________________
૩૧૦ ] મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય
આ વ્યવસ્થામાં ક્યારેક અપવાદ પ્રવર્તતો પણ જોવા મળે છે, જેમકે અહીં કવિએ વૈશાખ માસના વર્ણન માટે એક જ કડી યોજી છે ને કારતક તેમજ માઘ માસના વર્ણનમાં તે-તે મહિનાની ઋતુવિશેષતાનો ઉલ્લેખ કર્યા વગર જ નાયિકાની વ્યગ્રતા-વેદના ને પ્રેમોપચારના કોડ વર્ણવ્યા છે.
ઋતુવર્ણનમાં કે નાયિકાની અવસ્થાના નિવેદનમાં આવી રચનાઓમાં અ-પૂર્વ કે મૌલિક કહેવાય એવું ઘણું ઓછું હોય છે ને ગતાનુગતિકતા કે પુનરુક્તિ વધારે હોય છે, છતાં સારા કવિની શક્તિના ચમકારા અહીંતહીં નજરે ચઢ્યા વગર રહેતા નથી. ભાવ, ભાષા, અલંકાર આદિમાં ઘણું સરખાપણું હોવા છતાં ક્યારેક કૃતિના રચનાપ્રપંચમાં, ભાષાકર્મમાં વિશિષ્ટતા કે નોખાપણું પ્રકટ થાય છે. અહીં યમક કે વર્ણસગાઈના પ્રયોગમાં, વર્ણ-શબ્દના વિન્યાસમાં અને ભાવોત્કટતા સાધવા પ્રયોજાતા પંક્તિના વિશિષ્ટ ઠાઠમાં કવિની શક્તિ-નિપુણતાનો પરિચય થાય છે. માઘ માસના ઉલ્લેખમાં કવિ નાયિકા પાસે બોલાવે છે :
નાહ વિના માહ માસની રયણી ન વિહાય,
સૂની રે સેજઇ તલપતાં ખણ વરસાં સો થાય. ૬
(નાથ વગર માહ માસની રાત (કેમેય) વીતતી નથી; સૂની સેજમાં તલખતાં એક ક્ષણ સો વ૨સ જેવી લાંબી લાગે છે.)
એવી જ રીતે કારતક માસમાં નાયિકાની વિરાવસ્થા વર્ણવતાં કવિ કહે છે : કાતી માતી કામિની, રાતી રે પ્રિઉ-સંગ,
દેખી મુઝ મન ઉલ્લુસઇ તુહ્મ સેવા સંગ. ૨૩
વૈશાખ વિશે ભલે કવિએ એક જ કડી કરી છે, પણ એમાં નાયિકાનો પ્રિયતમને ઉત્તમ વસ્તુથી રીઝવવાનો ઉમળકો ને કોડ ભલી ભાતે વ્યક્ત થાય છે ઃ વૈશાખઈ સાકર જિસી પાકી આંબા-સાખ,
પ્રીસું હું કરી કાતલી, પ્રિઉડા ! રે રસ ચાખ. ૧૨
‘ભોલી ટોલી સહુ મિલી હોલી રે ખેલંત' જેવી પંક્તિમાં ‘ઓ' કાર ને ‘લ’ કારનાં પુનરાવર્તનોથી સધાતી ચમત્કૃતિની પણ નોંધ લઈએ. ભાષાની વાત ચાલે છે ત્યારે એક શબ્દપ્રયોગ પ્રત્યે પણ ધ્યાન દોરાય છે. ૨૦મી કડીમાં કવિ ‘હરાંમ’ એવો શબ્દ પ્રયોજે છે, લખે છે ઃ
રાતિ વિહાઇ અતિ દોહલી જપતાં રે તુહ્મ નાંમ, સાજન ! સાચું માનજો, નયણે નીંદ હરાંમ.
આ આખીય કૃતિમાં સામાન્ય રીતે સંસ્કૃત તત્સમ અને તદ્ભવ શબ્દોનો ઉપયોગ થયો છે, માત્ર આ ‘હરાંમ’ જ એક અરબી ભાષાનો શબ્દ પ્રયોજાયો છે. કોઈ પ્રતમાં આ શબ્દપ્રયોગ વિશે કશી ટીકા-ટિપ્પણી નથી તે જોતાં આ પ્રયોગમાં કશી અસાધારણતા કે અ-પૂર્વતા નથી દેખાઈ એમ સમજાય છે. વિક્રમની અઢારમી સદીમાં આ રચના થઈ છે એટલે કવિ અરબી-ફારસી ભાષાથી પરિચિત હોય ને આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org