________________
૨૬ ] મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય
ધર્માનુયાયીઓ ન જ કરે.
કથાનકોનું મૂળ
જૈન સ્ત્રોતનાં કથાનકોનું મૂળ વૈદિક, બૌદ્ધ કે જૈન પરંપરામાં જોઈ શકાય. ઋષભદેવ, પાર્શ્વનાથ અને મહાવીરસ્વામી આદિ તીર્થંકરોની જીવનવિષયક દંતકથાઓ, શારીરિક અને માનસિક યાતનાઓ, અહિંસા, કવિપાક, સંસારસંબંધોની નશ્વરતા ઇત્યાદિનાં કથાનકો, અગ્રસર ધર્મમુખ્ય સાધુસાધ્વીના જીવનસંદર્ભે પ્રગટેલાં ચરિત અને પ્રબંધો નિઃશંક જૈન ધારાની નિજી મૂડી છે. શેષ કથાનકોનાં મૂળ અન્ય પરંપરામાં જોઈ શકાય. ધર્મના કેટલાક મહત્ત્વના સિદ્ધાંતો પરત્વે બૌદ્ધ અને જૈન સમાન વલણ ધરાવે છે. આથી બન્ને ધર્મના પ્રાણભૂત અંશને સમાન અભિવ્યક્તિ આપતાં બૌદ્ધ ધર્મનાં પ્રચલિત કથાનકોને જૈન પરંપરામાં સ્વાભાવિક સ્થાન મળી ચૂક્યું છે. જાતક અને અવદાનસાહિત્યનાં આવાં કેટલાંક કથાનકો જૈન પરંપરામાં પણ નિરૂપાયાં છે. કેટલાંક કથાનકો બ્રાહ્મણ, બૌદ્ધ અને જૈન એ ત્રણે ધારામાં ભારતીય વાર્તાવિશ્વના સમાન ધનમાંથી પ્રાપ્ત થયેલાં છે. રાસાઓનો પણ મોટો ભાગ લોકપરંપરાની પ્રચલિત કથાઓમાંથી લેવાયો છે. ત્રણે ધારામાં પ્રાપ્ત થતાં હોય એવાં કથાનકોનો તુલનાત્મક અભ્યાસ ભારતીય કથાઓનાં મૂળ ૫૨ વિશેષ પ્રકાશ પાડી શકે છે.
અન્ય ધારાનાં, સવિશેષ તો બ્રાહ્મણધારાનાં કથાનકો, જૈન ધારામાં પ્રવિષ્ટ થયાનાં બે મુખ્ય કારણ સ્પષ્ટ છે. એક તો એ કે બ્રાહ્મણધારાની કેટલીક કથાઓ તો એટલી રસપ્રદ અને લોકહૃદયમાં સ્થાન પામી ચૂકેલી હતી કે કેવળ કથાના આકર્ષક સાધને ધર્મપ્રચાર કરવા ઇચ્છતા યતિઓને સહેજે એ સ્વીકારવી પડે. બીજું એ કે એક પક્ષે તે કથાનાયકો પોતાના ધર્મપંથના હતા એવું પ્રસ્થાપિત કરી ધર્મપંથનું ગૌરવ વધારી શકાય, તો બીજે પક્ષે એ નાયકોના જીવનની ક્ષતિઓ અને ધર્મસિદ્ધાંતની અગ્રાહ્યતા દર્શાવી એ દ્વારા પોતાના ધર્મની મહત્તા પ્રગટ કરી શકાય. વાર્તાના સામર્થ્યપૂર્ણ માધ્યમે ધર્મનો ફેલાવો કરવાનું અને બ્રાહ્મણધારા જેટલી જ વિપુલ અને વૈવિધ્યયુક્ત કથાઓ સર્જવાનું જાણે યતિઓએ બીડું ઝડપ્યું હતું. બ્રાહ્મણધારા ઈશ્વરવાદી અને દેવી-દેવતાઓનો વિપુલ વર્ગ ધરાવતી હોઈ અનેક પ્રકારનાં ચમત્કારપૂર્ણ અદ્ભુતરસિક કથાનકો પીરસી શકી હતી. આ ખોટ પૂરી પાડવા ને બ્રાહ્મણધારાના કથાસાહિત્યની હરોળમાં આવવા, ધર્મ અને ધર્મપ્રવર્તક પ્રત્યેનાં ભક્તિ-શ્રદ્ધા પ્રાપ્ત કરવા પુરાણગ્રન્થ જેવી જ રચનાઓ જૈન ધારામાં પુરાણ અને ચરિતનામાભિધાને, સંસ્કૃતમાં અને સવિશેષ તો અપભ્રંશમાં, અવતાર પામી. લોકશ્રદ્ધા અને આકર્ષણ જન્માવવા સમર્થ હોય તેવી બધી ધાર્મિક અને ધર્મેતર વાર્તાઓ જૈન ધારામાં સ્વીકાર પામી શકી. આ ઘટના ભારતીય કથાસાહિત્યમાં જૈન ધર્મની અવિસ્મરણીય સેવા તરીકે નોંધપાત્ર છે.
જૈન ધારાનાં ચરિય, પ્રબંધ, રાસા વગેરે સંસ્કૃતપરંપરાનાં વીરચરિત, પુરાણ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org