Book Title: Kannad Tamil ane Marati Jain Sahitya Jain History Series 7
Author(s): K Bhujbali Shastri, T P Minakshi, Sundaram Pille, Vidyadhar Johrapurkar
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૧૫૮
તામિલ જૈન સાહિત્યનો ઈતિહાસ
ચન્દ્ર મુનિ પાસે પહોંચી. તેઓ તપસ્યામાં લીન હતા. બંને સ્ત્રીઓએ મુનિને વિચલિત કરવાના કેટલાય પ્રયત્ન કર્યા; પરંતુ મુનિને તેઓ ડગાવી ન શકી. નીલી વિદુષી હતી અને મુનિવરની અચંચલ નિષ્ઠા જોઈ પોતાનો પરાજય સ્વીકારી લઈ તત્કાલ જ તેમની શિષ્યા બની, તેમની પાસેથી ધર્મોપદેશ સાંભળવાનો સુયોગ પણ પ્રાપ્ત કર્યો. ક્રમશઃ અહિંસાધર્મ પર તેની આસ્થા દૃઢતર થતી ગઈ. જૈન ધર્મની પારંગત વિદુષી રૂપે તેનું નામ સર્વત્ર વિખ્યાત થઈ ગયું. નીલી “નીલકેશી'ના નામથી ઘૂમી-ઘૂમીને અહિંસા ધર્મનો પ્રચાર તથા પ્રભાવના કરવા લાગી. આ જ ધર્મયાત્રામાં પ્રસિદ્ધ બૌદ્ધ ભિક્ષુણી કુંડલકેશીને નીલકેશીએ વાદવિવાદમાં પરાજિત કરી. પછી અર્ધચન્દ્ર, મોગ્યલાયન વગેરે બૌદ્ધાચાર્યોને પરાસ્ત કર્યા. પછી આજીવક, સાંખ્ય, ભેદવાદી અને લોકાયતવાદી સાથે પણ શાસ્ત્રાર્થ કરી વિજયી થઈ. બધા પરાજિત મતવાદીઓને પોતાના બુદ્ધિબળથી જૈનધર્માવલંબી બનાવી દીધા. આવી અપ્રતિહત પ્રતિભા તથા વાદકુશળતા સમ્પન્ન નીલકેશીને રાજાએ પ્રધાન ધર્મ સંસ્થાપિકા રૂપે ઘોષિત કરી અને તેનો બધી જગ્યાએ સમાદર કરાવવાની ઘોષણા કરાવી. આ શુભ પ્રસંગ સાથે આ કથા સમાપ્ત થાય છે. નીલકેશીના વ્યાખ્યાકાર
આ ગ્રંથની મહત્તા તેની પાંડિત્યપૂર્ણ વ્યાખ્યાથી જ પ્રકટ છે. વ્યાખ્યાકારનું નામ છે સમયદિવાકર વામન મુનિવર. તેઓ જ મેરુમંથર પુરાણ (પ્રસિદ્ધ તામિલ જૈન ગ્રંથ)ના રચયિતા છે. તેઓ મલ્લિસેનાચારિયર નામથી પ્રસિદ્ધ હતા. તેમના શિષ્ય પુષ્પસેનાચાર્ય હતા, જે વિજયનગરના રાજા હરિહરના મંત્રી હિરુકપ્પના ગુરુ હતા. તેમનો સમય ચૌદમી સદી છે. બતાવવામાં આવે છે કે વામન મુનિ “તિરુપત્તિ કુન્ડમાં રહેતા હતા. નીલકેશીનો રચનાકાળ
પ્રસિદ્ધ તામિલ છંદશાસ્ત્ર “યાખેરુંગલવૃત્તિની વ્યાખ્યામાં “નીલકેશી'ની ચર્ચા છે જે દસમી સદીની રચના છે. આથી એ નિશ્ચિત છે કે તેની પહેલાં જ આ કાવ્યનું પ્રણયન થઈ ચૂક્યું હતું. આ ગ્રંથમાં અર્વાચીન મત, અદ્વૈત વેદાન્ત મતનો ઉલ્લેખ નથી મળતો. શૈવસંત ગ્રંથ “તેવારમ્'માં આજીવક મતનો ઉલ્લેખ નથી, પરંતુ “નીલકેશી'માં છે. આથી આ “તેવારમ”ની પહેલાંની રચના છે. “તેવ'ના નામથી પ્રસિદ્ધ તિરુવલ્લુવરના એક શિષ્ય જ આ “નીલકેશી” ગ્રંથની રચના કરી હતી. તામિલના પ્રસિદ્ધ જૈન વિદ્વાન શ્રી એ. ચક્રવર્તી નાયિનાર આ નિર્ણય પર પહોંચ્યા છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org