________________
જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૩
અરણિક મુનિ
અરણિક ભદ્રા માતા અને દત્ત પિતાનો એકનો એક દીકરો.
માતા અને પિતા ઘણા વખતથી દીક્ષાના ભાવ સેવે છે. પણ નાના અરણિકને કોણ સંભાળે. પણ એક દિવસ ભગવાનની વાણી સાંભળી, ત્વરીત નિર્ણય લીધો. માતા-પિતા બન્નેએ દીક્ષા લીધી અને બાપા મુનિએ અરણિકને પણ દીક્ષા આપી. બાળ મુનિ વિદ્યાભ્યાસ કરે છે, પણ તેમનું વ્યાવહારિક બધું કામ બાપા મુનિ જ કરે છે. સંથારો પાથરવાનું કે ગોચરી વ્હોરી લાવી વહાલથી જમાડવાનું વગેરે બાપા મુનિ બાળ મુનિનું મોહવશ બધું કામ કર્યું જાય છે. સાથેના મુનિઓ મહારાજને ઘણું સમજાવે છે કે આસ્તે આસ્તે બાળ મુનિને તેનાં કામ કરવા દો. પણ મોહવશ મુનિ જીવ્યા ત્યાં સુધી અરણિક મુનિને કોઈ વ્યાવહારિક કામ ન કરવા દીધું. કાળે કરી બાપા મુનિનો સ્વર્ગવાસ થયો.
હવે તો અરણિક મુનિને ભિક્ષા વગેરે લાવવાં, બીજા મુનિઓએ સાથે લેવા નક્કી કર્યું અને એક દિવસ ગોચરી વ્હોરી લાવવા ભર બપોરે બીજા મુનિ સાથે તેઓ નીકળ્યા.
- ઉનાળાનો દિવસ. તડકો ધોમ ધખે. ઉઘાડા પગે ચાલતાં અરણિક મુનિના પગ બળવા લાગ્યા. જરાક વિસામા માટે એક ગોખ નીચે છાંયો જોઈ ઊભા રહ્યા. ત્યાં સામે એક ગોખમાં ઊભેલી શ્રીમંત માનુનીએ આ મુનિને જોયા. સોહામણી અને મસ્ત કાયા જોઈ માનુની તો મોહી ગઈ. ઘસીને બોલાવી સામે ઊભેલા મુનિને ઉપર લઈ આવવા કહ્યું. મુનિ આવ્યા - થાકેલ હતા. ધોમ તડકે તપેલા હતા અને આવો સંયમ ભાર નહિ ખેંચી શકાય એમ મનથી વિચારતા હતા ત્યાં આવી રાહત મળી. સ્ત્રીએ સુંદર મોદકનું ભોજન કરાવ્યું અને આ આવાસમાં જ રહી જવા, બધા ભોગો ભોગવવા મુનિને લલચાવ્યા. મુનિ પીગળી ગયા. મોહમાં ફસાઈ ગયા અને દીક્ષાનું મહાવત ત્યાગી સંસારી બની ગયા. .
સુંદર ખાણી - પીણી અને સુંદરી સાથેનો સંસાર ભોગવતાં ભોગવતાં ઘણા દિવસ પસાર થયા.