________________
૨૫૦ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૧
કથાઓની સંખ્યા અલ્પ છે. એનો અર્થ એટલો જ છે કે આ પ્રકારની કથાઓ પણ રચાઈ હશે, પણ એ પૂરતા પ્રમાણમાં આજ સુધી સચવાઈ નથી. હેમચંદ્રકૃત ‘સિદ્ધહેમ’ વ્યાકરણના આઠમા અધ્યાયના અપભ્રંશ ભાગમાં કર્તાએ પોતાના સમયના તેમ એ પૂર્વેના લોકસાહિત્ય તેમજ શિષ્ટસાહિત્યમાંથી અને પ્રચલિત સુભાષિતોમાંથી અનેક અવતરણ ટાંક્યાં છે, એમાંથી નીચેનાં બે જુઓ :
રક્ષઇ સાવિસ-હારિણી બેકર ચુંબિતિ જીઉ, પડિબિંબિઅ-મુંજા જવુ જેહિં અડોહિઉ પીઉ. બાહ વિછોડવિ જાહિ તુહું હઉં તેĞઇ કો દોસુ, હિઅય-દ્વિ
જઈ નીસરહિ જાણ મુંજ સરોસુ. સૂત્ર ૪૩૯)
આ દુહા કોઈ કથા-કાવ્યમાંથી ઉદ્ધૃત કરવામાં આવ્યા છે એ સ્પષ્ટ છે. એમાં નાયક મુંજ છે. માળવાનો પ્રસિદ્ધ વિદ્યાવિલાસી રાજા મુંજ તે જ આ હોય એ અસંભવિત નથી. હેમચંદ્રના લઘુવયસ્ક સમકાલીન સોમપ્રભસૂરિએ પ્રાકૃતમાં રચેલ ‘કુમારપાલપ્રતિબોધ’ (ઈ.૧૧૮૫)માં કેટલોક ભાગ અપભ્રંશમાં છે અને એમાં કેટલીક લૌકિક કથાઓ છે. મેરૂતુંગાચાર્યકૃત ‘પ્રબન્ધચિન્તામણિ’(ઈ.૧૩૦૫), રાજશેખરસૂરિકૃત ‘પ્રબન્ધકોશ’ (ઈ.૧૩૪૯) આદિ અનેક પ્રબંધોમાં સંસ્કૃત વૃત્તાન્તકથનની વચ્ચેવચ્ચે ઉત્તરકાલીન અપભ્રંશ કે જૂની ગુજરાતીમાં અનેક દુહાઓ વેરાયેલા છે તે પણ વિવિધ લૌકિક કથાઓ, ગીતકથાઓ કે કથાકાવ્યોનો પ્રચાર સિદ્ધ કરે છે. એ ઉપરથી એ પણ પુરવાર થાય છે કે બારમી, તેરમી અને ચૌદમી સદીમાં આ પ્રદેશની ભાષાનું સાહિત્ય સુવિકસિત હતું અને અનેક લોકપ્રસિદ્ધ પાત્રોને લગતાં કથાનકો, વાર્તાઓ અને દુહા સમાજમાં પ્રચલિત હતા.
આ કાળખંડમાં રચાયેલી સળંગ લૌકિક કથાઓ અલ્પ પ્રમાણમાં બચી છે, પણ એના વિકસિત સાહિત્યસ્વરૂપ ઉપરથી સ્પષ્ટ છે કે પ્રાકૃત અને અપભ્રંશની આ પ્રકારની સાહિત્યપરંપરાનો પૂરો લાભ આ કૃતિઓને મળ્યો છે. અર્થાત્ આ સાહિત્યસ્વરૂપ ઉપલબ્ધ કૃતિઓની રચના પૂર્વે લાંબા સમયથી ખેડાતું હોવું જોઈએ.
જૈન કવિ વિજ્યભદ્રે રચેલી હંસરાજ-વચ્છરાજ ચોપાઈ’ (ઈ.૧૩૫૫) સળંગરૂપે ઉપલબ્ધ સૌથી જૂની લૌકિક કથા છે, પણ એ હજુ અપ્રગટ હોઈ એની સમાલોચના શક્ય નથી. એ પછી ટૂંક સમયમાં રચાયેલી અસાઈતકૃત ‘હંસાઉલિ'(ઈ.૧૩૭૧)નું કથાવસ્તુ વિજ્યભદ્રની કૃતિથી અભિન્ન હોય એવું અનુમાન થાય છે. પ્રચલિત અનુશ્રુતિ પ્રમાણે, અસાઈતનું મૂળ વતન સિદ્ધપુર હતું અને એના પિતાનું નામ રાજારામ ઠાકર હતું. એ યજુર્વેદી ભારદ્વાજ ગોત્રનો ઔદીચ્ય બ્રાહ્મણ હતો. પાસેના ઊંઝા ગામનો હેમાળા નામે પાટીદાર અસાઈતના શિષ્ય જેવો હતો. એની ખૂબસૂરત પુત્રી ગંગાને એક મુસ્લિમ સરદાર પાસેથી બચાવવાના પ્રયત્નમાં એ પોતાની પુત્રી છે એમ પુરવાર