________________
વિનયવિજયકૃત “નેમ-રાજુલ બારમાસા' U ૩૦૯
જોઈએ તો રચનાને અંતે નાયક-નાયિકાને સંયમ, સદાચાર, વૈરાગ્ય જેવા ઉન્નત ભાવોમાં આવીને ઠરતાં બતાવવામાં આવે છે.
વિનયવિજયકૃત નેમ-રાજુલ બારમાસા' જૈન ધર્મમાં બાવીસમા તીર્થંકર ગણાતા નેમિનાથ ને મથુરાના રાજા ઉગ્રસેનની પુત્રી રાજિમતીને નાયક-નાયિકા તરીકે લઈને રચવામાં આવેલી કૃતિ છે. વિવાહ પ્રસંગે જમણ માટે થનાર પશુહિંસાના વિચારથી વ્યથિત થઈને નેમિનાથ લગ્ન કર્યા વિના જ ગિરનારમાં તપ કરવા ચાલ્યા જાય છે ને તપ કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. આ રીતે નાયક-નાયિકા વચ્ચે વિરહ થાય છે. કવિએ કાવ્યને અંતે નોંધ્યું છે તેમ આ કૃતિ સંવત ૧૭૨૮માં રાંદેરમાં રચાઈ છે. આ કવિની અન્ય એક કૃતિ પણ રાંદેરમાં રચાયાનો ઉલ્લેખ જોતાં વિનયવિજયજી રાંદેરના હોય કે પછી ચાતુર્માસ ગાળવા કે વિહાર માટે વારંવાર રાંદેરમાં આવતા હોય એવું અનુમાન થાય છે.
આગળ કહ્યું તેમ સામાન્ય રીતે બારમાસાનો ઢાંચો ને તેની રચનારીતિ એક જ પ્રકારનાં હોય છે, તથાપિ એના આયોજનમાં ને ભાષાકર્મમાં કવિનો વ્યક્તિત્વવિશેષ પ્રગટ થાય છે ખરો. વિનયવિજયજીની આ કૃતિમાં બીજા કેટલાક બારમાસામાં જોવા મળતા મંગલાચરણના શ્લોક નથી. આરંભમાં કવિ સરસ્વતી કે અન્ય ઈષ્ટ દેવ-દેવીની સ્તુતિ ને હાથ ધરેલી રચનાની સફળતા માટે પ્રાર્થના કરે છે. અહીં કવિ મંગલાચરણ વગર કૃતિનો સીધો જ આરંભ કરી દે છે. દેશમાં રચાયેલા ૨૬ કડીના આ કાવ્યનું સ્વરૂપ સંદેશકાવ્યનું, દૂતકાવ્યનું છે એ પણ ધ્યાન ખેંચે એવી એની વિશિષ્ટતા છે. એના કવિએ સંસ્કૃતમાં ઇન્દુદૂત' નામક રચના કરી છે કે આ કૃતિને પણ ‘રાજુલ-નેમ સંદેસડુ' કહી છે એ હકીકત આ સ્વરૂપવિશેષ પ્રતિનો એમનો પક્ષપાત પ્રગટ કરે છે. અબ્દુર્રહેમાનકૃત “સંદેશક રાસ'ની જેમ અહીં વિરહિણી નાયિકા પથિક દ્વારા નેમિનાથને સંદેશો પાઠવે છે ?
પંથી ! અમારો સંદેસડો કહિજો તેમનઈ એમ
છટકી છેહ ન દીજીઈ, નવ ભવનો રે પ્રેમ.
અમારો' શબ્દનો પ્રયોગ પણ અહીં ધ્યાન ખેંચે છે. નાયિકા પોતાને માટે આવો બહુવચન પ્રયોગ કરીને પ્રેમનો અધિકાર લાડ સાથે વ્યક્ત કરે છે.
બારમાસામાં વર્ષના બાર મહિનાનો ઉલ્લેખ ને એનું વર્ણન આવે છે, પણ બધા કવિઓ અમુક એક જ માસના ઉલ્લેખ-વર્ણનથી કાવ્યનો આરંભ કરતા નથી. કોઈ કારતકથી તો કોઈ માગશરથી તો કોઈ વળી આસો મહિનાથી આરંભીને બાર માસનું વર્ણન કરે છે. આ કૃતિમાં કવિએ માગશરથી આરંભ કરીને કારતકના વર્ણનથી કૃતિનો અંત આણ્યો છે. સામાન્ય રીતે કવિ પ્રત્યેક માસના વિશિષ્ટ વર્ણન-આલેખન માટે ને વિહિણી નાયિકાની એ પરિસ્થિતિમાં ચિત્તાવસ્થા માટે બે કડી ફાળવે છે, એટલેકે ચાર પંક્તિઓમાં તે મહિનાના ઋતુલક્ષણવિશેષને ને તેના સંદર્ભમાં વિરહિણી નાયિકાની વ્યથા-વેદના. એના ઓરતા ને આજીજીને રજૂ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org