________________
સહજસુન્દર અને “ગુણરત્નાકર છંદ' D ૨૮૯
તે ઉપરાંત પ્રત્યેક અધિકારનો આરંભ કવિ શારદાના નામસ્મરણથી કરે છે. પાડલપુર નગરીનો ઠાઠમાઠ ને વૈભવ ચોદેક કડી રોકે છે. વેશ્યા પ્રેમનાં કેવાં નાટક કરી શકે તેની વિગતો અને શું-શું પરહરવું જોઈએ તેની યાદી કવિ આપે છે. કોશાને મુખે કવિએ અકુલીન કુગૃહિણીનાં કૂડકપટ કહેવડાવ્યાં છે. પિયુ સ્ત્રીને વશ કેવી રીતે થાય એના તરીકા અહીં છે. રાજા કેવો હોય છે, સંસાર કેવો અસાર છે, યૌવનનું પાપી પૂર કેવા ઉન્માદો કરાવે છે તેની વાત કવિ કરે છે. સંસાર અને જન્મ કેવા વેદનાપૂર્ણ છે તે કહેવાને સંદર્ભે ગર્ભધારણ અને પ્રતિમાસ થતા ગર્ભવિકાસની વીગતો અહીં રજૂ થઈ છે. જે પાપો કરી નરકમાં જાય છે તે કેવી વેદના ભોગવે છે તેનો ચિતાર, મદનની વ્યાપ્તિ અને વિષયવાસનાનો દ્રોહ પણ અહીં વર્ણવાયાં છે. કેટલાંક ઉદાહરણો જોઈએ :
* વિષય વખાણ્યઉ પીડીઉ, અગનિ તણી જિમ ઝાલ,
વિનય વિવેક વિલાસનઉં વન બાલઈ તતકાલ. (૪.૫) * જિનમારગિ ધાડૂ કરઇ, મયણ થઈ અવધૂત,
કુણ સેવઈ તે પાપીઉં, નરગ તણી જે દૂત. (૪.૪૭) * મોર ઘણઉં નાચઈ રમઇ, પણિ પગ જોઈ રોય,
તિમ ઉતપતિ છઈ આપણી, ગરવ મ કરસ્યઉ કોય. (૪.૧૬).
આ બધા વિશે વાત કરતાં અનેક ઉપમાઓ, રૂપકો, દૃષ્ટાંતોને તો કવિએ ઉપયોગમાં લીધાં જ છે, ચિત્રો પણ ઊભાં કર્યાં છે. કૃતિની બોધાત્મકતા પણ કાવ્યનો અંશ બનીને આવે છે.
આ કૃતિના બાહ્યાંતરમાં જે કાવ્યાત્મક-આસ્વાદ્ય અંશો છે તે બધું જ એના કત સહજસુન્દરની કેવળ પોતીકી સર્જકપ્રતિભામાંથી પ્રકટી આવ્યું છે એમ તો કેમ જ કહેવાશે ! મધ્યકાળના બધા જ કવિઓ વિષય કે એની અભિવ્યક્તિ પરત્વે પરંપરા સાથેના સાંધણથી અલિપ્ત નથી જ, પ્રેમાનંદ સુધ્ધાં. એટલે અહીં પણ છંદો, એનું સંગીત, વર્ણનો, અલંકારો, ઝડઝમક, શબ્દચાતુરી, રવાનુકારી શબ્દયોજના એ બધા ઉપર પરંપરાનો પ્રભાવ પણ હોવાનો જ. પણ એ સ્વીકાર્યા પછી પણ, આપણને આ કૃતિ પૂરતી સીધી નિસબત છે તે કાવ્યસૌંદર્યના જે અંશો અહીં આસ્વાદ્ય જણાયા તેની નોંધ લેવાનો આ નમ્ર પ્રયાસ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org