________________
મિથ્યાત્વ છે. ગૃહીત મિથ્યાત્વ તો જીવે કોઈક વાર ટાળ્યું છે પણ અગૃહીત મિથ્યાત્વ તેણે પૂર્વે કદી ટાળ્યું નથી. ત્યાગી થયો ને શુભભાવ કરીને સ્વર્ગે ગયો ત્યારે પણ તે શુભરાગમાં ધર્મ માનીને તેના જ અનુભવમાં અટકી ગયો, તેનાથી જુદા ચેતનરૂપ આત્માનો અનુભવ ન કર્યો તેથી અગૃહીત મિથ્યાત્વ ટળ્યું નહિ.
જીવ પોતે કેવો છે તે જાણ્યા વગર પોતામાં ઠરશે કેવી રીતે? અજીવને જાણ્યા વગર તેનાથી જુદો કેવી રીતે પડશે? દુઃખનું કારણ શું છે તેને જાણ્યા વગર તેને છોડશે કેવી રીતે? અને પૂર્ણ સુખરૂપ મોક્ષ છે તેને જાણ્યા વગર તે તરફનો પ્રયત્ન કેવી રીતે કરશે?
આ રીતે સુખ અને તેનો ઉપાય, દુઃખ અને તેના કારણોનું જ્ઞાન કરવા માટે જિનેન્દ્ર ભગવાને ઉપદેશેલ સાત તત્ત્વો જાણવા જરૂરી છે. જો અજીવને જીવ માની લે તો ત્યાંથી ઉપયોગને પાછો કેમ વાળે? શુભ અને અશુભ બન્ને આસો હોવા છતાં તેને સંવર માની ત્યે તો તેને છોડે ક્યાંથી ? દેહની ક્રિયા પોતાની માને તો તેનાથી (અજીવથી) ભિન્નતા કઈ રીતે અનુભવે? સમ્યગ્દર્શનપૂર્વકની શુદ્ધતા તે ખર સંવર છે, તેને બદલે દેહની ક્રિયાને સંવર માને કે રાગને સંવર માને તો તેનાથી જુદો પોતાને કેમ અનુભવે? આ રીતે તત્ત્વના જ્ઞાન વગર મિથ્યાત્વ ટળે નહિ. ભગવાન! તારું સ્વરૂપ ભગવાને કેવું કહ્યું છે તેના ભાન વગર તારી ભૂલ ભાંગશે નહિ, ને તારું ભ્રમણ મટશે નહિ. આત્માના જ્ઞાન વગર શુભભાવ કરીને સ્વર્ગે ગયો ત્યારે પણ અગૃહીત મિથ્યાત્વ ભેગું લઈને ગયો, એટલે ત્યાં પણ દુઃખી જ થયો. આત્માના ભાન વગર ક્યાંય સુખનો સ્વાદ આવે નહિ.
સર્વજ્ઞ ભગવાનના મુખેથી જે સાત તત્ત્વોનું સ્વરૂપ આવ્યું છે તેના જ્ઞાનમાં આખા વિશ્વના તત્ત્વોનું જ્ઞાન આવી જાય છે.
જુઓ ભાઈ ! પોતાના આત્માના સાચા સ્વરૂપનો નિર્ણય કરવા માટે સર્વજ્ઞ ભગવાને કહેલા આ તત્વોનું શ્રવણ કરવું જોઈએ. અંતરમાં તેનો વિચાર-વિવેક અને ઓળખાણ કરીને દઢ નિર્ણય કરવો જોઈએ. સર્વજ્ઞ વીતરાગ દેવ અરિહંત પરમાત્માએ જે ધર્મ કહ્યો અને જીવનું જેવું સ્વરૂપ કહ્યું તેની ઓળખાણ વગર બીજી રીતે ધર્મ માની ત્યે તો ધર્મ થાય નહિ.
મોક્ષદશા રૂપે પરિણમેલા આત્મા તે દેવ, સંવર-નિર્જરારૂપ પરિણમેલા આત્મા તે ગુરુ - એમ સાચા દેવ-ગુરુની ઓળખાણ પણ આ તત્ત્વોના જ્ઞાનમાં આવી જાય છે.
જિનમતમાં સર્વજ્ઞ ભગવાને અતીન્દ્રિય જ્ઞાન વડે સાત તત્ત્વો જે પ્રમાણે કહ્યા છે તે પ્રમાણે બરાબર ઓળખીને શ્રદ્ધા કરવી તે વ્યવહારથી સમ્યગ્દર્શન છે. તેમાં ભેદ અને વિકલ્પ છે તેથી તેને વ્યવહાર કહ્યો; અને તે જ વખતે નવ તત્ત્વોના વિકલ્પથી પાર થઈને જ્ઞાન-અનુભૂતિ વડે શુદ્ધ આત્માને નિર્વિકલ્પ પ્રતીતમાં લેવો તે નિશ્ચય સમ્યગ્દર્શન છે.
વ્યવહાર સમ્યગ્દર્શન તે પોતે સમ્યગ્દર્શન નથી કારણ કે તે શ્રદ્ધા ગુણની પર્યાય નથી, તે તો વિકલ્પ સહિત જ્ઞાનની દશા છે, નિશ્ચય સમ્યગ્દર્શન તે શ્રદ્ધાગુણની સમ્યફ પર્યાય છે, તે વિકલ્પ વગરની છે. શ્રદ્ધામાં વિકલ્પ હોય નહિ, શ્રદ્ધા નિર્વિકલ્પ છે.