________________
૧૭૪ | મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય
સ્તવન તથા અનેક ગીતો, સઝાયો, સ્તુતિ, (થોયો) વગેરે રચ્યાં હતાં. તેમાં ઋષભદેવ રાસ', “સ્થૂલિભદ્ર રાસ', “સુમિત્રરાજર્ષિ રાસ', કુમારપાલ રાસ', ભરતબાહુબલી રાસ', “હિતશિક્ષા રાસ', “શ્રેણિક રાસ', “કયવત્રા રાસ', ‘હીરવિજયસૂરિ રાસ', “અભયકુમાર રાસ', “રીહણિયા રાસ' વગેરે મુખ્ય છે. આ રાસાઓ ૨૨૩થી માંડીને ૬૫૦૦ જેટલી ગાથાઓમાં રચાયા છે. નેમિનાથ નવરસો', “નેમિનાથ રાજિમતી સ્તવન’, ‘આદિનાથ વિવાહલો', “બાર આરા સ્તવન', “તીર્થંકર ૨૪નાં કવિત’ એ તેમની નાની પણ નોંધપાત્ર કૃતિઓ છે. સાહિત્યિક વિશિષ્ટતાઓ
ઋષભદાસની ઉપલબ્ધ કૃતિઓનો અભ્યાસ કરતાં જણાય છે કે તેમની ભાષા સરળ, રસાળ અને ભાવવાહી છે. તેમની કાવ્યશક્તિનો ઉત્તમ આવિભધ તેમનાં ગીતોમાં જોઈ શકાય છે. માનવજીવન અને જગત વિશેનું કવિનું જ્ઞાન વિશાળ અને તલસ્પર્શી છે. તેમાં એના પાંડિત્યની સાથે માનવમનનાં ગૂઢાતિગૂઢ રહસ્યોને પામવાની શક્તિનું યથાર્થ દર્શન થાય છે. આ સાહિત્યકૃતિઓમાં વ્યક્ત થતી, ઋષભદાસની કેટલીક વિશિષ્ટતાઓ જોઈએ.
તેમના રાસાઓમાં નગરવિષયક અનેક વર્ણનો મળે છે. ખાસ કરીને ‘હિતશિક્ષા રાસ', “મલ્લિનાથ રાસ', અને “હીરવિજયસૂરિ રાસમાં ખંભાતનું વિસ્તૃત વર્ણન મળે છે. ખંભાત કવિનું વતન હતું. એટલે કેવળ શુષ્ક નગરવર્ણન ન રહેતાં તેમાં ભાવનાનો આછો સ્પર્શ પણ ભળેલો છે. પાટણ, અયોધ્યા વગેરે નગરોનાં વર્ણનો પણ આકર્ષક અને જે-તે નગરોની વિશિષ્ટતાઓને તાદ્રશ કરનારાં છે. નગરોનાં વિસ્તાર, અમાપ સમૃદ્ધિ, વિશાળ મહાલયો, બાગબગીચા અને ધર્મસ્થાનો, નગરનાં સ્ત્રી-પુરુષો – ખાસ કરીને રાજા, રાણી, નગરશેઠ, મંત્રી વગેરેની વિશિષ્ટતાઓ, ધર્મ અને કર્મરત પ્રજાજીવન વગેરેનાં વર્ણનોમાંથી તત્કાલીન જનજીવનની માહિતી મળે છે. ખરેખર તો આદર્શ નગર વિશેની તેમની કલ્પના અભિવ્યક્ત થઈ હોય એમ પણ બન્યું છે. કેટલાંક વર્ણનો રૂઢ અને પરંપરાગત પણ છે. તેમ છતાં આ વર્ણનો નીરસ કે શુષ્ક ન બની જાય તેને માટે પણ કવિ સભાન છે.
પાટણમાં વસતા વિશાળ માનવસમુદાયનું આલેખન કરતાં કવિ એક રમૂજી પ્રસંગ નિરૂપે છે, અને તેના દ્વારા પાટણની વસતી કેટલીબધી ગીચ હતી તેનો પ્રત્યક્ષ ખ્યાલ આપે છે. રાણા નામનો ડાબી આંખે કાણો પરદેશી અને તેની પત્ની નગરના બજારમાં એકબીજાથી છૂટાં પડી જાય છે. પત્ની રાજા પાસે જઈને પોતાનો પતિ ખોવાયો હોવાની ફરિયાદ કરે છે, અને રાજા ડાબી આંખે કાણા અને રાણા નામના માણસોને ભેગા કરે છે એ આખો પ્રસંગ કવિની રમૂજી વૃત્તિ અને હાસ્યરસના નિરૂપણના કવિ કૌશલનો પણ દ્યોતક છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org