________________
જૈન શાસનના ચમકતા હીરાઓ C ૬
અઈમુત્તા મુનિ
૪.
રાજગૃહી નગરીમાં ગૌતમ સ્વામી ગોચરીએ નીકળ્યા છે. ત્યાં રમત રમતા અઈમુત્તા બાળકે આ મુનિને જોયા અને બાળ ભાવે મુનિને પૂછે છે, કે આવા ભર બપોરે ઉઘાડા પગે કેમ ભમો છો ? ગૌતમ સ્વામી રાજકુમાર અઈમુત્તાને સમજાવે છે, કે અમો શુદ્ધ દૂષણ વગરની ભિક્ષા ઘરેઘરેથી લઈએ છીએ. અમારા આચાર પ્રમાણે - પગે જોડા પહેરતા નથી અને ગાડી વગેરેમાં બેસી ક્યાંય જતા આવતા નથી
આ સાંભળી અઈમુત્તાએ પોતાના મહેલે મુનિને ભિક્ષા માટે આવવા વિનંતી કરી. બાળકની ભાવના જોઈ ગૌતમ સ્વામી બાળકના મહેલે ગયા અને બાળકની માતાએ ગુરુને વાંદીને ભાવથી મોદક વહોરાવ્યા અને અઈમુત્તાને સમજાવ્યું કે, આપણે ઘણાં ભાગ્યશાળી છીએ કે શ્રી મહાવીર પ્રભુના પહેલા ગણધર ગૌતમ સ્વામી પોતે પધાર્યા છે.
વહોરીને ગૌતમ સ્વામી મહેલ બહાર નીકળ્યા ત્યારે અઈમુત્તા વળાવવા સાથે આવ્યો અને સહજ બાળ ભાવે ગુરુજીને કહે કે, લાવો, આ ભોજનનો ઘણો ભાર છે,લાવો હું ઉપાડું. શ્રી ગૌતમ સ્વામી કહે કે, ના ના, એ બીજા કોઈને ન અપાય. એ તો અમારા જેવા ચારિત્ર પાળતા સાધુ જ ઉપાડી શકે. આ સાંભળી અઈમુત્તાએ સાધુ થવાની હઠ લીધી. ગૌતમ સ્વામીએ કહ્યું કે, અમો તારાં માબાપની રજા સિવાય સાધુ ન બનાવીએ. એટલે અઇમુત્તાએ ઘરે જઈ માતાજીને સમજાવી. માતાજીએ સાધુ થાય તો શું શું કરવું પડે એ સમજાવ્યું, પણ અઈમુત્તાએ એ બધું હું કરીશ. એમ સમજાવી માતા પાસે યેનકેન પ્રકારે રજા લીધી અને ગૌતમ સ્વામી સાથે સમવસરણ આવી પ્રભુ મહાવીર પાસે દીક્ષા લીધી.
ગૌતમ સ્વામીએ અઈમુત્તા મુનિને એક વૃદ્ધ સાધુને સોંપ્યા. વૃદ્ધ મુનિ સ્થંડીલ માટે વનમાં જતા હતા, તેમની સાથે અઈમુત્તા ગયા. રસ્તામાં એક નાનું શું સરોવર હતું ત્યાં બાળ ભાવે અઈમુત્તાજીએ નાનું પાવું (પાતરી)ની હોડી બનાવી, તરવા મૂકી. આ જોઈ વૃદ્ધ મુનિએ અઈમુત્તાને સમજાવ્યું કે, આપણે મુનિગણ આવો અધર્મ ન કરી શકીએ. આ પાણીની અંદર આવી રમતો કરીએ તો છકાય જીવની વિરાધના થાય અને એના ફળ રૂપી આપણો જીવ દુર્ગતિમાં જાય. બાળક મુનિ અઈમુત્તાને આથી ઘણી લાજ આવી, ઘણો પસ્તાવો થયો. સમોસરણમાં આવી, ઇરિયા વહી, પડિક્કમતા શુક્લધ્યાનમાં ચડી ગયા. શુદ્ધ ભાવથી કરેલ પાપનો પસ્તાવો કરતાં કરતાં કેળળ જ્ઞાન પામ્યા.