________________
૨૫૨ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ : ૧
કે પંખિણીનો પતિ નાસી ગયો નહોતો, પણ પાણી લેવા ગયો હતો અને પોતાના કુટુંબને બળતું જોઈ પોતે પણ દવમાં બળી મર્યો હતો. આ જોઈ હંસાઉલિને પસ્તાવો થયો. ચિતારાએ કહાવ્યું કે એ પંખી નરવાહનરૂપે જન્મ્યો છે. આથી હંસાઉલિ નરવાહનમાં આસક્ત થઈ અને એક માસ પછી સ્વયંવરમાં નરવાહનને વરી.”
હંસાઉલિને બે બળવાન પુત્ર જન્મ્યા : હંસ અને વત્સ. એમના પ્રત્યે કામાતુર થયેલી એમની અપરમાતા રાણી લીલાવતીએ, પોતાનો હેતુ સિદ્ધ નહિ થતાં, રાજા પાસે એમને દેહાન્તદંડનો આદેશ કરાવ્યો. પણ મંત્રી મનકેસરે રાજકુમારોને બચાવ્યા. વનમાં એમને જીવતા છોડ્યા અને એમને બદલે હરણની આંખો લાવીને રાજાને બતાવી. આ તરફ વનમાં સર્પદંશ થતાં હંસનું મરણ થયું. એક સરોવરતટે વડના ઝાડ ઉપર હંસનું શબ બાંધીને વત્સ પોતાના કાન્તિનગરમાં ચંદનકાષ્ઠ લેવા ગયો. એ સમયે ત્યાં ગરુડ પાણી પીવા આવ્યું. એની પાંખના પવનથી હંસનું ઝેર ઊતર્યું અને બંધ છોડીને એ ઝાડ ઉપરથી નીચે ઊતર્યો.”
બીજી બાજુ, વત્સરાજ નગરમાં એક વેપારીને ત્યાં બે ઘોડા અને બાર રત્નની થાપણ મૂકીને તથા ચંદનકાષ્ઠ લઈને પાછો આવ્યો, પણ હંસને એણે ન જોયો. શબને કોઈ પશુ લઈ ગયું હશે એવો તર્ક કર્યો, પણ ત્યાં તો હંસનાં પગલાં જોઈ આશ્ચર્ય પામ્યો. પાછો નગરમાં આવી એણે વેપારી પાસે પોતાની થાપણ માગી ત્યારે વેપારીએ ચોરીનું આળ ચડાવ્યું. વત્સના વધની આજ્ઞા થઈ, પણ તલારનગરરક્ષકની પત્નીએ એને નિર્દોષ જાણીને બચાવ્યો અને ધર્મપુત્ર કરીને રાખો. હંસ પણ એ જ નગરમાં આવી કલ્હણ નામના કબાડીને ત્યાં આશ્રિત રહ્યો હતો.'
હવે, પેલા લુચ્ચા વેપારીનું વહાણ પરદેશ જવા સજ્જ થયું, પણ બંદરમાંથી ઊપડે જ નહિ. જોશીએ કહ્યું, “થાપણમોષનું આ પરિણામ છે; કોઈ બત્રીસો આવે તો ઊપડે.' શેઠ બધું સમજી ગયો. રાજાને વિનંતી કરી, તલારના ધર્મપુત્રને વત્સને) સાથે વહાણમાં મોકલ્યો. વહાણ પ્રવાસ કરતું સનકાવતી નગરીમાં આવ્યું. ત્યાંની રાજપુત્રી ચિત્રલેખા વત્સને જોઈ મોહ પામી. માતાપિતાને કહી એણે સ્વયંવર કરાવ્યો અને વત્સ સાથે એ પરણી. પણ વહાણવટી શાહુકારના પુત્રે કહ્યું કે “આ તો અમારો અશ્વપાલ છે.' આથી રાજા ક્રોધાયમાન થયો, વત્સને મારવાને રાજાએ ઘણા પ્રયત્ન કર્યા, પણ દર વખતે એનો ચમત્કારિક બચાવ થતાં રાજા આશ્ચર્ય પામ્યો. છેવટે ચિત્રલેખાના આગ્રહથી વર્સે પોતાની સાચી ઓળખાણ આપી બંધુવિરહનું દુઃખ પ્રગટ કર્યું. | વહાણવટીના પુત્ર પુષ્પદંતના કહેવાથી પછી બધાં સમુદ્રમાર્ગે કાન્તિનગરી જવા નીકળ્યાં. વત્સને ખાસ તો પોતાના ભાઈ હંસને મળવાની ઈચ્છા હતી. (આ બાજુ, કાન્તિનગરનો રાજા અપુત્ર મરણ પામતાં હાથણીએ હંસ ઉપર કળશ ઢોળ્યો હતો.