Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
પ્રાસ્તાવિક
-
૨૦૩
મરાઠી જૈન સાહિત્યનું અધ્યયન વર્તમાન શતાબ્દીના પ્રથમ ચરણમાં લગભગ ૨૦ જૂની મરાઠી જૈન રચનાઓ મુદ્રિત થઈ હતી, પરંતુ મરાઠી સાહિત્યના ઈતિહાસકારોનું ધ્યાન તેમની તરફ આકૃષ્ટ ન થયું. પ્રસિદ્ધ ઈતિહાસ ગ્રંથ મહારાષ્ટ્ર સારસ્વત (૧૯૨૪)માં શ્રી વિનાયકરાવ ભાવેએ “મરાઠીમાં જૈન મતનો વિસ્તૃત અનુવાદ થયો હશે” એવી સંભાવના પ્રકટ કરી છે (ચતુર્થ સંસ્કરણ પૃષ્ઠ ૨૩ર), પરંતુ કામરાજકૃત સુદર્શનચરિત્રના નામમાત્ર ઉલ્લેખ (પૃષ્ઠ ૫૮) સિવાય અન્ય કંઈ પણ વિવરણ તેમને પ્રાપ્ત થયું ન હતું. મુંબઈના માસિક વિવિધજ્ઞાનવિસ્તાર (મે ૧૯૨૪)માં શ્રી શેષરાજ પારિસવાડે તાંજોરના ત્રણ હસ્તલિખિત ગ્રંથો – ગુણદાસકૃત શ્રેણિકચરિત્ર, મહીચન્દ્રકૃત આદિપુરાણ તથા દેવેન્દ્રકીર્તિકૃત કાલિકાપુરાણનો પરિચય આપ્યો, પરંતુ તેમને એ જ્ઞાત ન હતું કે આદિપુરાણ અને કાલિકાપુરાણ છપાઈ ચૂક્યા હતા. આદિપુરાણના કર્તાનું નામ તેમણે બ્રહ્મજિનદાસ માની લીધું હતું. સન્ ૧૯૪૬માં ટીકમગઢથી પ્રકાશિત પ્રેમી અભિનંદન ગ્રંથમાં શ્રી રાવજી નેમચંદ શાહે પોતાના એક લેખમાં મરાઠી જૈન સાહિત્યનું વિવરણ આપ્યું છે. તેમાં જૂના સાહિત્યિકોમાં ફક્ત કવીન્દ્રસેવક અને મહતિસાગરનો ઉલ્લેખ માત્ર છે, બાકી બધું વિવરણ આધુનિક મરાઠી લેખકો વિશે છે. જૂના મરાઠી જૈન સાહિત્યનું પ્રથમ વિસ્તૃત વિવરણ અમે સન્મતિ માસિક (બાહુબલી, જિ. કોલ્હાપુર, નવેમ્બર ૧૯૫૫) તથા મહારાષ્ટ્ર સાહિત્ય પત્રિકા સૈમાસિક, પૂના જાન્યુઆરી-ફેબ્રુઆરી-માર્ચ ૧૯૫૬)માં પ્રકાશિત બે લેખોમાં આપ્યું હતું. આમાં ૧૨ કવિઓનું વિવરણ હતું. પાછળના કેટલાક વર્ષોમાં પ્રકાશિત પુસ્તકો અને લેખોથી જ્ઞાત કવિઓની સંખ્યા ૨૦ થઈ ગઈ. સન્ ૧૯૬૧માં કલકત્તાથી પ્રકાશિત ભિક્ષુ સ્મૃતિ ગ્રંથમાં પ્રા. શાંતિકુમાર કિલ્લેદારે પોતાના લેખમાં ૩૨ કવિઓનું વિવરણ આપ્યું છે.
તદનંતર પ્રા. સુભાષચન્દ્ર અક્કોલેએ આ જ વિષય પર પીએચ.ડી. ઉપાધિ માટે પ્રબંધ લખ્યો જે પૂના વિશ્વવિદ્યાલય દ્વારા સન્ ૧૯૬૪માં સ્વીકૃત થયો તથા સુવિચાર પ્રકાશન મંડલ, નાગપુર-પૂના દ્વારા સન્ ૧૯૬૮માં પ્રકાશિત થયો. આમાં પ૪ કવિઓની રચનાઓનું વિવેચન થયું છે. પ્રસ્તુત પ્રકરણમાં અમે ઉક્ત પ્રબંધના પ્રકાશન પછી જ્ઞાત થયેલ આઠ કવિઓનો પરિચય પણ સામેલ કર્યો છે તથા પૂર્વજ્ઞાત કવિઓની કેટલીક નવી રચનાઓનો પરિચય પણ આપ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org