________________
જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૫
અનાથી મુનિ
એક મુનિ, અનાથી જેમનું નામ. વનમાં એક પ્રડ નીચે ધ્યાનસ્થ ઊભા છે. ત્યાં મગધરાજ શ્રેણિક પોતાના રસાલા સાથે ક્રિીડા કરવા આવે છે અને આ મુનિને જોતાં અચંબો પામે છે. મુનિની કંચન વર્ણી કાયા, રૂપાળું મુખ અને ગુણવંતી તરુણ અવસ્થા જોઈ મુનિને પૂછે છે, "અરે મુનિ, કેમ આ વેશ લીધો છે! આ યૌવન વયને કેમ વૈરાગ્યમય બનાવ્યો. આ વયે ધન ને યૌવનને કેમ ભોગવતા નથી - અવસર આવે ભલે વૈરાગી પણ આ વયે કુટુંબ, ધન, યૌવન કેમ છોડ્યું?" | મુનિ કહે છે : રાજન ! હું અનાથ છું. અનાથ હોવાથી સંસાર છોડ્યો છે. એટલે શ્રેણિક રાજા કહે છે. હું તમારો નાથ થાઉં. જે જોઈએ તે આપીશ - ચાલો મારી સાથે મારા રાજ્યમાં. | મુનિ કહે છે, અરે ભાઈ, તું પણ અનાથ છે. તું ક્યાંથી મારો નાથ થઈશ. જો સાંભળ, મારા ઘરે ઈંદ્રાણી જેવી સુશીલ ગુણની ભરેલી મારી સ્ત્રી હતી - મારે મા, બાપ, કાકા, કાકી, મામા, માસી, બેન, ભાણેજ હતા, - બધી સાહ્યબી મારે હતી - બધી જાતના ભોગ હું ભોગવતો હતો. પણ એક દિવસ મને રોગે ઘેરો ઘાલ્યો. ન સહન થાય એવું દુ:ખ અને વેદના થતી હતી. વૈદ્યોએ દવા આપી, મંત્ર-યંત્ર કીધા, પણ કોઈ રીતે દુ:ખ ઓછું ન થયું, મારા સગાં – મા-બાપ, મારી સ્ત્રી કોઈ મારું દુ:ખ લેવા તૈયાર ન થયું. દુઃખ હું જ ભોગવતો રહ્યો. કોઈ સહાય કામ ન આવી. આવા અતિ દુઃખના સમયમાં વિચાર્યું કે, મારું કોઈ નથી હું એકલો જ છું. આ દુ:ખમાંથી છૂટી જાઉં તો તરત સંયમ લઈ લઉં. આવો નિશ્ચય મનમાં કર્યો. ધીરે ધીરે વેદના ઘટતી ગઈ. સવાર સુધીમાં તો બધી વેદના ભાગી ગઈ અને હું મારા નિશ્ચય પ્રમાણે ઘરેથી નીકળી, સંયમ લઈ લીધો. હે રાજન ! મને પાકું સમજાયું કે હું અનાથ જ હતો. હવે હું સનાથ છું. શ્રેણિક મહારાજા આ સાંભળી બોધ પામ્યા અને કબૂલ કર્યું કે, ખરેખર તમારું કહેવું સારું છે. હું પણ અનાથ જ છું. ક્યાંથી તમારો નાથ થાઉં? મુનિની પ્રશંસા કરી, તેમને શીશ નમાવી, વિંદના કરી, પોતાના મહેલે આવ્યા - મુનિ ચારિત્ર પાળી શિવપુરી પહોંચ્યા.