________________
જૈન કથાસાહિત્ય : કેટલીક લાક્ષણિકતા D ૨૩
નથી પરંતુ સ્વતંત્ર મૂળ અને ઉદ્દભવ ધરાવતા કથાપ્રવાહો છે. ડૉ. એ. એન. ઉપાધ્યએ હરિવંશપુરાણના અધ્યયનને આધારે દર્શાવ્યું છે કે જેન પરંપરાના કૃષ્ણની વિભાવનાનો સંબંધ હરિવંશપુરાણ કે મહાભારત જોડે નથી પરંતુ પ્રાચીનકાળથી જ સ્વતંત્ર રીતે ઊછરેલી જૈન પરંપરામાં છે. કૃષ્ણકથાની જેમ રામકથાનું જૈન કથારૂપ “પદ્મપુરાણ' રૂપે છે તેની સ્વતંત્ર પ્રણાલીનો, મૂળનો અભ્યાસ જરૂરી છે.
બુદ્ધિચાતુર્યનાં કથાનકોમાં બૃહત્કથાકુળમાં જે સ્થાન યૌગંધરાયણ અને ગોમુખ જેવા રાજાના પ્રધાન કે મિત્રના પાત્રનું છે તે જૈન ધારામાં શ્રેણિકપુત્ર અભયકુમારના પાત્રનું છે. પ્રત્યેક પરિસ્થિતિનો બુદ્ધિપૂર્વક ઉપાય અને ઉકેલ શોધનાર, અનિષ્ટ અને આપત્તિમાંથી ઉગારી રાજા અને રાજ્યની ચિંતાને જીવનધર્મ રૂપે અંગીકાર કરનાર આ પાત્ર “ણાયધમકહાઓથી શરૂ કરીને કથાકોષ'માં તથા સ્વતંત્ર કથા રૂપે માનભર્યું ને રસપ્રદ સ્થાન પામે છે. આગમના સાતમા અંગમાં ઉવાસગદશાઓ’ (શ્રાવકોના કર્તવ્યવિષયક દસ પ્રકરણ)નો મોટો ભાગ કથાનકોએ રોક્યો છે. અહીં વિશેષ પ્રમાણ શ્રેષ્ઠીનું છે. વિવિધ જન્મોમાં મહાવીરની ધમદિશના પામી ધર્મધ્યાન અને ઉપવાસથી મોક્ષ પામી દેવત્વ પ્રાપ્ત કરતાં પાત્રોનાં કથાનકો એક જ ઢાળાનાં છે. આનંદ, કામદેવ, ચલણીપિયા, સુરાદેવ અને ચુલસયય ઇત્યાદિ પાત્રો વિવિધ પ્રલોભનો પાર કરતાં કરતાં અંતે દેવત્વ પ્રાપ્ત કરે છે, કારણ અને પરિણામની કથામાળખાની યોજના એવી તો બીબાંઢાળ છે કે ડૉ. એ. એન. ઉપાધ્ધ નોંધે છે તેમ કેવળ પાત્રના નામને બદલ્યાથી એવાં કથાનકોની સંખ્યા હજુ વધારી શકાય. આઠમું અંગ “અંતગબદસાઓ' તીર્થંકરપ્રબોધને મોક્ષ પામતાં સ્ત્રી-પુરુષોની આ પ્રકારની જ કથાઓ આપે છે. અહીં પણ જૈન સ્રોતની કૃષ્ણ કથા છે. અગિયારમા અંગમાં ‘વિવાગસુયમાં બૌદ્ધ ધારાની, કર્મસિદ્ધાંત સમજાવતી અવદાનશતક અને કર્મશતક જેવી જ કર્મવિપાક દર્શાવતી કથાઓ મળે છે. પહેલા વિભાગની દસ કથાઓમાં દુષ્ટ કૃત્યોનાં પરિણામ દર્શાવાયાં છે, તો બીજા વિભાગમાં સત્કર્મનાં. શિષ્યના પૂછયાથી મહાવીરે બદનસીબીનાં કારણો સ્પષ્ટ કરવા તે પાત્રોની કથા કહી છે. આમ કરતાં અહીં વેપારી, શિકારી, અમલદાર એમ વિવિધ વર્ગનાં પાત્રોની ભવોભવકથા કહેવામાં આવી છે. પૂર્વભવના સંબંધી, મિત્રો અને વેરીઓ શી રીતે ફરી એકસાથે થઈ જાય છે તે વર્ણવતી પરિસ્થિતિ રોચક અને વાર્તાત્મક બને છે.
આગમના ઉપાંગોમાં પણ કેટલાંક કથાનકો મળે છે, પરંતુ કથાવિકાસની દૃષ્ટિએ એ મહત્ત્વનાં નથી બનતાં. બીજા ઉપાંગનો આરંભ પૌરાણિક શૈલીની નીરસ કથાથી થાય છે. વિવિધ ઉપાંગોમાં મળતી અજાતશત્રુ, અરિષ્ટનેમિ, નિષધ ઇત્યાદિ કથાઓ કથા લેખે ઉપરાંત ઐતિહાસિક તથ્ય રૂપે મૂલ્યવાન છે. બૌદ્ધ ધારામાં નિંદા પામતો બિંબિસારપુત્ર અહીં સદ્દભાવથી આલેખાય છે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org