________________
૧૭૨ D મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય
ક્યોં ન ભયે હમ મૃદંગ ઝાલરિયા, કરત મધુર ધ્વનિ ઘોર, જિનાજી કે આગલ નૃત્ય સુહાવત, પાવત શિવપુર ઠૌર. ૩ શીલ, દાન, તપ વગેરેને પણ કવિએ પોતાનાં ગીતોમાં ગૂંથી લઈ ઔપદેશિક ગીતો રચ્યાં છે. ક્રોધ અને હુંકારનો પરિહાર કરવાનો સંદેશ સમયસુંદર ગીતો દ્વારા આપી જાય છે.
તીર્થકરોની બાળલીલાનાં ગીતોની સંખ્યા અલ્પ છે. તે ગીતોમાં તેમના અંતરભાવોની ભરતી જોવા મળે છે. સિંધી ભાષામાં એમણે કરેલ ‘આદિજિન સ્તવન'ની ‘બાંગા લાટુ ચકરી ચંગી, અજબ ઉસ્તાદા બહિકર રંગીજેવી પંક્તિમાંનો નાદધ્વનિ કર્ણપ્રિય લાગે છે. પરભાષાની રચના હોવા છતાં તેના ભાષામાધુર્યનો આપણે અનુભવ કરી શકીએ છીએ.
સંસ્કૃત ભાષામય સ્તવનો મકબન્ધમાં પણ મળે છે. તેમાં માત્ર શબ્દરમત નથી હોતી, લયનો રણકો પણ સંભળાય છે. પાર્શ્વનાથ યમકબન્ધ સ્તોત્રમ્ તેનું સરસ ઉદાહરણ છે :
પ્રણતમાનવ માનવ-માનવં, ગતપરાભવ-રાભવ-રાભવમ્.
દુરિતવારણ વારણ-વારણ, સુજનતારણ તારણ-તારણમ્. હિયાલીઓમાં સમસ્યાઓ રજૂ થઈ છે.
સમયસુંદર ચિત્રકાવ્ય પણ રચેલ છે. સાહિત્યશાસ્ત્રમાં તેને અધમકાવ્ય માનવામાં આવે છે. છતાં, સંસ્કૃતના ઘણા કવિઓએ ચિત્રકાવ્યોની રચના કરી છે. આવી રચનાઓમાં ભાષાપ્રભુત્વ અને રચનાકૌશલની આવશ્યકતા હોય છે, જે સમયસુંદરમાં જોવા મળે છે.
ગીતરચનાઓમાં કવિની ભાષા સાદી અને સચોટ અભિવ્યક્તિ સાધતી તથા સહજ પ્રાસથી મંડિત હોઈ લોકભોગ્ય બનવાની તેમાં ઘણી ક્ષમતા રહેલી છે. તેમાં પાંડિત્યનો ભાર નથી. કશો શબ્દાડંબર નથી. મધુરલલિત પદાવલિ એમની વિશેષતા છે. એમની ગીતરચનાઓ સ્વાનુભવરસિક હોવા ઉપરાંત સવનુભવરસિક પણ બની રહે છે. એમાં સ્વાભાવિકતાના અંશો સવિશેષ છે. ગીતોમાં કવિહૃદયની ઊર્મિઓ ઘૂંટાઈઘૂંટાઈને આલેખાતી જોવા મળે છે. શબ્દ અને ભાવની ફૂલગૂંથણીમાં મધ્યકાલીન જૈન ગીતકારોમાં સમયસુંદર અદ્વિતીય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org