________________
૩૦ | મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય
ધર્મકથા ધર્મસિદ્ધાંતના દ્રષ્ટાંત રૂપે કે ધર્મનાં વ્રત, સ્થળ કે વ્યક્તિનું માહાભ્ય દર્શાવવાના હેતુથી જે કથાઓ નિરૂપાઈ તેમાં કેટલીક મૂળભૂત મનોરંજક લોકકથાઓ પણ છે. ધર્માસિદ્ધાંતની તત્ત્વચર્ચામાં સામાન્ય માણસને રસ અને સમજ ન પડે તેથી લૌકિક વિશ્વની મનોરંજક કથાઓ દ્વારા ધર્મતત્ત્વને પ્રગટ કરવાનો ઉપક્રમ તો ભારતવ્યાપી અને વિશ્વવ્યાપી છે. વ્યવહારજ્ઞાન નીતિ અને ધર્મના જ્ઞાનને સર્વગમ્ય અને રસપ્રદ બનાવવામાં વાત મુખ્ય સાધન છે. ‘વસુદેવહિંડી’માં ધર્મસેનગણિએ ગ્રન્થારંભમાં “ણરવાહનદત્તાદીર્ણ કહાઓ કામિયાઓ લોગો ણગંણ કામકહાસુ રજ્જતિ’ એમ જણાવીને કામકહારત્તહિ તયમ્સ જણસ્સ સિંગાર કહાવવએસણ ધર્મ એવ પરિકહેમિ' કહ્યું છે. અર્થાત્ કામકથામાં લોકો રસ લેતા હોવાથી શૃંગારકથાના વ્યપદેશથી પોતે ધર્મકથા કહે છે, એમ સ્પષ્ટ જણાવ્યું છે, આથી જેને આપણે શુદ્ધ ધર્મકથાના વર્ગની ગણીએ તેમાં પણ એક કે બીજા રૂપમાં લોકરંજક કથાઓ તો રહેલી જ હોય છે. ધર્મમાહાભ્યની કથાઓને ડૉ. સત્યેન્દ્ર (મધ્યયુગીન હિંદી સાહિત્યકા લોકતાત્ત્વિક અધ્યયન, પૃ. ૧૮૫) વ્રતકથા, તીર્થમાહામ્યકથા અને અન્ય એમ ત્રણ વર્ગમાં વિભક્ત કરે છે. આ ત્રિવર્ગમાં પણ મનોરંજક કથાના કુળની ન હોય અને શુદ્ધ ધર્મપ્રવાહમાં જ ઉદ્દભવ અને પોષણ પામી હોય એવી કથાઓની સંખ્યા અત્યલ્પ હોવાની. છેક વેદકાળથી લોકકથાઓ ધર્મકથાઓના પરિવેશમાં આવી છે.
ધર્મકથાઓ આમ મોટે ભાગે મનોરંજક લોકકથાઓ હોવા છતાં ધર્મકથાના વર્ગને તાત્ત્વિક રીતે ભિન્ન વર્ગની ગણવાનું કારણ એ છે કે ધર્મમાં પ્રવેશતાં લોકકથાને નવું અને ભિન્ન એવું રૂપ મળે છે. જૈન ધારામાં લોકરંજક કથાઓનો ધર્મકથા તરીકે વિનિયોગ થયો છે એની પાછળ મુખ્ય હેતુઓ ૧. પોતાના ધર્મની શક્તિની સંપૂર્ણતા અને મહત્તા પ્રસ્થાપિત કરવી, ૨. ધર્મનું સ્વરૂપ સ્પષ્ટ કરવું અને ૩. ધર્મ પ્રત્યેની શ્રદ્ધા દૃઢ કરવી એ છે. પ્રથમ હેતુને સિદ્ધ કરવા માટે જૈન ધર્મમાં વિપુલ સંખ્યામાં ચરિતગ્રન્થો રચાયા અને બીજા હેતુની સિદ્ધિ માટે આગમમાં પણ કથાનકો સંગ્રહાયાં. આ બે હેતુ માટે આવતાં કથાનકોનો મોટો ભાગ ધર્મમૂળમાંથી જ પોષાતાં કથાનકોનો છે, પરંતુ ત્રીજા હેતુની સિદ્ધિમાં અન્ય પ્રવાહનાં કથાનકો સમાવિષ્ટ થયાં છે.
મનોરંજક લોકકથામાંથી, અન્ય સંપ્રદાય કે પ્રવાહમાંથી જૈન ધારામાં અનેક સ્વરૂપ અને પ્રકારનાં કથાનકો સમાવિષ્ટ થયાં, પરંતુ તેમ છતાં પ્રત્યેકમાં એ ધારાની નિજી મુદ્રા અંકિત થયેલી છે. જ્યારે કોઈ એક વિશિષ્ટ વિચારસરણી અને જીવનભાવનાથી વિષયવસ્તુની પસંદગી અને નિરૂપણ થતાં હોય છે ત્યારે તેના સમગ્ર સંપાદનરાશિમાં સ્વકીય ગણી શકાય એવી લાક્ષણિકતા સ્વયમેવ પ્રગટે છે. જૈન ધારાના કથાસાહિત્યમાંથી પણ આવી કેટલીક લાક્ષણિકતા આ પ્રકારની છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org