક્રમસર સુકાય છે માટે તે વસ્ત્ર દીર્ઘકાળ સુકાય છે તેમ જે જીવ ઉપક્રમ વગર જીવે છે તે જીવ દીર્ઘકાળ જીવે છે તેમાં નવા આયુષ્યના દળિયાનો પ્રક્ષેપ નથી અર્થાત્ જેમ વસ્ત્રમાં નવા જળનો પ્રક્ષેપ નથી તેમ તેના આયુષ્યકર્મમાં નવા આયુષ્યકર્મનો પ્રક્ષેપ નથી પરંતુ સંહત થયેલું વસ્ત્ર જેમ ક્રમસર સુકાય છે તેમ ઉપક્રમને નહીં પામેલું તે આયુષ્ય ક્રમસર ઉદયમાં આવે છે. તેથી જેમ તે વસ્ત્ર ચિરકાળથી સુકાય છે તેમ તે જીવનું આયુષ્ય ચિરકાળ સુધી ભોગવાય છે.
વળી ભીનું વસ્ત્ર વિસ્તૃત કરાયેલું શીધ્ર પણ સંપૂર્ણ સુકાય જ છે, પરંતુ સુકાયા વગરનું રહેતું નથી તેમ ઉપક્રમને પામેલું આયુષ્ય પણ શીધ્ર ઉદયમાં આવીને ઉપભોગને પામે જ છે, પરંતુ ઉપભોગમાં નથી આવતું, તેમ નથી. તેથી જેમ સુકાવાયેલું વસ્ત્ર સૂર્યનાં કિરણો અને વાયુથી શીધ્ર સુકાય છે તેમ વિષાદિ નિમિત્તથી અપવર્તન પામેલાં કર્મો પણ શીધ્ર ઉદયમાં આવીને તે આયુષ્યનો ભોગવટો થાય છે તેથી કૃતનાશ, અકૃતઆગમ કે અફલ દોષની પ્રાપ્તિ નથી.
આશય એ છે કે જે જીવોએ જે આયુષ્ય બાંધ્યું છે તે આયુષ્ય ઉપક્રમને કારણે શીધ્ર ભોગવાય છે પરંતુ, તે કરાયેલું આયુષ્ય ફળ આપ્યા વગર જતું નથી તેથી કૃત એવા આયુષ્યકર્મનો નાશ નથી પરંતુ તેના ફલનો અનુભવ તે જીવ કરે છે. વળી અકૃતઅભ્યાગમ પણ નથી; કેમ કે જે આયુષ્યકર્મ તેણે બાંધ્યું છે તે સર્વ આયુષ્યકર્મના દળિયા જ શીધ્ર ઉદયમાં આવીને ફળ આપે છે તેથી કરાયેલા એવા આયુષ્યકર્મનો ઉપભોગ છે, નહીં કરાયેલાનું આગમન નથી. વળી આયુષ્યકર્મનું ફલ જે જીવનસ્થિતિ છે તે પણ તેને પ્રાપ્ત થઈ છે, ફક્ત શીધ્ર વેદનને કારણે તે જીવનસ્થિતિ અલ્પ થઈ છે તેથી આયુષ્યકર્મ ફળ આપનાર હોવાના કારણે અફળ પણ નથી. II/પરા
I બીજો અધ્યાય સમાપ્ત II