________________
૨૬૨ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૧
જ્યસિંહદેવ રાજા તળાવ ખોદાવતો હતો તેમાંથી પ્રાચીન લિપિમાં લખાયેલો લેખ મળ્યો હતો તે કોઈ વાંચી શકતું નહોતું, એ વિદ્યાવિલાસે વાંચ્યો, અને અગાઉના ભીમ રાજાએ દાટેલી સુવર્ણની અગિયાર કોટિ એને આધારે રાજાએ મેળવી. પ્રસન્ન થયેલા રાજાએ વિદ્યાવિલાસને પ્રધાન બનાવ્યો. સખીએ આવીને સૌભાગ્યસુંદરી આગળ વિદ્યાવિલાસની પ્રશંસા કરી, પણ સૌભાગ્યસુંદરી તો એની અવગણના જ કરતી.
એક વાર રાજાએ વિદ્યાવિલાસનું ઘરસૂત્ર જોવા માટે કહ્યું : ‘કાલે તમારે ત્યાં અમે જમવા આવીશું.’ વિદ્યાવિલાસને ચિંતાતુર જોઈ, બધી વાતનો ભેદ મેળવી સખીએ પોતાની સ્વામિની આગળ વાત કરી ત્યારે એ બોલી કે મારા સરખી સોળ નારીને શણગારીને લાવો તો રાજાને હું ઉમંગપૂર્વક જમાડું.' વિદ્યાવિલાસે કહ્યું કે “બાકી સર્વ વાત સોહ્યલી છે, એક માત્ર તારી સ્વામિની સોહ્યલી નથી.' પછી રાજા ભોજન કરવા આવ્યો ત્યારે સોળ સુન્દરીઓ સાથે સત્તરમી સૌભાગ્યસુંદરીએ રાજાનો સત્કાર કર્યો અને ભાતભાતનાં ભોજન પીરસ્યાં. પણ એમાંથી પ્રધાનપત્ની કોણ એ રાજા કળી શક્યો નહિ. આ ચતુરાઈથી મનમાં એ હસ્યો. બીજી એક યુક્તિ વિચારી એણે પ્રધાનને કહ્યું : “આપણા નગરમાં દેવીની જાતર દર વર્ષે થાય છે, એમાં પુરુષ મૃદંગ વગાડે છે અને સ્ત્રી નૃત્ય કરે છે. એ માન ઓણ સાલ તમને ઘટે છે.' રાજાનો આ આદેશ સાંભળીને વિદ્યાવિલાસ ઉદાસ થઈને ઘેર આવ્યો. સૌભાગ્યસુંદરીને તો વિદ્યાવિલાસ પ્રત્યે હજી તિરસ્કાર હતો, પણ સખીએ એને જેમ તેમ કરી સમજાવી. જાતરના દિવસે બધાં દેવીના મંદિરે આવ્યાં અને વિદ્યાવિલાસે મૃદંગવાદન શરૂ કર્યું તે સાંભળીને સૌભાગ્યસુન્દરીને સમજાયું કે આ પણ સાચો કલાકોવિદ છે. એણે પોતાની જાતને ધન્ય માની ઉલ્લાસપૂર્વક નૃત્ય કર્યું અને રાજા તથા સર્વ લોક પ્રસન્ન થયા.
ઉત્સવ પૂરો કરી ઘે૨ જતાં સૌભાગ્યસુન્દરીને યાદ આવ્યું કે પોતાની રત્નજડિત વીંટી નૃત્ય કરતાં દેવળમાં પડી ગઈ હતી. વિદ્યાવિલાસ એ લેવા ગયો. વીંટી લઈને પાછો વળ્યો ત્યારે નગરના દરવાજા બંધ થઈ ગયા હોઈ ગઢની મોટી ખાળમાં થઈ એ અંદર પ્રવેશ્યો. એ સમયે એને સર્પ ડસ્યો અને ઘેર આવતાં સુરસેના ગણિકાના આંગણામાં એ બેભાન થઈને પડ્યો. ગણિકાએ એને ઘરમાં લાવી મણિજલ પાઈને સચેત કર્યો, પણ પોતાને ઘેર જ રહેવા એને આગ્રહ કર્યો. ગણિકા એને પગે મંત્રેલો દોરો બાંધે એટલે એ પોપટ થઈ જાય અને છોડે એટલે પુરુષ બને. એમ સમય વીતવા લાગ્યો. આ બાજુ, વિદ્યાવિલાસ પાછો નહિ આવવાથી, સૌભાગ્યસુન્દરી ચિંતાતુર થઈ શોકમાં સમય ગાળવા લાગી. રાજાએ પડો ફેરવ્યો કે મહેતાનો પત્તો જે મેળવશે તેને મારી પુત્રી ગુણસુન્દરી પરણાવીશ અને અર્ધું રાજ્ય આપીશ.' પોપટરૂપે રહેલો વિદ્યાવિલાસ એક વાર પાંજરું ઉઘાડું હતું ત્યારે રાજકુમારીને