________________
સમૃદ્ધ સંસ્કારવારસાની ખેવના
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈન લેખકોનું પ્રદાન ઘણું મોટું છે - રચનાઓના પ્રમાણની, પ્રકારોની, વિવિધતાની તેમજ ગુણવત્તાની દૃષ્ટિએ. ગુજરાતી સાહિત્યના ઇતિહાસો, અધ્યયનો, પાઠ્યક્રમોમાં જૈન કૃતિઓની તેમના મહત્ત્વના પ્રમાણમાં જે અવગણના થઈ છે તે માટે વિવિધ કારણો ચીંધી શકાય.
આમ છતાં સન્નિષ્ઠ પ્રયાસ થોડુંક તો ઇષ્ટ પરિણામ જરૂર લાવે એનું દૃષ્ટાંત પ્રસ્તુત સંગ્રહ પૂરું પાડે છે. એમાંના નિબંધોમાં હીરાણંદ, લાવણ્યસમય, જયવંત, કુશલલાભ, નયસુંદર, ઋષભદાસ, આનંદવર્ધન, આનંદઘન, યશોવિજય જેવા જૈન લેખકો તથા કેટલીક જૈન કૃતિઓનાં પરિચય અને ગુણદર્શન, થોડાક પ્રકારોની જાણકારી અને સામાન્ય પ્રવાહદર્શન રજૂ થયાં છે. થોડીક અત્યુક્તિ લાગે તોપણ કહું કે આ તો પાશેરામાં પહેલી પૂણી છે. આવા સંખ્યાબંધ પ્રયાસો અને કેટલાંક સઘન અધ્યયનો થતાં રહે તેને પરિણામે જ જૈન પરંપરાના વ્યાપક પ્રદાનનું સાચું, સંતોષકારક ચિત્ર નિર્મિત
થાય.
વળી આ તો મુખ્યત્વે પ્રકાશિત જૈન સાહિત્યને જ કેન્દ્રમાં રાખીને વાત થઈ. હજી અપ્રકાશિત રહેલ ગુજરાતી જૈન સાહિત્ય અનેકગણું છે, ગંજાવર છે. પોતાના સમૃદ્ધ, વિપુલ સંસ્કારવારસાની જેમને ખેવના હોય તેવા ગુજરાતીઓ, જૈનો જરૂરી ટેકો અને તાલીમ સુલભ કરીને જુવાન અભ્યાસીઓનું એક નિષ્ઠાવાન જૂથ તૈયાર કરે તો જ એ સાહિત્યનો ઉદ્ધાર
થાય.
Jain Education International
હરિવલ્લભ ભાયાણી
For Private & Personal Use Only
www.jainelibrary.org