________________
લૌકિક કથા આદિ ૨૬૯
અનેક સંક્ષિપ્ત કાવ્યરચનાઓ મળે છે. ગુજરાતી રચનાઓમાં અનુક્રમે ૫૮ અને ૪૯ કડીઓના બે નેમિનાથ ફાગુ' આપણા જૂના સાહિત્યમાં ફાગુરચનાની બે છંદ:પરિપાટીઓનું સુન્દર પ્રતિનિધિત્વ રજૂ કરે છે. ગુજરાતી ગદ્યકાવ્ય “પૃથ્વીચન્દ્રચરિત'ના કર્તા માણિક્યસુન્દરે આ જયશેખરસૂરિ પાસે વિદ્યાભ્યાસ કર્યો હતો એમ એમણે પોતે જ એક સ્થળે કહ્યું છે.
આ ત્રિભુવનદીપકપ્રબન્ધને એમાંના અધ્યાત્મોપદેશને કારણે કેટલીક હસ્તપ્રતોમાં પરમહંસપ્રબન્ધ' કે “હંસવિચારપ્રબન્ધ' એવું નામ આપવામાં આવ્યું છે. ‘હંસવિચાર' નામ માટે કર્તાને પોતાને પણ અભિમાન છે, કારણ કે કાવ્યના આરંભમાં ૮મી કડીમાં એમણે કહ્યું છે કે :
પુણ્ય-પાપ બે ભઈ ટલઇ દીસઈ મુકુખ-દુલારુ,
સાવધાન તે સંભલઉં, હરષિઈ હંસ વિચારુ. ૪૩૨ કડીનું આ ઠીકઠીક લાંબુ કાવ્ય છે. રૂપકગ્રંથિની મર્યાદામાં રહીને આવી સુદીર્ઘ રચના કરવા છતાં કાવ્યરસ અખ્ખલિત વહ્યો જાય છે. એમાં કર્તાની સંવિધાનશક્તિનો, ભાષાપ્રભુત્વનો તથા એની કવિપ્રતિભાનો વિજય છે. કાવ્યનો છંદોબંધ દુહા, ચોપાઈ, વસ્તુ, છપ્પય આદિ માત્રામેળ છંદોમાં તથા ગીતોમાં થયેલો છે. “કાવ્ય'નામે ઓળખાતા અશુદ્ધ ભુજંગીનો પણ કોઈ ઠેકાણે પ્રયોગ છે. અક્ષરના, રૂપના, માત્રાના અને લયના બંધનથી મુક્ત, છતાં એમાં લેવાતી છૂટ ભોગવતું પ્રાસયુક્ત ગદ્ય - જે “બોલી' નામે ઓળખાય છે તે – પણ એમાં પ્રસંગોપાત્ત આવે છે. આ રૂપકગ્રંથિનું વસ્તુ સંક્ષેપમાં જોઈએ :
પ્રારંભમાં પરમેશ્વર અને સરસ્વતીને પ્રણામ કરીને કવિ કહે છે કે ત્રણે ભુવનમાં જેનું તેજ પ્રસર્યું હતું તે પરમહંસ નામે રાજા હતો. એ બુદ્ધિમહોદધિ, બલવાન, અકલ, અજેય, અનાદિ અને અનંત હતો. એ પરમહંસ રાજાને ચેતના નામે ચતુર રાણી હતી, અને બંને વચ્ચે ગાઢ પ્રેમ હતો. એકવાર માયા નામે નવયૌવનાને રાજાએ જોઈ, અને એમાં એ લુબ્ધ થયો. ચેતના અદશ્ય થઈ ગઈ. વિશ્વનું રાજ્ય છોડી પરમહંસે કાયાનગરી વસાવી, અને મન નામે અમાત્યને વહીવટ સોંપી દીધો. માયા અને મન બંનેએ એક થઈ પરમહંસને કેદ કર્યો, અને મન રાજા થયો.
આ મન રાજાને બે રાણીઓ હતી : પ્રવૃત્તિ અને નિવૃત્તિ. એમાંથી પ્રવૃત્તિનો પુત્ર મોહ અને નિવૃત્તિનો પુત્ર વિવેક નામે હતો. મન રાજાએ મોહને રાજ્ય આપ્યું. પ્રવૃત્તિની ભંભેરણીથી મન રાજાએ નિવૃત્તિ અને એના પુત્ર વિવેકને દેશવટો દીધો, એટલે એ બંને પ્રવચનપુરી પાસેના આત્મારામ વનમાં વિમલબોધ નામે કુલપતિ પાસે આવ્યાં. કુલપતિએ પોતાની પુત્રી વિવેકને પરણાવી અને પ્રવચનપુરીના અરિહંત રાજા પાસે લઈ ગયા. અરિહંત રાજાએ વિવેકને પુણ્યરંગ પાટણનો રાજા બનાવ્યો.