________________
ગુજરાતી ભાષાનો કુળક્રમ ૩૫
ઘણું વધી ગયું. પશ્ચિમના અને મધ્ય ભારતના સંખ્યાબંધ જૈન કવિઓએ શતાબ્દીઓ સુધી અપભ્રંશ સાહિત્યનું નિર્માણ કર્યું છે. નવમી શતાબ્દીનો કવિ રાજશેખર પશ્ચિમ તરફનો પ્રદેશ (ગુજરાત, રાજસ્થાન, માળવા, વગેરે) અપભ્રંશ કવિઓનું સ્થાન હોવાનું સૂચિત કરે છે.
અપભ્રંશ વિશેની ચર્ચામાં એક હકીકત સતત લક્ષમાં રાખવાની છે કે પ્રાકૃત વ્યાકરણકારોએ જે અપભ્રંશનું વર્ણન કર્યું છે અને જે આપણને વિપુલ અપભ્રંશ સાહિત્યની કૃતિઓમાં મળે છે તે અપભ્રંશભાષા પ્રાકૃતોની જેમ જ, એક કૃત્રિમ સાહિત્યભાષા હતી. સાહિત્યિક પ્રાકૃતનું કેટલોક ફેરફાર પામેલું સ્વરૂપ તે જ સાહિત્યિક અપભ્રંશ. પણ આ ફેરફારના મૂળમાં લોકબોલીઓનો પ્રભાવ હતો અને એ પ્રભાવ સતત વધતો રહ્યો એ દૃષ્ટિએ અપભ્રંશનું ઘણું જ મહત્ત્વ છે. પ્રાકૃતની જેમ જ અપભ્રંશભાષા પણ સાહિત્યમાં અત્યંત રૂઢિબદ્ધ બની ગઈ, પણ બીજી તરફ વધુ ને વધુ બોલીનાં તત્ત્વ ગ્રહણ કરતું એનું લૌકિક સ્વરૂપ પણ વિકસતું ગયું. પ્રાદેશિક ભાષામાં સાહિત્ય રચવાનું વલણ તો ઈસવી સનની બીજી સહસ્રાબ્દીના આરંભે ઉદ્ભવે છે, પણ એ પહેલાં પણ, અપભ્રંશભાષા લોકબોલીઓ ત૨ફ પ્રમાણમાં વધુ અભિમુખ રહી હોવાથી, ભારતીય-આર્ય ભાષાઓના ઇતિહાસ માટે એનું મૂલ્ય ઘણું છે. છતાં પણ એ ભૂલવાનું નથી કે પ્રાકૃત તેમજ અપભ્રંશ સાહિત્ય ‘લોકસાહિત્ય’ નથી જ. ભાષા, શૈલી, રચના અને ભાવના બધી દૃષ્ટિએ જૂજ અપવાદે, એ સંસ્કૃતના જેવું અને જેટલું વિદગ્ધ જનોએ વિદગ્ધ જનો માટે રચેલું ઉચ્ચ શિષ્ટ સાહિત્ય જ છે. એ સાહિત્યમાં મળતી પ્રાકૃત અને અપભ્રંશભાષા પણ લોકભાષાઓ નથી જ.
-
ગુજરાતીની વિકાસ-પરંપરા
વ્યાકરણ, શબ્દભંડોળ, પ્રયોગો, સાહિત્યશૈલી, છંદોરચના અને સાહિત્યસ્વરૂપો એ બધી બાબતોમાં ગુજરાતી-રાજસ્થાની-હિંદી વગેરેને અપભ્રંશનો ભરપૂર વારસો મળેલો છે. સાહિત્યિક ભાષા ૫૨ પ્રાકૃત અને સંસ્કૃતનું જે મોટું ભારણ છે તે બાદ કરીને ‘શુદ્ધ’ અપભ્રંશને અનુલક્ષીને વાત કરીએ તો તરત જ જોઈ શકાશે કે પશ્ચિમના સંપર્કથી ભારતીય ભાષાઓનું અર્વાચીન સમયમાં આંતિરક તેમજ બાહ્ય નવવિધાન થયું તે પહેલાંના આપણી ભાષાઓના સ્વરૂપમાં અપભ્રંશનું લગાતાર અનુસંધાન હતું. શબ્દરચના, સમાસ, નામિક અને આખ્યાતિક રૂપરચના, વાક્યની લઢણો અને રૂઢોક્તિઓ એ બધી બાબતમાં અપભ્રંશનાં વલણ અને પરંપરા જૂની ગુજરાતી અને મધ્યકાલીન ગુજરાતી દ્વારા અર્વાચીન સમય સુધી અતૂટ ચાલ્યાં આવ્યાં છે. નવવિધાન અવશ્ય થયું છે અને સારા પ્રમાણમાં થયું છે, પરંતુ એ