________________
ઉદયભાનુરચિત “વિક્રમચરિત્ર રાસ' : એક દૃષ્ટિપાત D ૨૭૭
વિક્રમનો રોષ, મંત્રીની વિક્રમ માટેની ચિંતા અને દુઃખનિવારણ માટે ઉપાયશોધ. અવધૂતમિલન, લીલાવતીની માહિતી પ્રાપ્તિ, વિક્રમ અને મંત્રીનું ચંપાનગરી જવું, વેશપરિવર્તન કરી ચાતુર્યપૂર્વક લીલાવતી સાથે મંત્રીની મુલાકાત, મદનભુવનમાં નાટકયોજના, વિક્રમ-લીલાવતીની પ્રશ્નોત્તરી અને અંતે, બંનેનાં લગ્ન – એમ પ્રસ્તુત કૃતિના પૂર્વાર્ધનું કથાનક રચાય છે. આ પ્રસંગશ્રેણીના નિયોજનમાં ‘લિંગપરિવર્તનનું કથાઘટક ઉલ્લેખપાત્ર છે : વિક્રમ અને મંત્રી ચંપાનગરી તરફ નીકળ્યા છે, લીલાવતીની શોધમાં. ત્યાં માર્ગમાં એક જંગલમાં વિરહાનલથી ત્રસ્ત વિક્રમ દ્રાક્ષમંડપમાં નિદ્રાધીન થયો. એટલામાં એક વિદ્યાધરયુગલ આવ્યું અને વિક્રમને સૂતેલો જોઈ એના પગે જડીબુટ્ટી બાંધી. તેથી એ સ્ત્રી બની ગયો ! થોડીવાર પછી સ્ત્રીયુગલ આવ્યું ને બીજું ઔષધ પગે મૂક્યું તો એ પુરુષ બની ગયો ! આ પ્રસંગમાં ઉલ્લેખાયેલ જડીબુટ્ટીનો જાદુ અભુત રસની નિષ્પત્તિ તો કરે જ છે, પણ એ સાથે ભાવિ કથાવિકાસની ભૂમિકા અહીં રચાય છે. એ દૃષ્ટિએ લિંગપરિવર્તન'નું આ ઘટક અહીં motivationનું કાર્ય કરે છે.
કૃતિના ઉત્તરાર્ધ (કડી ૨૨૦થી અંત સુધી)માં મુખ્ય કથાનકનું નિરૂપણ કવિએ હાથ ધર્યું છે. વિક્રમચરિત્રના પરાક્રમનું વર્ણન વાર્તાકારનું લક્ષ્ય છે. એથી માતા લીલાવતીને ધૂતીને પરણી જનાર પિતા વિક્રમને ધૂર્તતાનો પદાર્થપાઠ શીખવવાનો જાણે સંકલ્પ કરીને વિક્રમચરિત્ર ઉજ્જૈન પહોંચે છે. અહીં એક વણિક મિત્ર ચંપકની સહાયથી ઉજ્જૈનની પ્રજાને પોતાની ધૂર્તકલાના પરચા બતાવતોબતાવતો અંતે રાજા વિક્રમને પણ એનો ભોગ બનાવી દરબારમાં પ્રત્યક્ષ પ્રગટ થઈ પુત્ર તરીકેની પોતાની એ ઓળખ આપે છે. પુત્ર તરીકે ઓળખ આપતાં એ કહે છે કે, “મૂજ માતા ધૂતારી તુહે, તીઈ વાયર પુરવંચિઉં અલ્પે.” આમ વાતનો આ ઉત્તરાર્ધ પૂર્વાર્ધ સાથે અનુસંધાન પામે છે. આખી વાર્તાનું કથાઘટક, આમ, વ્યક્તિવિશેષનું મટીને, “શઠં પ્રતિ શાક્યમ્' કે “શેરને માથે સવા શેર' જેવી લોકોક્તિની દૃષ્ટાન્તકથાનું રૂપ લે છે. પરિણામે અહીં નિરૂપિત ઘટનાઓ પૂર્વયોજિત અને તેથી સહજ પ્રતીત ન થાય એ સ્વાભાવિક છે. રાજા વિક્રમ, લીલાવતી, મંત્રી, વિક્રમચરિત્ર, દેપા નાપિત, સેલુત શશિદેવ-મૂલદેવ. દામોદર પુરોહિત, ગોગ વેશ્યા, રજક એમ અનેક પાત્રોનો અહીં સંદર્ભ હોવા છતાં પાત્રનિરૂપણની દૃષ્ટિએ વાર્તાકારની કોઈ સર્જકશક્તિ વતી નથી એમ કહેવું જોઈએ.
કૌતુકરસની આ કથાના સર્જનમાં ઉદયભાનુએ યથાવકાશ સૂચિત રીતે આલેખેલ સામાજિક પરિસ્થિતિઓ, લોકમાન્યતાઓના સંદર્ભે પ્રસ્તુત કૃતિને સાંસ્કૃતિક અધ્યયન માટે મહત્ત્વની ઠેરવે તેમ છે. એ જ રીતે એની સાડાચારસો વર્ષ પૂર્વેની ભાષાનો સંદર્ભ મધ્યકાલીન ગુજરાતી ભાષાના સ્વરૂપને સમજવામાં ઉપકારક હોઈ ભાષાશાસ્ત્રના અભ્યાસમાં પણ એનું ઓછું મૂલ્ય નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org