Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
કન્નડ જૈન સાહિત્યનો ઈતિહાસ
બાહુબલી પણ પોતાનું વિજિત સામ્રાજ્ય છોડી વનમાં તપસ્યા માટે ચાલી નીકળ્યા. મુક્તિયાત્રા પર નીકળેલ આ જીવ જન્મજન્માંતરના સંસ્કારથી પરિષ્કૃત થઈને ક્રમેક્રમે પોતાના લક્ષ્ય તરફ અગ્રેસર થાય છે. જીવની આ અલૌકિક યાત્રાનાં સોપાન આ કાવ્ય કે પુરાણમાં સુંદર રીતે વર્ણિત છે. આ રચનામાં કવિએ કાવ્યની સાથે સાથે ધર્મોપદેશ પણ આપ્યો છે. જૈન ધર્મના નિરૂપણમાં આ પુરાણ કાવ્ય સંપૂર્ણ સફળ થયું છે.
૧૬
મહાકવિ પંપની બીજી રચના વિક્રમાર્જુનવિજય' એક લૌકિક મહાકાવ્ય છે. આમાં કવિએ પોતાના આશ્રયદાતા ચાલુક્યનરેશ અરિકેસરીનું ગુણગાન કર્યું છે. અરિકેસરી રાષ્ટ્રકૂટોનો સામંત હતો. તેને સામંત ચૂડામણિ માનવામાં આવતો હતો. અરિકેસરીના સ્નેહની કૃપાથી પંપને વિપુલ વૈભવ, યશ તથા સમ્માન મળ્યું. પુરાણમાં પ્રતિપાદિત કર્ણ-દુર્યોધનની અને ઈતિહાસમાં પ્રતિપાદિત શ્રીહર્ષ-બાણ મિત્રતાનો જે આદર્શ હતો, તે જ પંપ-અરિકેસરીની મિત્રતાનો આદર્શ છે. અરકેસરી ગુણાર્ણવ કહેવાયા તો પંપ ‘કવિતાગુણાર્ણવ’ ઉપાધિથી વિભૂષિત થયા. પંપ કલમ તથા તલવાર બંને ચલાવવામાં નિપુણ હતા. વિક્રમાર્જુન જેવી મહાન કલાકૃતિ સંબંધે વિદ્વાનોનો મત છે કે કવિએ એવી કુશળતાથી કાવ્ય-રચના કરી છે કે આ કાવ્ય કન્નડ સાહિત્યમાં અદ્વિતીય સિદ્ધ થયું. આ પ્રકારનું કાવ્ય રચનાર કવિ વિરલ જ છે. મહાકવિ પંપની આ રચનામાં કથાની રોચકતા તથા વર્ણનની મનોહરતાનો પરિપાક થયો છે. આ કવિના આત્મવિશ્વાસનું ઘોતક છે. રચનાના આરંભે ખૂબ નમ્રતાથી કવિ કહે છે કે હું વ્યાસ મુનીન્દ્ર દ્વારા નિર્મિત વચનામૃતરૂપ અગાધ સમુદ્રને તરવા નીકળ્યો છું. હા, કવિ વ્યાસ હોવાનો મારો કોઈ દાવો નથી. અંતે પંપ વિશ્વાસ કરે છે કે હું અથાગ સાગર તરવામાં ચોક્કસ સફળ થયો છું. એટલા માટે કવિની ઘોષણા છે કે પૂર્વવર્તી સમસ્ત કાવ્ય પોતાના ભારત (વિક્રમાર્જુનવિજય) તથા આદિપુરાણની સામે ફિક્કા છે.
આ મહાકાવ્યનો નાયક અરિકેસરી છે. કવિની માન્યતા છે કે અરિકેસરી મહાભારતના અર્જુન જેવો મહાપ્રતાપી છે અને પૂર્વકાલીન રાજાઓની અપેક્ષાએ તેનામાં કેટલાય અસાધારણ ગુણ રહેલા છે. આથી કવિએ આદિથી અંત સુધી અર્જુન માટે પ્રચિલત બધી ઉપાધિઓનો પ્રયોગ અરિકેસરી માટે કર્યો છે. અભેદરૂપકનો
૧. વિશેષ જિજ્ઞાસુ ‘કવિ પંપ કા વિક્રમાર્જુનવિજય' શીર્ષક મારો લેખ જુએ. જૈન દર્શન વર્ષ ૨,અંક ૧૩, ૧૯૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org