________________
૨૫૬ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ : ૧
‘સંદેશક-રાસકમાં, મૂલતાનનગરના વર્ણનમાં, વેદ, મહાભારત, રામચિરત અને નલચરિત સાથે સદયવત્સકથાનું ગાન ત્યાં થતું હતું એવો ઉલ્લેખ છે તે પણ આ દૃષ્ટિએ સૂચક છે.
ભીમ કવિનો આ સદયવત્સવીર પ્રબન્ધ’ ૭૩૦ કડીનું આકર્ષક કાવ્ય છે. દુહા, સોરઠા, પદ્મડી, ચોપાઈ, અડયલ, વસ્તુ, છપ્પય, કુંડળિયા, ચામર અને મોતીદામ છંદોમાં એનો કાવ્યબંધ બંધાયેલો છે અને વચ્ચેવચ્ચે ગીતોનો પ્રયોગ પણ છે. વિકસિત છંદોબંધ તથા પ્રૌઢ કાવ્યબાની તેમજ કથામાં ઉદ્ધૃત થયેલા કથાપ્રસંગ-સંબદ્ધ પ્રાકૃત અને સંસ્કૃત સુભાષિતો આ કથાની પૂર્વકાલીન સાહિત્યપરંપરાનું સબળ સૂચન કરે છે. ભીમ કવિનું આ કાવ્ય પ્રેમ અને પરાક્રમના પ્રસંગોની ફૂલગૂંથણી કરે છે તથા શૃંગા૨ વી૨ અને અદ્ભુત રસના તરંગો ઉછાળે છે.
આ પ્રાચીન કથાકાવ્યનો સંક્ષિપ્ત સાર જોઈએ :
ઉજ્જયિનીના રાજા પ્રભુવત્સ અને રાણી મહાલક્ષ્મીનો સદયવત્સ નામે પરાક્રમી પુત્ર હતો એ ધૂતનો વ્યસની હતો. પ્રતિષ્ઠાનપુરના રાજા શાલિવાહનને સાવર્લિંગા નામે પુત્રી હતી. એના સ્વયંવરનું નિમંત્રણ મળતાં પ્રભુવત્સ રાજાએ મંત્રી સાથે સદયવત્સને ત્યાં મોકલ્યો હતો. મંત્રી કૃપણ હોઈ કુમારને ખર્ચ માટે આવશ્યક દ્રવ્ય આપતો નહોતો, તેથી બંને વચ્ચે મનદુઃખ થયું હતું. સ્વયંવરમાં સદયવત્સના ગુણોથી આકર્ષિત થઈને સાવલિંગા એને વરી.
ઉજ્જયિનીમાં મહાદેવ નામે એક દરિદ્ર જ્યોતિષી રહેતો હતો તે અર્થપ્રાપ્તિ માટે રાજસભામાં ઉપસ્થિત થયો. રાજાએ એની પરીક્ષા કરવા માટે પોતાના જયમંગલ હાથીનું ભવિષ્ય પૂછ્યું. જ્યોતિષીએ કહ્યું કે ‘આવતી કાલે બપોરે હાથી મરણ પામશે.’ રાજાએ ક્રોધાયમાન થઈને જ્યોતિષીને કેદમાં પૂર્યો અને સેવકોને જયમંગલ હાથીની વિશેષ રક્ષા કરવાની આજ્ઞા કરી, પણ વિધિવશાત્ બીજે દિવસે બપોરે હાથી મદોન્મત્ત થઈને બજારમાં ભાગ્યો. એ સમયે એક સગર્ભા બ્રાહ્મણીના સીમંતનો વરઘોડો એના પિય૨થી સાસરે જઈ રહ્યો હતો. લોકા નાઠા, પણ બ્રાહ્મણી ભાગી ન શકી. હાથીએ એને પકડી. ત્યાંથી પસાર થતા સદયવત્સે હાથીને મારીને બ્રાહ્મણીની રક્ષા કરી. આથી પ્રભુવત્સ રાજાએ પ્રસન્ન થઈને એને યુવરાજ પદ આપવાનો નિશ્ચય કર્યો, પણ કૃપણ મંત્રીએ વિચાર્યું કે આમ થશે તો પોતાની કૃપણતાનું સદયવત્સ વેર લેશે. એણે રાજાને સમજાવ્યું કે એક સાધારણ સ્ત્રીની રક્ષા માટે સદયવત્સે રાજમાન્ય હાથીને મારી નાખ્યો એ ઠીક ન થયું.' રાજાએ પણ એ વાત માનીને કુમારને એકાએક રાજ્ય છોડીને ચાલ્યા જવાની આજ્ઞા કરી.
દેશવટામાં સાવલિંગા પણ સદયવત્સની સાથે નીકળી. ચાલતાંચાલતાં એઓ એક વનમાં આવી પહોંચ્યાં. ત્યાં સાવલિંગાને ખૂબ તરસ લાગતાં સદયવત્સ પાણી