________________
મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્યમાં હાલરડાં
શ્રદ્ધા ત્રિવેદી
આપણને સૌને કાલિદાસે કહેલી પેલી વાતનું સ્મરણ છે કે બાળકના અંગ પરની રજના સ્પર્શથી મલિન થવામાં ધન્યતા રહેલી છે. આ ધન્યતાનો અનુભવ સવિશેષપણે સ્ત્રીને – માતાને થાય છે. એમ કહી શકાય કે પરમેશ્વરને સૃષ્ટિના સર્જનથી જેટલો ને જેવો આનંદ થાય તેટલો ને તેવો આનંદ સ્ત્રીને પોતાના બાળકની સામે જોતાં થાય છે. આમ, બાળક આપણા જીવનમાં પ્રસન્નતાનું જીવન જીવવાનું બળ પૂરું પાડવાનું નિમિત્ત બની રહે છે. બાળકને ઊંઘાડવા માટે માતા જ્યારે ગાતી. હોય છે ત્યારે તે કેટલીબધી આનંદવિભોર બની જતી હશે ! બાળકને પારણામાં સુવાડતી વખતે તે શું-શું અનુભવતી હશે તે તો માત્ર તે અનુભવનાર જ જાણે. પણ કવિની કલ્પના સર્વત્ર પહોંચી શકે છે ને તેથી જ કેટલીક મનોરમ કૃતિઓ પ્રસ્તુત વિષયની મળી છે. રામકૃષ્ણની બાળલીલાનાં પદ મધ્યકાલીન કવિઓ જેમકે નરસિંહ, ભાલણ, પ્રેમાનંદ વગેરેએ આપેલાં જ છે. કૌશલ્યા અને જશોદાના નિમિત્તે મળેલાં વાત્સલ્યરસથી ભરપૂર પદો આપણે હજી પણ માણ્યાં કરીએ છીએ. માતા બાળક માટે તો સર્વસ્વ છે, પણ બાળક માતા માટે શું છે, તેના વિશે તે કેવુંકેવું વિચારે છે, કેવાકેવા ભાવો તે અનુભવે છે તે બધું માતા જ્યારે બાળકને પારણામાં સુવાડતી હોય છે ત્યારે જે ગીતો ગાઈને તે સુવાડે છે તેમાં વ્યક્ત થાય છે.
હાલરડું' એ શબ્દપ્રયોગ કરીએ કે તરત જ બાળકને ઊંઘાડવાના હેતુથી, પારણું ઝુલાવતાંઝુલાવતાં ગાતી માતાનું ચિત્ર ખડું થઈ જાય છે. અને એ સાથે જ કેટલીક બાબતોનો તેમાં સહજ સમાવેશ થઈ જાય છે. પ્રથમ તો બાળકને ઊંઘાડવાના હેતુથી આ ગવાતું હોવાથી તેને ઊંઘ આવે તેવો લય, એવું મધુર, કોમળ.. મદીલું સંગીતતત્ત્વ તેમાં અનિવાર્ય હોય છે. પછી તેમાં સામાન્ય રીતે બાળકનું, પારણાનું અને તેની બાળરમતોનું ક્રમશઃ વર્ણન આવે છે. હાલરડું માતા જ ગાય એ બાબત. તેમાં ગર્ભિત જ છે. આથી, તે વાત્સલ્યરસથી તરબોળ હોય છે. બાળકના સંબંધને કારણે માતા દ્વારા અનુભવાતાં ધન્યતા, પ્રસન્નતા, ઉલ્લાસ આદિ એમાં વર્ણવેલાં હોય છે. સાથેસાથે બાળકના શણગારાદિનાં અને કૌટુંબિક સંબંધોનાં સ્વભાવોક્તિભયાં મધુર ચિત્રોને અહીં પૂરતો અવકાશ મળે છે. એક અત્યંત મહત્ત્વની વાત આ સ્વરૂપમાં એ છે કે આવાં પદો કે ગીતોમાં હંમેશાં ઉલ્લાસ જ હોય બાળકના ઉત્તમોત્તમ ભાવિની આશા એમાં પ્રગટ થતી હોય છે. હંમેશાં અહી ઊજળો આશાવાદ દૃષ્ટિગોચર થાય છે. ક્યાંય નિરાશા કે હતાશા નથી હોતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org