________________
દ્રવ્યગુણપર્યાયનો રાસ ભાગ-રની
સંકલના
દ્રવ્યાનુયોગના ચિતવનથી મહાત્માઓ ક્ષપકશ્રેણી માંડીને કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે અને દ્રવ્યાનુયોગના પદાર્થોના રાગથી જ સંયમની સર્વ ક્રિયાઓ સફળ છે તેથી જેઓમાં દ્રવ્યાનુયોગના સૂક્ષ્મ પદાર્થોને જાણવાની શક્તિ નથી તેવા માષતુસ આદિ મુનિઓમાં દ્રવ્યાનુયોગ પ્રત્યે અત્યંત રાગ હતો તેથી જ તેમની ચારિત્રની ક્રિયા પણ મોહનો નાશ કરીને દ્રવ્યાનુયોગના સૂક્ષ્મ ભાવોની પ્રાપ્તિનું કારણ બની માટે ગ્રંથકારશ્રીએ દ્રવ્યાનુયોગનો યોગ્ય જીવોને બોધ કરાવવા અર્થે દ્રવ્યગુણપર્યાયના રાસની રચના કરેલ છે અને તે દ્રવ્ય, ગુણ અને પર્યાય કઈ રીતે પરસ્પર ભિન્ન છે ? કઈ રીતે પરસ્પર અભિન્ન છે? વળી, તેને જોનારી નદૃષ્ટિઓ કઈ રીતે પ્રવર્તે છે ? પ્રમાણદૃષ્ટિ કઈ રીતે પ્રવર્તે છે ? તેને આશ્રયીને સપ્તભંગી કઈ રીતે પ્રવર્તે છે ? તે સર્વનો બોધ પૂર્વની ઢાળોમાં કરાવ્યો. વળી, પ્રાસંગિક દ્રવ્યાનુયોગના વિષયમાં જ દિગંબરો જે કાંઈ કહે છે તેમાંથી પણ યુક્તિસંગત યથાર્થ બોધ કરાવવા અર્થે તેના મતાનુસાર જ સર્વ પદાર્થો પૂર્વની ઢાળમાં બતાવ્યા અને કયા કયા સ્થાનોમાં તેઓના કથનો સ્યાદ્વાદની મર્યાદાના પોષક છે ? અને કયા કયા સ્થાનોમાં તેઓના કથનો સ્યાદ્વાદની મર્યાદાના ભંજક છે ? તેનો પણ કંઈક બોધ પૂર્વની ઢાળોમાં બતાવેલ છે.
ઢાળ-૯માં ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્યને આશ્રયીને દ્રવ્ય, ગુણ, પર્યાયની સંગતિ બતાવી. તેથી એ પ્રાપ્ત થાય કે દ્રવ્યાસ્તિકનયથી દ્રવ્ય, ગુણ, પર્યાયનો અભેદ છે અને પર્યાયાસ્તિકનયથી દ્રવ્ય, ગુણ, પર્યાયનો પરસ્પર ભેદ છે તેથી પદાર્થ કઈ રીતે ભિન્ન છે ? કઈ રીતે અભિન્ન છે ? કઈ રીતે દરેક પદાર્થ ઉત્પાદવ્યયધ્રૌવ્ય ત્રણ લક્ષણવાળા છે ? તેનો યથાર્થ બોધ કરવાથી જ તત્ત્વને જોવાની નિર્મળ દૃષ્ટિરૂપ સમ્યગ્દર્શન પ્રગટે છે જે સમ્યગ્દર્શન વિસ્તારરુચિ સમ્યગ્દર્શન છે અને વિસ્તારરુચિ સમ્યગ્દર્શનના ઉપાયરૂપે છ દ્રવ્યોની વિચારણા અતિઆવશ્યક છે તેથી ઢાળ-૧૦માં છ દ્રવ્યોની વિચારણા સર્વજ્ઞના વચનાનુસાર કઈ રીતે છે ? તેની સ્પષ્ટતા કરેલ છે અને છ દ્રવ્ય અંતર્ગત કાળદ્રવ્યવિષયક દિગંબરની માન્યતા અને શ્વેતાંબરની માન્યતા વચ્ચે શું ભેદ છે ? અને કાળદ્રવ્યને ઔપચારિક દ્રવ્ય સ્વીકારવામાં યુક્તિ અનુસાર અને શાસ્ત્ર વચનાનુસાર વિસ્તારથી વિચારણા ઢાળ-૧૦માં કરેલ છે.
વળી, દિગંબરો ગુણના ભેદો કઈ રીતે સ્વીકારે છે ? તેની વિચારણા ઢાળ-૧૧માં ગાથા-૪ સુધી કરેલ છે. વળી, સ્વભાવને ગુણથી જુદા કહીને દિગંબરો સ્વભાવના ભેદો કઈ રીતે પાડે છે ? અને તેમાંથી ૧૧ સામાન્ય સ્વભાવોની વિસ્તારથી ચર્ચા ઢાળ-૧૧ની ગાથા-પથી માંડીને ગાથા-૧૨ સુધી કરેલ છે.