________________
૧૬ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ : ૧
આપતા. રાષ્ટ્રકૂટ રાજ્યમાં દખ્ખણના બ્રાહ્મણો ગુજરાતમાં આવી વસવા લાગ્યા. બૌદ્ધ ધર્મ ભારતના બીજા ઘણા પ્રદેશોની જેમ આ પ્રદેશમાં પણ હવે લગભગ લુપ્ત થઈ ગયો, જ્યારે જૈન ધર્મનો અભ્યદય થયો. ગુજરાતના પ્રદેશમાં હવે અરબો તથા અન્ય મુસ્લિમો વસવા લાગ્યા ને મસ્જિદો બંધાવવા લાગ્યા. દસમી સદીના આરંભમાં અરબોના અત્યાચારને લઈ ઈરાનના કેટલાક જરથોસ્તી ધર્મના જતન માટે વતન તજી સૌરાષ્ટ્રમાં આવ્યા ને દીવમાં ૧૯ વર્ષ રહી ઈ. ૯૩૬માં સંજાણમાં જઈ વસ્યા. પારસી તરીકે ઓળખાતી આ પ્રજા આગળ જતાં દક્ષિણ ગુજરાતમાં સ્થિર થઈ ને ગુજરાતી પ્રજા સાથે દૂધમાં સાકરની જેમ ભળી ગઈ.
આ કાળ દરમ્યાન સંસ્કૃત સાહિત્યમાં લાટ દેશની વિશિષ્ટ રીતિ ઘડાઈ. જે લાટી રીતિ' તરીકે ઓળખાઈ. અનુપ્રાસ અલંકારના પ્રકારોમાં લાટાનુપ્રાસ પ્રચલિત થયો. કનોજના પ્રસિદ્ધ કવિ રાજશેખરે પોતાની નાટિકાઓમાં નાયિકા તરીકે લાટદેશની રાજકન્યાઓ પસંદ કરી છે ને “કાવ્યમીમાંસામાં જણાવ્યું છે કે સુરાષ્ટ્રના લોકો અપભ્રંશયુક્ત વચનો બોલે છે, જ્યારે લાટદેશના લોકો સંસ્કૃત તજી પ્રાકૃત વિશે રુચિ ધરાવે છે. આ કાળ દરમ્યાન હવે સંસ્કૃત તથા પ્રાકૃતની જેમ અપભ્રંશ ભાષામાં પણ સાહિત્ય સર્જાતું હતું.
બખભટ્ટિસૂરિ મોઢેરાથી કનોજ ગયા ને ગુરુબંધુ રાજા આમ ઉર્ફે નાગાવલોક(લગભગ ઈ. ૭૫૨-૮૩૪)નો સમાદર પામ્યા. એમણે અનેક સ્તોત્ર આદિ કૃતિઓ રચેલી. આ કાળ દરમ્યાન ગુજરાતમાં જૈન આગમગ્રંથો પર સંસ્કૃત ટીકા લખાવા લાગી. શીલાચાર્યે લખેલી “આચારાંગસૂત્ર” તથા “સૂત્રકૃતાંગસૂત્ર' પરની ટીકાઓ ઉપલબ્ધ છે. વિશેષાવશ્યકભાષ્ય' પર વૃત્તિ લખનાર કોટ્યાચાર્ય અને આ શીલાચાર્ય એક ગણાય છે. વનરાજના પ્રતિબોધક શીલગુણસૂરિ પણ આ હોવા સંભવે છે, પરંતુ પ્રાકૃતમાં “ચઉપમહાપુરિસચરિય' રચનાર શીલાંકાચાર્ય આ લાચાર્યથી ભિન્ન હોવાનું જણાય છે. આ ચરિતગ્રંથમાં ૨૪ તીર્થકરો, ૧૨ ચક્રવર્તીઓ, ૯ વાસુદેવો અને ૯ પ્રતિવાસુદેવો મળી કુલ ૫૪ મહાપુરુષોનું ચરિત નિરૂપવામાં આવ્યું છે. આ કાળની એક બીજી પ્રસિદ્ધ કૃતિ છે “ઉપમિતિભવપ્રપંચકથા', જે ભારતીય સાહિત્યમાં પ્રાચીન રૂપકગ્રંથ તરીકે જાણીતી છે. એના કર્તા સિદ્ધર્ષિ લાટ દેશના સૂરાચાર્યની શિષ્ય પરંપરામાં થયા. આ કૃતિ ભિલ્લમાલમાં ઈ. ૯૦૬માં રચાઈ. એની રચના સંસ્કૃત ભાષામાં કરેલી છે ને એમાં વિવિધ ભાવોને પાત્રરૂપે રજૂ કરીને રસ પડે તેવી રીતે ઉપદેશ આપવામાં આવ્યો છે ને ઉપમિતિ(રૂપક) દ્વારા ભવ(સંસાર)નો પ્રપંચ દર્શાવ્યો છે. પુનાટ સંઘના આચાર્ય હરિષણે વઢવાણમાં ઈ. ૯૩રમાં સંસ્કૃતમાં બૃહત્કથાકોશ' નામે મોટો કથાસંગ્રહ લખ્યો. “ભગવતી આરાધના' પરથી લખાયેલા આ ગ્રંથમાં જૈન ધર્મની પ્રભાવના દર્શાવતી ૧૫૭ ધર્મકથા આપવામાં આવી છે.