________________
૨
નિત્યનિયમાદિ પાઠ
અદ્ભુત છે ! તેનું ધ્યાન કરવા યોગ્ય છે. અંતરાત્મા થયા પછી જીવ બાહ્ય ઇન્દ્રિયોના વિષયોથી વિરક્ત થઈ તે પરમાત્મા પ્રત્યે જ વળે છે. તે જ મારું દીનનું હિત કરનાર છે, મારા નાથ છે, કરુણાસાગર છે. શી સત્પુરુષની કરુણા છે ! દયા છે ! પ્રેમ છે ! આપ એવા છો ને હું તો અજ્ઞાન અને મિથ્યાત્વને લઈને સર્વ દોષનું ભાજન છું. સર્વ દોષમાં મુખ્ય એવું મારું અજ્ઞાન છે, બાહ્યાત્માપણું છે.
શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજરૂપ; નથી લઘુતા કે દીનતા, શું કહું પરમસ્વરૂપ ? ૨ તેથી મને મારા શુદ્ધ સ્વરૂપનો અનુભવ ક્ષણ પણ કોઈ વખત થતો નથી. શુભ-અશુભમાં જ હું લાગી રહ્યો છું. પણ શુદ્ધભાવ કે જે જીવને સમકિત પમાડી મોક્ષ તરફ વાળે તે હજુ આવ્યો નથી, ત્યાં સુધી તારું જે શુદ્ધ સ્વરૂપ તેમાં વૃત્તિ જોડીને એકલયપણે, ભક્તિપણે, સર્વાર્પણપણે રહેવું જોઈએ, સર્વત્ર તને જ જોઉં એવો પ્રેમ-લગની નથી લાગી. બધે આત્મા જોવો એમ પ્રભુશ્રીજીએ કહ્યું છે. તે પણ થતું નથી. પ્રભુ ! આપ સમીપ જ બેઠા છો એમ જાણીને બધું વર્તન ક્યારે થશે ? સર્વ ભાવ પ્રભુમય થતા નથી. તે માટે લઘુતા, દીનતા, વિનયભાવ જાગવો જોઈએ. સત્પુરુષને આશ્રયે કંઈક સમજણ આવે તો સાથે
નિવૃત્તિનો સર્વોત્તમ સદુપાય એવો જે સદ્ગુરુ પ્રત્યેનો શરણભાવ તે ઉત્પન્ન થાય, એવી કૃપા કર’. એવા ભાવના વીશ દોહરા કે જેમાં પ્રથમ વાક્ય ‘હે પ્રભુ ! હે પ્રભુ ! શું કહું ? દીનાનાથ દયાળ' છે, તે દોહરા તમને સ્મરણમાં હશે. તે દોહરાની વિશેષ અનુપ્રેક્ષા થાય તેમ કરશો તો વિશેષ ગુણાવૃત્તિનો હેતુ છે.” —શ્રીમદ્ રાજચંદ્ર આંક ૫૩૪