________________
૨૦૨ D મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય
લખ્યો. હું ધારું છું કે તેમના તે લેખના મૂળ બંગાલી (બંગ સંવત્ ૧૩૮૮ના કાર્તિક માસના પ્રવાસી' નામના સુપ્રસિદ્ધ માસિકના અંકમાંના) લેખ પરથી રા.સુશીલે ૧ અને ૮ નવેંબર ૧૯૩૧ના “જૈન”ના અનુક્રમે બે મનનીય અગ્રલેખો લખ્યા છે. તેમાં જણાવ્યું છે કે :
“ઘોર અંધારી રાતે નિર્જન અટવીમાં આથડતા મુસાફર કરતાં પણ સત્યશોધકની વિહ્વળતા અનેક ગણી તીવ્ર અને જાજરમાન હોય છે. પ્રકાશ ! વધુ પ્રકાશ !' એ મૌન અહાલેક જગવતો તે ઠેકઠેકાણે ભમે છે. ક્યાંય ઘડીક બેસે છે અને કળ વળી-ન વળી ત્યાં તો ઊઠીને આગળ ચાલે છે. શ્રી આનંદઘનજી મહારાજની સત્યશોધકતા પણ લગભગ આવી જ હશે અને શ્રી ક્ષિતિબાબુએ જે સમીક્ષા કરી છે તેમાં પણ સત્યજિજ્ઞાસુ આત્માની ઉત્કટ વેદના કેવી હોય તેની આપણને ઝાંખી થાય છે. તેઓ માને છે કે યોગાદિની પ્રક્રિયામાં પણ આ સત્યના આશકનું મન ન માન્યું. બંસીવાળા' અને 'વ્રજનાથ' તરફ તેમની દૃષ્ટિ ગઈ. પદ પ૩, ૬૩ અને ૯૪માં એનું આછું ગુંજન સંભળાય છે : “સારા દિલ લગા હૈ બંસીવારાસુ...' અને વ્રજનાથસે સુનાથ બિન, હાથોહાથ બિકાયો' એટલું જ નહીં, પણ અંતરની દ્વિધાને ઉખેડી નાખતા હોય તેમ તે ઉચ્ચારે છે – “ઔરોંકા ઉપાસક હું. કૈસે કોઈ ઉધારું, દુવિધા યહ રાખો મત, યા વરી વિચારું.' આ ઉદ્ગારો ગમે એને ઉદ્દેશીને બહાર આવ્યા હોય, પણ આત્માને મનાવવાના વ્યર્થ પ્રયત્ન હોય એમ નથી લાગતું ? ખરું જોતાં તો એમના અંતરાત્માનો ઝોક વીતરાગ તરફ જ વળતો હતો. પણ એ વિશેની
સ્પષ્ટ ઉપલબ્ધિ એમને કદાચ એ વખતે ન થઈ હોય. “શ્યામ'ની ભક્તિ પણ આખરે વિપ્લવ જગાડે છે. ચિત્તને જેવી જોઈએ તેવી શાન્તિ નથી મળતી. કંટાળીને વ્યથિત હૃદયે ગાય છેઃ “શ્યામ !, મને નિરાધાર કેમ મૂકી, કોઈ નહીં હું કોન શું બોલું, સહુ આલંબન ટૂકી, શ્યામ ! મને નિરાધાર કેમ મૂકી. (પદ ૯૪મું) આ પદનો અર્થ કરતાં શ્રી ક્ષિતિબાબુ, જાણે રાધિકા કૃષ્ણવિરહને અંગે આ પદ ગાતી હોય એમ ઘટાવે છે. આધ્યાત્મિક અર્થમાં સુમતિ ચેતનને વિનવતી હોય એવો અર્થ પણ ઘટાવી શકાય. પરંતુ એ ઉપરઉપરની ચર્ચા જવા દઈએ તો શ્રી આનંદઘન જેવા સાધકની દર્દભરી દશા સમજવામાં એ પદ ઘણી સહાય કરે એ નિર્વિવાદ છે. એમના જમાનાના પક્ષાગ્રહથી છૂટવા એ મથે છે, કોઈનો રોષ પણ વહોરી લે છે, નજર ક્યાંય ઠરતી નથી કારણકે પ્રાણ જેવી વસ્તુ એમને ક્યાંય દેખાતી નથી.
એમના સમયની પરિસ્થિતિ જોતાં, એક તરફથી યશોવિજયજી મહારાજની વિદ્વત્તાનો પ્રખર પ્રકાશ ભલભલા પંડિતોને નિસ્તેજ બનાવી રહ્યો છે, બીજી તરફ પંન્યાસ સત્યવિજયજીનો ક્રિયોદ્ધાર પોતાનો પ્રતાપ પાથરે છે અને એ જ વખતે ગચ્છનાયક વિજયસિંહ(? વિજયદેવ)સૂરિની આણ વર્તે છે. સૌ લાભાનંદ' અર્થાત્ આનંદઘનને ચાહે છે, છતાં એ અધ્યાત્મયોગી જાણે પાંજરામાં પુરાણો હોય એમ પુકારે છે. શ્રી ક્ષિતિમોહન સેન કહે છે : “આનંદઘન મનની વ્યાકુળતા ટાળવા બહાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org