________________
જ્ઞાનવિમલસૂરિ : જ્ઞાનબોધ અને કવિત્વ
કુમારપાળ દેસાઈ
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં વિપુલ. વૈવિધ્યમય અને કવિત્વપૂર્ણ સર્જન માટે, વિક્રમના ૧૮મા સૈકામાં થયેલા. તપગચ્છની વિમલ શાખાના જૈન સાધુ જ્ઞાનવિમલસૂરિનું પ્રદાન નોંધપાત્ર ગણાય. એમણે ગુજરાતી ભાષામાં એટલી બધી કૃતિઓની રચના કરી હતી કે એથી એમ કહેવાતું કે સંસ્કૃતમાં જેમ હેમચંદ્રાચાર્ય તેમ પ્રાકૃતમાં એટલેકે દેશી ભાષાઓમાં જ્ઞાનવિમલસૂરિ છે. વૈવિધ્યની દૃષ્ટિએ જોઈએ તો એમની કૃતિઓ કથાત્મક, તત્ત્વવિચારાત્મક, બોધાત્મક અને સ્તુત્યાત્મક –- એમ બધા પ્રકારની છે. આ કૃતિઓમાં એમના પાંડિત્ય ઉપરાંત છંદ, અલંકાર આદિ કવિકૌશલની પ્રૌઢિનો પણ પરિચય થાય છે. એમણે સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી – એમ ત્રણે ભાષાઓમાં ગ્રંથો રચ્યા તથા ગદ્ય અને પદ્ય બંને સ્વરૂપમાં મહત્ત્વપૂર્ણ રચનાઓ આપી. જ્ઞાનવિમલસૂરિનું સાહિત્ય બહુધા સાંપ્રદાયિક પરિપાટીનું છે. પરંતુ, એ મર્યાદા જાળવીને પણ, એમણે અલંકારરચના, પદ્યબંધ. દૃષ્ટાંતબોધ વગેરેની જે શક્તિ બતાવી છે તે પ્રશસ્ય છે.
જ્ઞાનવિમલસૂરિની કૃતિઓમાંથી અને એમના સમકાલીનોની નોંધમાંથી એમના જીવન વિશે સારી એવી માહિતી સાંપડે છે. એમનો જન્મ વિક્રમ સં. ૧૬૯૪માં મારવાડના ભિન્નમાલ નગરમાં થયો હતો. તેઓ વીશા ઓશવાલા જ્ઞાતિના હતા. તેમના પિતાનું નામ વાસવ શેઠ અને માતાનું નામ કનકાવતી હતું. બાળપણમાં એમનું નામ નાથુમલ હતું. માત્ર આઠ વર્ષની વયે વિ.સં. ૧૭૦રમાં એમણે તપગચ્છની વિમલશાખામાં પંડિત વિનયવિમલગણિના શિષ્ય પંડિત ધીરવિમલગણિ પાસે દીક્ષા લીધી. દીક્ષા સમયે એમનું નામ નવિમલ રાખવામાં આવ્યું. આ પછી એમણે કાવ્ય, તર્ક, ન્યાય, શાસ્ત્રાદિમાં નિપુણતા મેળવી. તેઓએ અમૃતવિમલગણિ તથા મેરુવિમલગણિ પાસે વિદ્યાભ્યાસ કર્યો. વિ.સં. ૧૭૨૭ મહા સુદ દશમને દિવસે મારવાડના સાદડી પાસેના ઘાણેરાવ ગામમાં ઉત્સવપૂર્વક આચાર્ય વિજયપ્રભસૂરિએ એમને પંન્યાસપદ આપ્યું. ત્યાર બાદ વિ.સં. ૧૭૪૮ ફાગણ સુદ પાંચમ ને ગુરુવારના દિવસે નવિમલગણિને આચાર્યપદની પ્રાપ્તિ થઈ અને તેમના વિશાળ જ્ઞાનને લીધે તેમનું નામ જ્ઞાનવિમલસૂરિ રાખવામાં આવ્યું. જ્ઞાનવિમલસૂરિએ સૂરત, ખંભાત, રાજનગર (અમદાવાદ), પાટણ, રાધનપુર, સાદડી, ઘાણેરાવ, શિરોહી, પાલીતાણા, જૂનાગઢ વગેરે સ્થળોએ વિહાર કર્યો. એમની વિહારભૂમિ મુખ્યત્વે ગુજરાત, રાજસ્થાન અને સૌરાષ્ટ્રનો પ્રદેશ હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org